ઉઘડતી બજારે સેન્સેકસ-નિફટીમાં મહાકાય ગાબડા બાદ ગણતરીની મિનિટમાં માર્કેટ ગ્રીન ઝોનમાં આવ્યા બાદ વેચવાલીનું દબાણ વધતા સુધારો ધોવાયો
વૈશ્ર્વિક મહામારી કોરોનાના નવા ઓમિક્રોન વેરિએન્ટ વિશ્ર્વના 14 દેશોમાં પગપેસારો કરી લેતા યુરોપીયન અને એશીયન શેર બજારોમાં કડાકો બોલી ગયો છે. જેના કારણે આજે સપ્તાહનાં પ્રથમ દિવસે જ ભારતીય શેર બજારમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો. ઉઘડતી બજારે સેન્સેકસમાં 700 અને નિફટીમાં 200થી વધુ પોઈન્ટનો કડાકો બોલી ગયા ગણતરીની મીનીટોમાં બજારમાં જોરદાર રિકવરી જોવા મળી હતી સેન્સેકસ અને નિફટી ગ્રીન ઝોનમાં આવી ગયા હતા. જોકે ફણી એકવાર રોકાણકારોમાં વિશ્ર્વાસના અભાવે વેચવાલીનું દબાણ વધતા સુધારો ધોવાઈ ગયો હતો.
આજે સપ્તાહના પ્રથમ ટ્રેડીંગ સેશનમાં ભારતીય શેર બજારનાં બંને આગેવાન ઈન્ડેકસ ઘટાડા સાથે ખૂલ્યા હતા સેન્સેકસમાં 724 અને નિફટીમાં 222 પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો. ત્યારબાદ જોરદાર રિકવરી જોવા મળી હતી અને બજાર ગ્રીન ઝોનમાં આવી ગયુંહતુ. ઈન્ટ્રા ડેમાં સેન્સેકસ 56382.93 સુધી સરકયા બાદ 57404.03ની ઉંચી સપાટીએ પહોચતા 1022 પોઈન્ટની અફરા તફરી જોવા મળી હતી.
જયારે ઈન્ટ્રાડેમા નિફટીએ 17 હજારનું લેવલ તોડયું હતુ અને આજે 16782.40નો લો બનાવ્યો હતો. જોકે સુધારા સાથે ફરી નિફટી 17099.70ની સપાટી હાંસલ કરી લીધી હતી. નિફટીમાં 317 પોઈન્ટનો ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો. પ્રારંભીક કડાકા બાદ બજારમાં જોરદાર રિકવરી પણ જોવા મળી હતી. પરંતુ વૈશ્ર્વિક બજારોમાં કડાકા અને રોકાણકારોમાં વિશ્ર્વાસનો અભાવના કારણે બજાર ફરી રેડ ઝોનમાં ગરકાવ થઈ ગયું હતુ.
આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ 31 પોઈન્ટ ઉછાળા સાથે 57138 અને નિફટી 12 પોઈન્ટના ઉછાળા સાથે 17038પોઈન્ટ પર કામકાજ કરી રહ્યા છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપીયો 6 પૈસાની નબળાઈ સાથે 74.93 પર ટ્રેડ કરી રહ્યો છે.
ઓમિક્રોન વેરિએન્ટની અસર વિશ્ર્વભરના શેરબજારોમાં જોવા મળી રહી છે. વૈશ્ર્વિક બજારોમાં કડાકાના કારણે ભારતીય શેરબજારમાં આજે ઉઘડતાં સપ્તાહે મંદીનો દોર શરૂ થયો છે. માર્કેટે ઉચકવાનો ઘણો પ્રયાસ કર્યો હતો પરંતુ સતત વેચવાલીનું દબાણ વધવાના કારણે સુધારો ગણતરીની કલાકોમાં જ ધોવાઈ ગયો હતો. સેન્સેક્સ અને નિફ્ટી થોડી વાર માટે ગ્રીન ઝોનમાં તો થોડી વાર રેડ ઝોનમાં કામ કરતાં નજરે પડે છે.
બેંક નિફ્ટી અને નિફ્ટી મિડકેપ ઈન્ડેક્ષમાં પણ તોતીંગ કડાકા બોલી ગયા છે બજારમાં જાણે નવેસરથી મંદીનો દોર શરૂ થયો હોય તેવી કલ્પનાથી રોકાણકારો રીતસર ફફડી રહ્યા છે. જે રીતે સપ્તાહના આરંભે જ માર્કેટ વોલેટાઈલ જોવા મળી રહ્યો છે તે જોતા એવું લાગી રહ્યું છે કે, ચાલુ સપ્તાહ દરમ્યાન સતત ઉતાર ચડાવ રહેશે.