કેન્દ્રીય સંચાર બ્યુરો અને આત્મીય યુનિવર્સિટીના સંયુક્ત આયોજન દ્વારા મતદાર જાગૃતિ અભિયાનનો થયો પ્રારંભ
શેરી નાટક, સિગ્નેચર કેમ્પેઈન, સંવાદ, શપથ, વિભિન્ન સ્પર્ધાઓ સાથે બહુવિધ કાર્યક્રમોનું આયોજન
ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા લોકશાહીનો અવસર ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના ઉપક્રમે મતદાર જાગૃતિ અભિયાનનું વિભિન્ન કાર્યક્રમ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ ખાતે આત્મીય યુનિવર્સિટીના સહયોગથી મતદાન જાગૃતિ મલ્ટીમીડિયા પ્રદર્શન સાથે બહુવિધ કાર્યક્રમનું આયોજન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનાં પ્રથમ દિવસે આકાશવાણી ,રાજકોટના પ્રોગ્રામ એક્ઝિકયુટિવ પ્રેરકભાઈ વૈદ્ય અને આત્મીય યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. શિવ ત્રિપાઠીના હસ્તે આત્મીય યુનિવર્સિટી ખાતે મતદાતા જાગૃતિ મલ્ટીમીડિયા પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
પ્રદર્શનના આયોજનને બિરદાવતા આકાશવાણી ,રાજકોટના પ્રોગ્રામ એક્ઝિકયુટિવ પ્રેરકભાઈ વૈદ્યએ જણાવ્યું કે યુવા મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે તેમને જાણકારી સાથે જાગૃતતા ફેલાવતું આ પ્રદર્શનનું આયોજન સરાહનીય છે. વધુમાં તેમણે જણાવ્યું કે આપણા બંધારણે દેશના નાગરિકોને ઇચ્છિત સરકારને ચુંટવા માટે લોકશાહીમાં મતદાન કરવાનો અધિકાર આપ્યો છે. ત્યારે એ બંધારણનું સન્માન જાળવવા અને મહત્તમ મતદાન થાય તે માટેના પ્રયાસો કરવા એ આપણા સૌની નૈતિક ફરજ પણ બને છે. માટે દેશના નાગરિક તરીકે આપણે અચૂક મતદાન કરવું જોઈએ.
આ પ્રસંગે ઉપસ્થિત આત્મીય યુનિવર્સિટીના કુલપતિ શિવ ત્રિપાઠીએ ચૂંટણીને લોકશાહીનો સૌથી મોટો અવસર ગણાવી આ અવસરની ઉજવણીમાં સૌને સામેલ થવાના અનુરોધ સાથે સવિશેષ યુવા મતદારોને લોકતંત્રમાં પોતાની ભાગીદારીને સુનિશ્ચિત કરવા અચૂક મતદાન કરવાની અપીલ કરી હતી.
કેન્દ્રીય સંચાર બ્યુરો,જૂનાગઢના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ લોકશાહીમાં મતદાનના મહત્વની સમજ સાથે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અંગે જાણકારી આપતા પ્રદર્શન સહિતના વિશેષ કાર્યક્રમ અંગે માહિતી આપી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે લોકશાહીના આ પર્વમાં યુવા મતદારો ઉત્સાહભેર ભાગ લઈ સો ટકા મતદાન કરે તેવા ઉદ્દેશ્ય સાથે આયોજિત આ સમગ્ર કાર્યક્રમમાં યુવા મતદારોને જાણકારી સાથે જાગૃતતા ફેલાય તેવા બહુવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આત્મીય યુનિવર્સિટીના સહયોગ થકી આયોજિત આ મતદાર જાગૃતિ અભિયાનમાં સિગ્નેચર કેમ્પેઈન, મતદાન શપથ ગ્રહણ, સંવાદ, પોસ્ટર સ્પર્ધા ડિબેટ સ્પર્ધા ,પ્રશ્નોત્તરી સ્પર્ધા, સ્લોગન સ્પર્ધા,જેવા વિભિન્ન કાર્યક્રમો સાથે શેરી નાટકો દ્વારા પણ મતદાન જાગૃતિનો સંદેશ ફેલાવવામાં આવશે.
ઉદ્ઘાટન સમારોહમાં આત્મીય યુનિવર્સિટીના ડેપ્યુટી રજીસ્ટર ડો.આશિષ કોઠારી સહિત યુનિવર્સિટીના વિભિન્ન વિભાગના અધિકારી- કર્મચારીગણ તેમજ કોલેજના યુવા વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમમાં નાટકના માધ્યમથી મનોરંજન સાથે મતદાર જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. સ્લોગન સ્પર્ધા અને પોસ્ટર સ્પર્ધાના વિજેતાઓને વિભાગ દ્વારા ઇનામ આપી પ્રોસાહિત કરવામાં આવ્યા હતા.