ભારતમાં અસ્તિત્વ જાળવી રાખવા એમેઝોન-નેટફ્લિક્સે સબસ્ક્રીપશન પ્લાનમાં કરેલો બદલાવ ‘યુદ્ધના ભણકારા’ સમાન!!!
એશિયાના બે સૌથી મોટા ધનકુબેરો ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી હવે મીડિયા ઈન્ડસ્ટ્રીમાં પોતાનું વર્ચસ્વ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લાંબા સમયથી મીડિયા ઈન્ડસ્ટ્રીમાં છે, પરંતુ ગૌતમ અદાણીની મીડિયા ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી થઈ છે. અદાણી ગ્રુપની કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડએ એએમજી મીડિયા નેટવર્ક સાથે મીડિયા ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે. અદાણી એન્ટરપ્રાઇઝની પેટાકંપની ટૂંક સમયમાં મીડિયા સંબંધિત પ્રવૃત્તિઓમાં તેનો બિઝનેસ શરૂ કરશે. આ વર્ષે માર્ચમાં અદાણી જૂથે રાઘવ બહલના મીડિયા સાહસ ક્વિન્ટિલિયન
બિઝનેસ મીડિયા પ્રાઈવેટ લિમિટેડ (કયુબીએમ)માં લઘુમતી હિસ્સો હસ્તગત કર્યો હતો. જે બ્લૂમબર્ગક્વિન્ટ નામનું ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ચલાવે છે.
દરમિયાન જેમ્સ મર્ડોકની બોધી ટ્રી સિસ્ટમ્સ અને સ્ટાર અને ડિઝની ઈન્ડિયાના ભૂતપૂર્વ ચેરમેન ઉદય શંકરે વાયકોમ 18 માં રોકાણની જાહેરાત કરી છે. આ રોકાણ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ સાથે ત્રિપક્ષીય ભાગીદારી હેઠળ કરવામાં આવી રહ્યું છે. આ દેશની સૌથી મોટી ટીવી અને ડિજિટલ સ્ટ્રીમિંગ કંપનીઓમાંની એક અસ્તિત્વમાં લાવશે.
ભાગીદારી હેઠળ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સંપૂર્ણ માલિકીની પેટાકંપની રિલાયન્સ પ્રોજેક્ટ્સ એન્ડ પ્રોપર્ટી મેનેજમેન્ટ સર્વિસિસ લિમિટેડ (આરપીપીએમએસએલ) રૂ. 1645 કરોડનું રોકાણ કરશે. આ સાથે જીઓ સિનેમા ઓટીટી એપ વાયકોમ 18 પર માઈગ્રેટ થઈ જશે. આરપીપીએમએસએલ ટેલિવિઝન, ઓટીટી, વિતરણ, સામગ્રી નિર્માણ અને પ્રોગ્રામ પ્રોડક્શનના ક્ષેત્રોમાં કામ કરે છે.
અંબાણીના નવા રોકાણ અને અદાણીનું મીડિયામાં પ્રવેશ સ્થાનિક બનવા માટે વૈશ્વિક યુદ્ધના સંકેતો દર્શાવે છે. જો કે એ એટલું સરળ નથી. નેટફ્લિક્સ અને એમેઝોન પહેલેથી જ અહીં તેમની મજબૂત હાજરી જાળવી રહ્યા છે. તે જ સમયે આ કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે વિવિધ યુક્તિઓ પણ અપનાવી રહી છે. ઉદાહરણ તરીકે નેટફ્લિક્સે તાજેતરમાં સબ્સ્ક્રિપ્શન પ્લાન બદલ્યો છે. તે જ સમયે એમેઝોને આઈપીએલ પ્રસારણ અધિકારો માટે બોલી લગાવીને પ્રાઇમને વિસ્તારવાની યોજના પણ બનાવી છે.
જોકે, એમેઝોન અને રિલાયન્સ જેવી કંપનીઓ ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલના પ્રસારણ અધિકારો મેળવવાની હોડમાં છે. એમેઝોન મીડિયા અધિકારોને લઈને તેની પ્રાઇમ સર્વિસને વિસ્તારવા માંગે છે. તે જ સમયે રિલાયન્સ જિયો ટીવીને સફળતાની નવી ઊંચાઈઓ પર લઈ જવા માંગે છે. ડિઝની પલ્સ હોટસ્ટાર એ ભારતમાં આઈપીએલનું એકમાત્ર લાઇવ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ છે.