પડકારોનો સામનો કરી રહેલી વોડાફોન- આઈડિયા હવે ફરી બેઠી થાય તેવી આશા જાગી કંપની દ્વારા હજુ ગાંધીનગરમાં નોકિયા અને પુણેમાં એરિકસન સાથે ટ્રાયલ ચાલુ
સરકાર ટેલિકોમ ક્ષેત્રમાં સુધારાઓ લાવી છે. જેને પગલે વોડાફોન આઈડિયા ફરી બેઠા થવાની આશા જાગી છે. આ દરમિયાન વોડાફોન આઈડિયાને લઈને સારા સમાચાર આવ્યા છે. વોડાફોન આઈડિયાએ 5જી ઇન્ટરનેટ ટ્રાયલમાં 4 ગીગાબાઈટની સ્પીડ હાંસલ કરી છે. હજુ પણ કંપની દ્વારા વિવિધ ટ્રાયલ ચાલુ જ રાખવામાં આવ્યા છે.
ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયા લિમિટેડે તેના 5જી ઈન્ટરનેટ ટ્રાયલ દરમિયાન ચાર ગીગાબીટ પ્રતિ સેક્ધડની ઈન્ટરનેટ સ્પીડ હાંસલ કરી છે. શુક્રવારે આ માહિતી આપતાં કંપનીએ જણાવ્યું હતું કે આ સ્પીડ 26 જીએચઝેડ સ્પેક્ટ્રમ હસ્તગત કરવામાં આવી છે. જે બેન્ડને ભાવિ હરાજીમાં વેચાણ માટે મૂકવાની દરખાસ્ત છે. વીઆઈએલના ચીફ ટેક્નોલોજી ઓફિસર જગબીર સિંઘે જણાવ્યું હતું કે, “અમે ટ્રાયલ દરમિયાન મિલીમીટર બેન્ડમાં 4.2 જીબીપીએસની ઝડપ હાંસલ કરવામાં સફળ રહ્યા છીએ.”
તેમણે કહ્યું કે સરકારે 5જી ટ્રાયલને છ મહિના સુધી લંબાવ્યું છે અને તે આવતા વર્ષે મે સુધી અથવા સ્પેક્ટ્રમની હરાજીના પરિણામો બહાર ન આવે ત્યાં સુધી ચાલુ રહેશે.ચીફ રેગ્યુલેટરી અને કોર્પોરેટ ઓફિસર પી બાલાજીએ કહ્યું કે ટ્રાયલ મે સુધી લંબાવવામાં આવશે. સરકારે હજુ સુધી સ્પેક્ટ્રમની હરાજી માટે કોઈ સમયરેખા આપી નથી.વીઆઈએલ ગાંધીનગરમાં નોકિયા અને પુણેમાં એરિક્સન સાથે 5જી ઈન્ટરનેટ ટ્રાયલ કરી રહી છે.ટેલિકોમ ક્ષેત્રે ઇજારાશાહી ન આવે એટલે માટે સરકાર દ્વારા વિવિધ પગલાં ભરવામાં આવી રહ્યા છે.
જ્યારથી માર્કેટમાં જીઓની એન્ટ્રી થઈ, એરટેલ, વોડાફોન- આઈડિયાની પડતી શરૂ થઈ હતી. હવે વોડાફોન આઈડિયા સાવ પડી ભાંગે તે પૂર્વે જ સરકારે ટેલીકોમ ક્ષેત્રે સુધારાઓ જાહેર કર્યા ઉપરાંત વોડાફોન- આઈડિયાને જીવતદાન મળે તેવા પગલાં ભર્યા હતા. આ દરમિયાન વોડાફોન આઈડિયા પણ 5જીને લઈને વિવિધ સ્થળોએ ટ્રાયલ ચલાવી રહ્યું છે. જેમાં એક ટ્રાયલમાં વોડાફોન- આઈડિયાને 4 ગીગાબાઈટની ઐતિહાસિક સ્પીડ મળી છે. હવે વોડાફોન- આઈડિયા ગાંધીનગરમાં નોકિયા અને પુણેમાં એરિકસન સાથે ટ્રાયલ કરી રહી છે. જેમાં પણ કંપનીને સફળતા મળે તેવા ભરપૂર પ્રયાસો થઈ રહ્યા છે.