VIVOમાં જોડાયેલા “ગદારો” સરકાર ઓળખી બતાવશે??
ચાઈનાના મોબાઈલ તો તકલાદી છે. પણ ચીનીઓ પણ તક-લાદી છે. તેઓ કમાવવાની તક કોઈ કાળે છોડે તેમ નથી. ચાઈનાની કંપની વિવોએ આવું જ કર્યું છે. તેને દેશના ગદારો સાથે મળીને ખરીદ કિંમત ઉંચી બતાવી કિંમતી હૂંડિયામણમાં અબજોની કરચોરી કરી છે. ત્યારે હવે પ્રશ્ન એ છે કે વિવો સાથે મળેલા દેશના ગદારોને સરકાર ઓળખી બતાવે છે કે કેમ? ભારતમાં ટેક્સ ન ભરવા માટે ચીનની મોબાઈલ કંપની વિવોએ ગેરકાયદેસર રીતે તેના કુલ ટર્નઓવરનો અડધો ભાગ ચીન મોકલ્યો અને પોતાને ખોટમાં દર્શાવતી રહી. મંગળવારે દેશભરમાં વિવોના 48 સ્થળો પર સર્ચ કરનાર ઇડીએ ગુરુવારે આ માહિતી આપી. ઇડી અનુસાર, 2014માં ભારતમાં આવ્યા બાદથી, વિવોએ નકલી સરનામાં અને દસ્તાવેજો પર અલગ-અલગ રાજ્યોમાં 23 પેટાકંપનીઓ બનાવી હતી.
ઇડીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લા ચાર વર્ષમાં વિવોનું ભારતમાં કુલ ટર્નઓવર રૂ. 1,25,185 કરોડ હતું, જેમાંથી રૂ. 62,476 કરોડ ચીનને મોકલવામાં આવ્યા હતા. કંપની ભારતમાં દર વર્ષે પાંચથી છ હજાર કરોડ રૂપિયાની ખોટ બતાવતી રહી. કંપનીએ આવું એટલા માટે કર્યું કે તેને ભારતમાં ટેક્સ ચૂકવવો ન પડે. ઇડી હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ચીનને મોકલવામાં આવેલા 62,476 કરોડ રૂપિયામાંથી ગેરકાયદેસર રીતે કેટલા પૈસા મોકલવામાં આવ્યા હતા.
સરકારને ચૂનો ચોપડવાની વિવોની સ્ટ્રેટેજી આવી હતી
સરકારને ચૂનો ચોપડવા વિવોએ ખાસ સ્ટ્રેટેજી બનાવી હતી. ઉદાહરણ રૂપે તેને સમજીએ તો ધારોકે કોઈ મોબાઈલની લેન્ડિંગ કોસ્ટ 10 હજાર થતી હતી. તો વિવો તેની લેન્ડિંગ કોસ્ટ 20 હજાર ચોપડે દર્શાવતું, બાદમાં આ મોબાઈલ 25 હજારમાં વેચવાના બદલે 21 કે 22 હજારમાં વેચીને ગ્રાહકોને રાજી કરતું. વધુમાં 10ની બદલે 20 હજાર પડતર કિંમત બતાવવાથી તેનો ઓફિશિયલ નફો પણ ઓછો આવતો હતો. એટલે તેને ટેક્સ પણ ઓછો ભરવાનો થતો હતો. દેશને કરમાં તો નુકસાન થતું, ઉપરથી તે રકમ ચાઈનામાં મોકલાતું એટલે દેશમાંથી હૂંડિયામણ પણ બહાર જતું. આમ કરન્સીને પણ નુકસાન થતું.
ઇડીએ કંપનીના 119 બેંક ખાતામાં રહેલા નાણાં જપ્ત કર્યા
મંગળવારના દરોડામાં, ઇડીએ 119 બેંક ખાતાઓમાં જમા કરાયેલા 465 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે, જેમાં વિવોની 66 કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટનો પણ સમાવેશ થાય છે. ઇડીએ એક કિલો સોનાની બે ઈંટો અને 73 લાખ રૂપિયા રોકડા પણ જપ્ત કર્યા છે.
કંપનીએ પુરાવા છુપાવવાનો પ્રયાસ કર્યો
દરોડા દરમિયાન, વિવો અધિકારીઓએ પુરાવા છુપાવવા અને તેનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું. ઘણા અધિકારીઓ કોમ્પ્યુટરમાંથી ડેટા ડિલીટ કરતા, હાર્ડ ડિસ્ક લઈને ભાગતા અને લેપટોપ છુપાવવાનો પ્રયાસ કરતા પકડાયા હતા. આ તમામ ડિજિટલ ઉપકરણોનો કબજો લઈને, ઇડી તેમને ફોરેન્સિક પરીક્ષા માટે મોકલી રહ્યું છે.
નકલી નામો અને સરનામાથી કંપનીઓ ખોલી, ડાયરેક્ટરો અને શેરધારકો પણ બનાવટી
અધિકારીના જણાવ્યા અનુસાર, 2014માં ભારતમાં તેની નોંધણી સાથે, વિવોએ મની લોન્ડરિંગની તૈયારી કરી હતી. વિવોના ભૂતપૂર્વ ડિરેક્ટર બિન લૂએ 2014-15ની વચ્ચે અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ નામે 18 કંપનીઓ ખોલી હતી. અન્ય એક ચાઈનીઝ નાગરિક, ઝિન વેઈએ ચાર કંપનીઓ નોંધી છે. બિન લૂએ 2018માં ભારત છોડી દીધું હતું અને 2021માં ઝિન વેઈએ ભારત છોડ્યું. પરંતુ તેમની કંપનીઓનો ઉપયોગ વિવોને ચીનમાં નાણાં મોકલવા માટે થતો રહ્યો. આ કંપનીઓના રજીસ્ટ્રેશનમાં બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શિમલામાં નોંધાયેલ ગ્રાન્ડ પ્રોસ્પેક્ટ ઈન્ટરનેશનલ કોમ્યુનિકેશન પ્રાઈવેટ લિમિટેડનું સરનામું જમ્મુમાં સોલન અને ગાંધીનગર તરીકે આપવામાં આવ્યું હતું. તેમાંથી એક સરકારી ગેસ્ટ હાઉસ અને બીજું આઈએએસ ઓફિસરનું ઘર હતું. તેવી જ રીતે અન્ય કંપનીઓના એડ્રેસ પણ નકલી હોવાનું બહાર આવી રહ્યું છે. ડાયરેક્ટર અને શેરધારકો પણ બનાવટી નામોથી બનાવવામાં આવ્યા હતા.
કોર્પોરેટ અફેર્સ મંત્રાલયે ભૂલ પકડી અને બાદમાં આખું કૌભાંડ સામે આવ્યું
શિમલામાં નોંધાયેલી કંપનીમાં છેતરપિંડી ખુદ કોર્પોરેટ બાબતોના મંત્રાલયે પકડી હતી અને દિલ્હી પોલીસને ફરિયાદ કરી હતી. આ ફરિયાદના આધારે દિલ્હી પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગે ગયા વર્ષે ડિસેમ્બરમાં કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. દિલ્હી પોલીસની એફઆઈઆરના આધારે ઇડીએ ફેબ્રુઆરીમાં મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો.