મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, ગોરધન ઝડફીયા, કલેકટર રાહુલ ગુપ્તા, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની, જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવાસિયા સહિતનાં દિગ્ગજોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા
વિઠ્ઠલભાઈનાં નિધનથી ગુજરાતની નેતાગીરીમાં મોટી ખોટ પડશે: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
પુત્ર જયેશ રાદડિયાએ વિઠ્ઠલભાઈનાં પાર્થિવદેહને મુખાગ્નિ અર્પતાની સાથે જ એક યુગનો અંત: હજારો આંખો રડી પડી: અંતિમ દર્શન માટે જનસૈલાબ ઉમટયું
સૌરાષ્ટ્રનાં લડાયક ખેડુત નેતા, પૂર્વ સાંસદ અને રાજય સરકારનાં પૂર્વ કેબિનેટ મંત્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની લાંબી બિમારી બાદ ગઈકાલે સવારે નિધન થતાં ગુજરાતમાં સહકારી ક્ષેત્ર રાંક બની ગયું છે. આજે સવારે જામકંડોરણા ખાતે વિઠ્ઠલભાઈનો પાર્થિવદેહ અંતિમ દર્શન માટે ક્ધયા છાત્રાલય ખાતે રાખવામાં આવ્યો હતો. પોતાના હામી નેતાનાં અંતિમ દર્શન કરવા માટે જનસૈલાબ ઉમટી પડયો હતો. બપોરે નિકળેલી અંતિમયાત્રામાં પણ હજારો લોકો અશ્રુભીની આંખો સાથે જોડાયા હતા. પુત્ર જયેશભાઈ રાદડિયાએ મુખાગ્ની આપતાની સાથે જ એક યુગનો અંત આવી ગયો છે. રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સહિતનાં નેતાઓએ વિઠ્ઠલભાઈનાં પાર્થિવદેહને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
વિઠ્ઠલભાઈ રાદડિયાનું ગઈકાલે સવારે દુ:ખદ નિધન થયા બાદ તેઓનો પાર્થિવદેહ માદરે વતન જામકંડોરણા ખાતે લાવવામાં આવ્યો હતો. આજે સવારે જામકંડોરણા સ્થિત ક્ધયા છાત્રાલય ખાતે તેઓનો પાર્થિવદેહ અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. પોતાના હામી નેતાનાં અંતિમ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. ચાલુ વરસાદમાં લોકોની લાંબી લાઈનો લાગી હતી. બપોરે એક વાગ્યા સુધી વિઠ્ઠલભાઈનો પાર્થિવદેહ અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો જેમાં રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ, કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, આર.સી.ફળદુ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્ય હર્ષદ રીબડીયા, લલિત વસોયા, બ્રિજેશ મેરજા, રાઘવજીભાઈ પટેલ, લલિત કગથરા, પૂર્વ ધારાસભ્ય અને મંત્રી દિલીપ સંઘાણી, બાવકુભાઈ ઉધાડ, ખોડલધામ ટ્રસ્ટનાં ચેરમેન નરેશભાઈ પટેલ, પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડફીયા, રાજકોટનાં કલેકટર રાહુલ ગુપ્તા ,પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની, જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયા સહિતનાં વિવિધ ક્ષેત્રનાં આગેવાનો, સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં ઉમટી પડેલા ખેડુતોએ વિઠ્ઠલભાઈને પુષ્પાંજલી અર્પણ કરી હતી.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિઠ્ઠલભાઈનાં પાર્થિવદેહને શ્રદ્ધાસુમન અર્પણ કરતા જણાવ્યું હતું કે, તેઓ જમીની કાર્યકર હતા. ખુબ જ સંઘર્ષ કરીને તેઓ લોકપ્રિય નેતા બન્યા છે તેમના જવાથી ગુજરાતની નેતાગીરીને ખુબ મોટી ખોટ પડી છે. મુખ્યમંત્રી સ્વ.વિઠ્ઠલભાઈનાં પુત્ર અને રાજય સરકારનાં કેબિનેટ મંત્રી જયેશભાઈને મળી તેમને દુ:ખનાં સમયમાં સૌ લોકો તેમની સાથે હોવાનો સદીયારો પાઠવ્યો હતો અને એવો વિશ્ર્વાસ જતાવ્યો હતો કે, સ્વ.વિઠ્ઠલભાઈનાં અધુરા સ્વપ્નને જયેશભાઈ અને તેમની ટીમ પુરા કરશે.
બપોરે જામકંડોરણા સ્થિત પટેલ ચોકમાં આવેલા તેઓનાં નિવાસ સ્થાનેથી સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયાની અંતિમ યાત્રા નિકળી હતી જેમાં હજારો લોકો અશ્રુભીની આંખે જોડાયા હતા. રસ્તામાં ઠેર-ઠેર લોકોએ વિઠ્ઠલભાઈનાં પાર્થિવદેહની પુષ્પાંજલી અર્પણ કરી હતી. પુત્ર જયેશભાઈ રાદડિયાએ મુખાગ્ની આપતાની સાથે જ વિઠ્ઠલભાઈ રાદડિયાનો પાર્થિવદેહ પંચમહાભુતમાં વિલીન થઈ ગયો હતો અને સૌરાષ્ટ્રમાં એક યુગનો અંત આવ્યો હોય તેવો અંધકાર છવાઈ ગયો હોય તેવી શોકની ગાલીમા છવાઈ ગઈ છે.