‘નોકરીયાતો’ હજૂ ચૂંટણીમાં વ્યસ્ત કે ‘ઘેર’હાજર?
અરજદારો પોતાના પડતર પ્રશ્ર્નોના ઉકેલ માટે ઘણાં દિવસોથી સરકારી કચેરીઓના ધકકા ખાય રહ્યાં છે. ચુંટણી પહેલા કર્મચારીઓ એમ જવાબ આપતા હતાં કે, હમણાં ચુંટણી છે.. ચુંટણી પતે પછી આવજો… જો કે, દરેક કર્મચારીઓને ચુંટણી પહેલા કંઇ જવાબદારીઓ હોતી નથી. પરંતુ ‘કામચોરી’ના કારણે અધિકારીના આવા જવાબો સાંભળી લાચાર અરજદારો ચુંટણી પત્યાની રાહ જોતાં હતા.. પરંતુ બિચારા અરજદારો જયારે ચુંટણી પત્યાના આજના દિવસે કંઇ આશા અને અરમાનો સાથે સરકારી કચેરીના દ્વારે પહોચ્યા હતા તો આ કચેરીઓમાં કાગડા ‘ઉડા ઉડા ’હતાં !! ટેબલ-ખુરશીઓ સુમસામ ભાસતી હતી. એકલ દોકલ હાજર કર્મચારીઓને પૂછતા એવા જવાબો મળ્યાં હતા કે સ્ટાફ ચુંટણીમાં હોવાથી આજ કોઇ નહીં આવે… તો શું મતદાન કામગીરી પતી ગઇ હોવા છતાં લગભગ તમામ કર્મચારીઓ હજુ આ ચુંટણી કામગીરીમાં ‘ઓન ડયુટી’હશે કે ‘થાક’ ઉતચારવા ‘ઘરે’ હાજર હશે?
ખરેખર ચુંટણી કામગીરીમાં રોકાયેલ કર્મચારીઓને જો રજા અપાઇ હોય તો કચેરી ચાલુ રાખવા અને જરુરી કામો માટે શું કોઇ કર્મચારીઓને જવાબદારી નહીં સોંપાઇ હો?ધ્ આખે આખી કચેરીઓમાં એકકા-દોકલ કોઇ કર્મચારીના ભરોસે સરકારી તંત્ર સોંપી દેવાતું હશે? સરકારી કચેરીના વડાએ ચુંટણી તળેના ઓઠાનો લાભ લઇ ગેરહાજર રહેતા કર્મચારી બાબતે તપાસ કરવી જરુરી હોય કે કર્મચારી ખરેખર રજાના કારણે ગેર હાજર છે ‘ઘેર’ હાજર છે…
ચુંટણી પહેલાના અટકેલા પ્રજાકીય અરજદારોના કામ કયારે શરું થશે? હજુ શનિ-રવિની રજાની મઝા લુંટી લેવાશે કે રાબેતા મુજબ કામગીરી શરુ કરાશે? લાચાર અરજદારો જાયે તો કહાં?
થાક ઉતારતા પદાધિકારીઓ: શાસક-વિપક્ષ નેતા જ કચેરીએ આવ્યા
લોકસભાની ચુંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતાની સાથે જ ભાજપ અને કોંગ્રેસનાં નેતાઓ, કાર્યકરો અને વહિવટી તંત્રએ ઉંડો હાશકારો અનુભવ્યો છે. સતત એક પખવાડિયાથી વધુ સમય જોરશોરથી પ્રચાર કર્યા બાદ થાકીને લોથપોથ થઈ ગયેલા મહાપાલિકાનાં પદાધિકારીઓએ આજે મનભરીને આરામ કરી ચુંટણીનો થાક ઉતાર્યો હોય તેવું કોર્પોરેશનની કચેરીનાં માહોલ પરથી જોવા મળતું હતું. આજે બપોર સુધી મુખ્ય એક પણ પદાધિકારી કોર્પોરેશન કચેરીએ દેખાયા ન હતા. માત્ર શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી અને વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠિયા કચેરી ખાતે આવ્યા હતા અને અરજદારોને સાંભળ્યા હતા.
મેયર બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્ર્વિનભાઈ મોલીયા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે આજે લોકસભાની ચુંટણીનો થાક ઉતારવાનું મુનાસીબ સમજયું હોય તેમ તેઓ કોર્પોરેશન કચેરી આજે સવારે આવ્યા ન હતા. મેયરની તબિયત થોડી ખરાબ હોવાનું જાણવા મળી રહ્યું છે. જયારે ચેરમેન આજે સવારે શા માટે કચેરીએ ના આવ્યા તે કારણે હજી અકળ છે. આજે સવારે માત્ર શાસક પક્ષના નેતા અને વિરોધ પક્ષના નેતા જ કોર્પોરેશન કચેરી ખાતે જોવા મળ્યા હતા. બીજી તરફ મોટાભાગની ઓફિસમાં ઉડે-ઉડે જેવો માહોલ જોવા મળતો હતો. ચુંટણી ફરજમાં રોકાયેલા સરકારી કર્મચારીએ પણ આજે રજા મુકી આરામ ફરમાવ્યો હતો.