ગ્રાન્ટેડ સ્વૈચ્છિક ભિક્ષુક મહિલા ગૃહમાં ભિક્ષા પ્રતિબંધાત્મક ધારા હેઠળ પકડાયેલા ભિક્ષુકોની લેવામાં આવતી ખાસ સાર-સંભાળ
એ દીકરા બે દિવસ થી કઈ ખાધું નથી, જમવાનું આપોને… મારો દીકરો બીમાર છે કંઈક મદદ કરોને… એમ કહી ગંદા, ફાટેલ તૂટેલ કપડાં, નાહ્યા ધોયા વગરના ભીખ માંગતા ભિક્ષુકો જાહેર રસ્તા પર, રેલવે સ્ટેશન, ટ્રાફિક સિગ્નલ તેમજ બજારમાં જોવા મળે છે. માનવ હૃદય કોમળ હોઈ છે. દયા અને અનુકંપા એ માનવીય ગુણ છે, એટલે રાહદારી યથા શક્તિ મદદ કરે છે. પરંતુ ભીખ માંગવી એ એક ગુનો છે તેમજ ભીખ આપવી એ પરોક્ષ રીતે ભિક્ષાવૃતિને ઉત્તેજન આપવાનું કાર્ય કરે છે. ખરુંને ?
શહેરી વિસ્તારમાં ભિક્ષા પ્રતિબંધાત્મક ધારા હેઠળ ભિક્ષા માંગવી ગુનો બને છે. ભિક્ષા માંગતા ભિક્ષુકોને કાયદાકીય રીતે પ્રથમવાર ૧૪ દિવસ માટે ભિક્ષાગૃહમાં મોકલી આપવામાં આવે છે. આ દરમ્યાન તેમના વાલી વારસની તપાસ કરવામાં આવે છે. જો પરિવારનુ કોઈ મળી જાય તો તેઓને સુપ્રત કરવામાં આવે છે અથવા તેમને ભિક્ષુક ગૃહમાં મોકલી આપવામાં આવે છે. એકથી વધુ વાર ભિક્ષા માંગતા પકડાઈ તો તેઓને એક વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે. મોટાભાગના ભિક્ષુકો ભિક્ષુક ગૃહમાંથી બહાર નીકળી ફિર વોહી રફ્તારની જેમ ફરીથી એજ પ્રવૃર્તી શરુ કરી દે છે, કારણકે તેમાં મહેનત ઓછી અને આવક વધારે છે. જમવાનું સામાજિક સંસ્થાઓ મફત પુરી પાડે છે ને રહેવા જમવાનો કોઈ ખર્ચ નથી એટલે કમાણી બધી બચત… શું ભિક્ષાવૃતિ બંધ થઈ શકે ? ભિક્ષુકો કાયમ માટે આ પ્રવૃતિ બંધ કરી દે ખરા ? હા, એ શક્ય છે જેમાં સરકારની સાથોસાથ સામાજિક સંસ્થાઓ તેમજસૌનો સાથ જરૂરી છે.
શહેરમાં ભિક્ષુક ગૃહ ઘણા છે પરંતુ ભિક્ષુક માનવ કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત સ્વૈચ્છિક ભિક્ષુક મહિલા ગૃહ સંસ્થા વિશિષ્ટ છે. આ ગ્રાન્ટેડ ગૃહમાં ભિક્ષુકોનો નિભાવ ખર્ચ સરકાર દ્વારા આપવામાં આવે છે. અહીં તેઓને માત્ર રહેવા જમવા ને સાચવવાનું કાર્ય તો ખરુજ પરંતુ એથી વિશેષ ભિક્ષુકોને આત્મસન્માન અને આત્મનિર્ભર બનાવવાનું અનન્ય કાર્ય ટ્રસ્ટ દ્વારા ખાસ કાળજી સાથે કરવામાં આવે છે.
ટ્રસ્ટના ચેરમેન મુકેશભાઈ મેરજા અને પ્રમુખ ગીતાબેન પટેલ જણાવે છે કે, અમે આ ગૃહ છેલ્લા ૭ વર્ષથી ચલાવીએ છીએ. અહીં માત્ર મહિલા ભિક્ષુકોને જ અમે રાખીએ છીએ. તેમને પરિવારના સભ્યની જેમ ઉછેર કરીએ છીએ. તેમના રહેવા, જમવા, પહેરવા કપડાથી માંડી તમામ જીવન જરૂરિયાતની વસ્તુ પુરી પાડીએ છીએ. અમારો ધ્યેય તેઓને આત્મનિર્ભર કરવાનો અને સમાજમાં આત્મસન્માન મળી રહે તે માટે પગભર કરવાનો છે.
