ઈવીએમ સામે સવાલો ઉભા થતા ચૂંટણીપંચે ગોઠવી વ્યવસ્થા: મતદારોએ જે ઉમેદવારને મત આપ્યો છે તેને મળ્યો છે કે કેમ ? તે જોઈ શકાય છે
દેશમાં પ્રથમવાર ગુજરાત વિધાનસભાની ૧૩મી સામાન્ય ચૂંટણીમાં ઈવીએમ મશીન સાથે વીવીપેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઈવીએમ સામે રાજકીય પક્ષોએ સવાલ ઉઠાવતા કેન્દ્રીય ચૂંટણીપંચે પ્રથમવાર વીવીપેટની વ્યવસ્થા ઉભી કરી છે. જેમાં મતદાન કર્યા બાદ મતદારે જે ઉમેદવારને પોતાનો પવિત્ર અને કિંમતી મત આપ્યો છે તે મત જે-તે ઉમેદવારને મળ્યો છે કે કેમ ? તે વીવીપેટમાં જોઈ શકાય છે. તમામ બુથોમાંથી રેન્ડમલી એક વીવીપેટ પસંદ કરી મત ગણતરીમાં ધ્યાને લેવામાં આવશે. આજે પ્રથમ તબકકાના મતદાનમાં મોકપોલ રાઉન્ડમાં રાજકોટમાં એક વીવીપેટમાં ટેકનિકલ ફોલ્ટ સર્જાતા તાત્કાલિક રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
વિશ્ર્વના સૌથી મોટા લોકશાહી રાષ્ટ્ર ભારતમાં ચૂંટણીપંચ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી બેલેટ પેપરની જગ્યાએ ઈવીએમ મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરીણામ બાદ જે રાજકીય પક્ષનો કારમો પરાજય થાય છે તે રાજકીય પક્ષ હંમેશા પરાજયના દોશનો ટોપલો ઈવીએમ પર ઠાલવતા હોય છે અને એવા આક્ષેપ લગાવતા હોય છે કે રાજકીય પક્ષો ઈવીએમ મશીન સાથે સેટીંગ કરી નાખે છે જેના કારણે મત કોઈપણ ઉમેદવારને આપવામાં આવે પરંતુ મત નિશ્ર્ચિત કોઈપણ એક વ્યકિતના ખાતામાં જ જાય છે. આ માટે ચૂંટણીપંચે તમામ પક્ષોને પડકાર પણ આપ્યો હતો છતાં શંકાનું સમાધાન થયું ન હતું. દરમિયાન ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા દરેક મતદાન બુથ પર ઈવીએમ સાથે એક વીવીપેટ મશીન પણ રાખવામાં આવ્યું છે.
જેમાં મતદાર મતદાન કર્યા બાદ પોતે જે ઉમેદવારને મત આપ્યો છે તે ઉમેદવારને મત પ્રાપ્ત થયો છે કે કેમ ? તે અંગેની માહિતી વીવીપેટ ઉપરથી મેળવી શકશે. વીવીપેટ પર સાત સેક્ધડ સુધી એક રીસીપ્ટ દેખાશે જેના પર ઉમેદવારનું નામ લખેલું હશે જોકે આ રીસીપ્ટ મતદાર પોતાની સાથે લઈ જઈ શકશે નહીં.