કોરોનાની મહામારીમાં લોકડાઉનથી એડવોકેટોની આર્થિક સ્થિતિ કફોડી મુખ્યમંત્રી વિજયભાઈ અને કાયદામંત્રી પ્રદિપસિંહને કરાઈ લેખિત રજુઆત
કોરોનાની વૈશ્વિક મહામારીથી દેશમાં તા.૨૩ માર્ચથી તમામ અદાલતોમાં માત્ર અરજન્ટ કામગીરી કરાતી હોવાથી જુનિયર વકિલોની આર્થિક સ્થિતિ કફોડી બની હોય ત્યારે કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા અર્થતંત્રની ગાડી પાટે ચડાવવા આર્થિક પેકેજ જાહેર કરવામાં આવ્યું હોય ત્યારે કેરલ અને તામિલનાડુ સરકારની જેમ ગુજરાતના વકીલોને સ્ટાયફંડ ચુકવવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કાયદામંત્રી પ્રદિપસિંહ જાડેજાને રાજકોટનું વોઈસ ઓફ લોયર્સે પત્ર લખી યોગ્ય કરવા માંગ કરી છે.
વકિલાતનો વ્યવસાય એક ઉમદા અને નોબલ વ્યવસાય છે પરંતુ હાલની પરિસ્થિતિ ધ્યાને લેવામાં આવે તો જે વૈશ્ર્વિક મહામારીના કારણે જે અર્થતંત્ર પર અસર પડેલી છે તેના કારણે સમગ્ર દેશના નાગરીકો પોતાના અસ્તિત્વ ટકાવી રાખવા માટે લડી રહેલા છે તેમાં જુનિયર એડવોકેટોનો પણ સમાવેશ થાય છે. કેરલ રાજયમાં જુનિયર એડવોકેટો માટે સ્ટાયફંડ આપવામાં આવે છે. તાજેતરમાં તામિલનાડુ સરકાર દ્વારા જુનિયર એડવોકેટોને બે વર્ષ માટે રૂા.૩૦૦૦/-નું સ્ટાયફંડ આપવા અંગેનો આદેશ આપેલો છે.
ગુજરાત રાજય સમગ્ર દેશમાં મોડલ રાજય તરીકે પ્રસ્થાપિત થયેલું હોય તેવા સંજોગોમાં જુનિયર એડવોકેટોની માન, મર્યાદા, સન્માન જળવાય રહે તે માટે જુનિયર એડવોકેટોને પ્રોત્સાહન મળી રહે તે માટે માસિક રૂા.૫૦૦૦/-નું બે વર્ષ માટે સ્ટાયફંડ મળે તે માટે રાજકોટનું વોઈસ ઓફ લોયર્સ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ, કાયદામંત્રીને પત્ર લખી રજુઆત કરવામાં આવી છે.
આ રજુઆત સરકાર સમક્ષ વોઈસ ઓફ લોયર્સ, રાજકોટના ક્ધવીનર પરેશ મારૂ, ભગીરથસિંહ ડોડીયા, સહક્ધવીનર જે.બી.શાહ, ભાવેશ રંગાણી, પ્રમુખ ઈન્દ્રસિંહ ઝાલા, ઉપપ્રમુખ એ.કે.જોષી, અમીત વેકરીયા, સેક્રેટરી વિશાલ ગોસાઈ, જોઈન્ટ સેક્રેટરી જીતેન્દ્ર પારેખ, કેતન મંડન અને ટ્રેઝરર જયેન્દ્ર ગોંડલીયા દ્વારા કરવામાં આવેલી છે.