તમામ સ્પર્ધકોની કૃતીઓ સ્કેન કરીને ચૂંટણીપંચ તથા રાજકોટ કલેક્ટરની વેબ સાઈટ પર મુકાશે
મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ (ચિત્રનગરી) અને ડ્રીમ સિટીના સંયુક્ત ઉપક્રમે આગામી તા. ૦૯ના રોજ યોજાનાર ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને મતદાન જાગૃતિ અંગે ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં કુલ ૩૨૮ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જે પૈકી ૧૨૮ જેટલા ચિત્રકારો ૧૬ વર્ષથી મોટી ઉંમરના હતા જ્યારે ૦૯ થી ૧૬ વર્ષની વયના ૨૦૦ જેટલા ચિત્રકારો હાજર રહ્યા હતા.આ પ્રસંગે રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો. વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે, મતદાન જાગૃતિ અંગે કરાયેલા પ્રયાસો સરાહનીય છે. તમામ સ્પર્ધકોની કૃતીઓ સ્કેન કરીને ચૂંટણીપંચ તથા રાજકોટ કલેક્ટરની વેબ સાઈટ પર મુકવામાં આવશે. વિજેતા તમામ સ્પર્ધકોની કૃતીઓને ફ્રેમ કરીને રાજકોટના સર્કિટ હાઉસ ખાતે વિવિધ જગ્યાએ મુકવામાં આવશે.આ ચિત્ર સ્પર્ધામાં ઉંમર વર્ષ ૦૯ થી ૧૬ અને ૧૬ વર્ષથી વધુ ઉંમરની એમ બે કેટેગરીમાં આ સ્પર્ધા યોજાઈ હતી. બંને કેટેગરીમાં પ્રથમ પાંચ વિજેતાઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. પ્રથમ નંબર મેળવનાર ધારા ભટ્ટ, બીજો નંબર મેળવનાર અમી ઉપાધ્યાય, ત્રીજો નંબર મેળવનાર જલ્પેશભાઇ ઓઝાની ચિત્રકૃતી દ્નારા મતદાન જાગૃતી અંગે અપાયેલા સંદેશાઓની કલેક્ટર ડો. વિક્રાંત પાંડે તેમજ ઉપસ્થિત તમામ મહાનુભાવોએ ખુબ જ પ્રશંસા કરી હતી.૦૯ થી ૧૬ વર્ષની કેટેગરીમાં પ્રથમ ત્રણ વિજેતાને ૨૧૦૦/-, ‚ા. ૧૧૦૦/-, ‚ા. ૫૦૦/- તથા ૧૬ વર્ષથી વધુ ઉંમરની કેટેગરીમાં પ્રથમ ત્રણ વિજેતાને વડે પુરસ્કૃત કરાયા હતા. પ્રથમ નંબર મેળવનાર ટીસા ૫દવાણી, બીજો નંબર મેળવનાર વિસ્તા મહેતા, ત્રીજો નંબર મેળવનાર વ્યોમા બોડાની ચિત્રકૃતીની કલેક્ટર ડો. વિક્રાંત પાંડે તેમજ ઉપસ્થિત તમામ મહાનુભાવોએ સરાહના કરીને બાળ ચિત્રકારોનો ઉત્સાહ વધાર્યો હતો.અત્રે ઉપસ્થિત તમામ ચિત્રકારોએ અથાગ પ્રયત્ન વડે કલા જગતને રાજકોટની ધરતી ઉપર લાવીને રાખી દિધું હતું. ૦૯ થી ૧૬ વર્ષના નાના બાળ કલાકારોએ માટે જનરલ થીમ રાખવામાં આવી હતી જેથી તેમની અંદર રહેલા કૌષલ્યને બહાર લાવી શકાય તેમજ વધુ નિખારી શકાય. જ્યારે ૧૬ વર્ષથી વધુ ઉંમરના ચિત્રકારો માટે મતદાન જાગૃતિની થીમ રાખવામાં આવી હતી. તમામ ચિત્રકારો પોતાની કલા અને આવડત વડે મતદાન જાગૃતિ અંગે અનેક સંદેશાઓ આપી રહ્યા હતા. આ તમામ ચિત્રોનું પ્રદર્શન તા. ૧૫-૧૧-૨૦૧૭ ને બુધવારના રોજ રેષકોર્સ ખાતે આવેલ શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી ખાતે રાખવામાં આવેલ છે જેનો લાભ જાહેર જનતા લઈ શકશે.આ પ્રસંગે મિશન સ્માર્ટ સિટીના મેનેજીંગ ટ્રસ્ટી જીતેન્દ્રભાઇ ગોટેચા, ડ્રીમ સિટી પ્રોજેક્ટના ઈનચાર્જ હરીશભાઈ લાખાણી, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિ. કમિશ્ર્નર હર્ષદ પટેલ, રોજગાર અધિકારી ચેતનાબેન મારડીયા સહિત સ્પર્ધકો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.