અમારી આ કાર્યપ્રણાલીથી પ્રેરાઈ ગત જાન્યુઆરીથી અમને ગ્રાન્ટઈન એઈડ ભિક્ષુક ગૃહની માન્યતા મળી છે. શહેરી વિસ્તારમાં વારંવાર પકડાયેલા ભિક્ષુકોને જેલમાં નહિ પરંતુ સ્વૈચ્છિક ભિક્ષુક મહિલા ગૃહમાં ભિક્ષુકોને મોકલવાનું પગલું આવકારતા પ્રમુખ ગીતાબેન પટેલ જણાવે છે કે જેલમાં ભિક્ષુકોને સજા આપવાથી તેમનામાં પરિવર્તન આવે જ તે જરૂરી નથી, તેમને આજીવન ભિક્ષા પ્રવૃત્તિમાંથી બહાર લાવવા સામાજિક સંસ્થા કે જે માત્ર ભિક્ષુકોના પરિવર્તન માટે કાર્યરત છે તેમાં મોકલવાનો કોર્ટનો ધ્યેય આવકાર્ય હોવાનું મુકેશભાઈ જણાવે છે.
અહીંભિક્ષુકની સાર સંભાળ માટે ખાસ કેર ટેકર રાખવામાં આવેલી છે. જેઓ તેમના નિત્યક્ર્મની જવાબદારી નિભાવે છે. સપ્તાહમાં એક વાર ડોક્ટર દ્વારા ખાસ મેડીકલ ચેકઅપ કરવામાં આવે છે. ભિક્ષુકો અહીં એક સપ્તાહ રહે પછી તેઓ અહીંના પરિવારના સભ્ય બની આનંદ થી રહે છે. દિવસભરની પ્રવૃતિઓ વિષે ગીતાબેન જણાવે છે કે તેમને રોજ પ્રાથમિક શિક્ષણ (અક્ષર જ્ઞાન), રમત ગમતની પ્રવૃત્તિ, ભજન તેમજ મનપસંદ કાર્યક્રમો નિહાળવા ટીવીની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રારંભે તેમનું કાઉન્સલીંગ કરવામાં આવે છે. તેઓ ભિક્ષાવૃત્તિ તરફ ક્યાં કારણોસર વળ્યાં છે તે જાણી તેમના અભ્યાસ, રસ રુચિ તેમજ પરિવાર વિષે વધુ વિગતો મેળવી તેમનું ઘડતર કરવામાં આવે છે.
અમારું મુખ્ય લક્ષ્ય ભિક્ષુક જીવનમાં બીજીવાર ભિક્ષાવૃતિ તરફ નચડે, તેઓ સ્વનિર્ભર બને અને સ્વમાનપૂર્વક સમાજમાં રહે તે છે તેમ સંસ્થાના ચેરમેન મુકેશભાઈ જણાવે છે. તેઓનેટ્રેનિંગ આપી કાપડની થેલી, ખાખરા, પાપડ વણાટ જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. કેટલાક ભિક્ષુકો ઝડપથી આ પ્રવૃતિઓમાં કુશળ થઈ જતા હોઈ છે. આ કાર્યથી જે કઈ આવક થાય તે તેમને આપી દેવામાં આવે છે. તેઓ મહેનત કરી કમાઇ શકવા સક્ષમ છે તેમ પ્રતીતિ કરાવવામાં આવે છે.
આવી અનેક હૃદય સ્પર્શી વાતો છુપાયેલી છે દરેક ભિક્ષુક મહિલાઓમાં જીવનમાં. તેમના અંતરમનમાં જાખી તેમને પ્રેમ હૂંફ અને લાગણીનું સિંચન કરી પુણ્યનું ભાથું બાંધે છે આ સામાજિક સંસ્થા સાથે જોડાયેલા અનેક લોકો. સરકારએ સ્વૈચ્છિક ભિક્ષુક મહિલા ગૃહને વિશેષ માન્યતા આપી ભિક્ષુકોના નવજીવનના પથદર્શક બન્યા છે.