દુધ, કરીયાણાની દુકાનો સવારે 4 કલાકે સાંજે 3 કલાક ખુલશે
દુધ, કરીયાણા સિવાયના તમામ વેપાર ધંધા બંધ રહેશે
જામનગર શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના વકરતા જામનગર તાલુકાના 100 ગામમાં સ્વૈચ્છીક લોકડાઉનનો નિર્ણય જામનગર જિલ્લા સરપંચ મંડળની બેઠકમાં લેવાયો છે. જે અનુસાર 100 ગામમાં 30 એપ્રિલ સુધી સવારે 6 થી 10, સાંજે 5 થી 8 ફકત દૂધ, કરિયાણાની દુકાનો ખૂલી રહેશે. જામનગર જિલ્લામાં પણ કોરોના મહામારીએ કાળો કહેર વર્તાવતા ગામડાંઓ સ્વૈચ્છીક લોકડાઉન થવા લાગ્યા છે. આ સ્થિતિમાં સોમવારે જામનગર તાલુકા પંચાયતમાં જામનગર જિલ્લા સરપંચ મંડળની બેઠક મળી હતી. જેમાં જામનગર તાલુકાના 100 ગામડાંમાં આગામી તા.30 એપ્રિલ સુધી સ્વૈચ્છીક લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ અંગે જિલ્લા સરપંચ મંડળના પ્રમુખ મહેશભાઇ બરારિયાએ જણાવ્યું હતું કે, કોરોનાનું સંક્રમણ ગામડાંઓમાં પણ વકરતા જામનગર તાલુકાના 100 ગામમાં સ્વૈચ્છીક લોકડાઉનનો નિર્ણય કરાયો છે. જે અનુસાર આ તમામ ગામમાં સવારે 6 થી 10 અને સાંજે 5 થી 8 ફકત કરિયાણા અને દૂધની દુકાનો ખૂલી રહેશે. અન્ય દુકાનો અને વેપાર-ધંધા બંધ રહેશે.
મહાપાલિકાના પ્રવેશદ્વારે 3 કલાકમાં 40 પોઝિટિવ કેસ
કોરોના સંક્રમણે માઝા મૂકતા કેસનો રાફડો ફાટયો છે ત્યારે મનપામાં આવતા લોકોના મહાનગરપાલિકાના પ્રવેશદ્વાર પર રેપીડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. સોમવારે મહાનગરપાલિકામાં લોકોની ભીડ ઉમટતા રેપીડ ટેસ્ટ કરવામાં આવતા ત્રણ કલાકમા 40 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા ભારે અફડાતફડી મચી ગઇ હતી.
જી.જી.માં 1200 પથારીની સામે 1302 દર્દી સારવારમાં!
જામનગરની જી.જી.હોસ્પિટલમાં કાર્યરત કોવિડ હોસ્પિટલમાં 11 એપ્રિલના સવારે 8 કલાકથી 12 એપ્રિલના સવારે 8 કલાકની સ્થિતિએ 1200 પથારીની સામે 1302 દર્દી સારવારમાં છે. જેમાં 965 નોન આઇસીયુ પણ ઓકસિજનની સુવિધા સાથેની પથારી સામે 1067 દર્દી હોવાનું જયારે વેન્ટીલેટરની સુવિધાવાળા તમામ 235 પથારી ફુલ હોવાનું નોંધાયું છે.
જામનગર યાર્ડ સપ્તાહમાં ત્રણ દિવસ બંધ
જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા હાપા માર્કેટીંગ યાર્ડ સપ્તાહમાં ત્રણ દિવસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાપા માર્કેટ યાર્ડમાં ગ્રામ્ય વિસ્તારમાીં ખેડૂતો આવતા હોય આ વિસ્તારોમાં સંક્રમણ ખૂબજ વધ્યું હોવાથી યાર્ડમાં શુક્રવાર, શનિવાર અને રવિવારના ત્રણ દિવસ હરરાજી અને માલની આવક સદતંર બંધ રાખવાનો નિર્ણય યાર્ડના સતાધીશો દ્વારા કરવામાં આવ્યો છે. યાર્ડમાં સોમવારથી ગુરૂવાર સુધી જણસોની હરરાજી અને આવક ચાલુ રહેશે તેમ સેક્રેટરી હિતેષ પટેલે જણાવ્યું છે.