પ્રો એ-ઝેડ ડાયટરી સપ્લીમેન્ટ ટેબલેટમાં વિટામીન-સીની માત્રા ઓછી જણાતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર

ઓક્સલર્ટ ટેબલેટ પર એડીટીવ્ઝ અને એક્સપાયરી ડેટ દર્શાવી ન હતી, એલકેમ ટેબલેટ પર ફૂડ કલરની વિગતો ન દર્શાવતા નમૂના મિસ બ્રાન્ડેડ

મેંગો ચીલી રેસ્ટોરન્ટ અને બીગબાઈટ કિચનમાંથી વાસી ખોરાક પકડાયો 

આધુનીક જીવનશૈલી અને જંકફૂડના કારણે લોકોના શરીરમાં અલગ-અલગ પ્રકારના વીટામીન્સની ઉણપ જણાય રહી છે. વીટામીન સપ્લીમેન્ટ ટેબલેટના નામે અલગ-અલગ કંપનીઓ દ્વારા જાણે જન આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા લેવામાં આવેલા સપ્લીમેન્ટ ટેબલેટના અલગ-અલગ ત્રણ પૈકી એક નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર થયો છે. જ્યારે બે નમૂના મીસ બ્રાન્ડેડ જાહેર થયા છે. મિક્સ દૂધમાં પણ ફોરેન ફેટની હાજરી મળી આવતા નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર કરાયો છે.

પંચનાથ પ્લોટમાં દિપકકુમાર કેશુભાઇ પાંભર પાસેથી લેવામાં આવેલ ખાદ્યચીજ પ્રો એ-ટુ ઝેડ ડાઇટરી સપ્લીમેન્ટ ટેબ્લેટનો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં વિટામિન-સીની માત્ર લેબલ પર દર્શાવેલ વિગતો કરતાં ઓછી મળી આવતા સબસ્ટાર્ન્ડ્ડ જાહેર થયો છે. લીમડા ચોકમાં આલાપ-એમાં યશ એન્ડ યશ ફાર્મામાં રાજ પ્રવીણભાઇ મેઘપરા પાસેથી ઓક્સલેર્ટ ડાઇટરી સપ્લીમેન્ટ ટેબ્લેટનો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં લેબલ પર ઉપયોગ કરેલ ફૂડ એડીટીવ્ઝની વિગત તેમજ એક્સપાયરી ડેટ દર્શાવેલ ન હોય નમૂનો મિસબ્રાન્ડેડ જાહેર થયો છે. હનુમાન મઢી ચોકમાં દેવપુષ્પ મેડિકલ સ્ટોર, પ્રગ્નેશભાઇ જયંતીલાલ સુચક પાસેથી લેવામાં આવેલ ખાદ્યચીજ એલકેમ એ ટુ ઝેટ એનએસ પ્લસ ન્યુટ્રીસ્યુટીકલ ટેબ્લેટનો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં લેબલ પર વિગતોમાં સ્પેશીફીક નામ-ઇન્ટરનેશનલ નંબરીંગ સીસ્ટમ ફોર સિન્થેટીક ફૂલ કલર દર્શાવેલ ન હોય નમૂનો મિસબ્રાન્ડેડ ફૂડ જાહેર થયો છે. મવડી મેઇન રોડ પર રાધેશ્યામ ડેરી ફાર્મમાંથી રાજેશભાઇ શિવાભાઇ કોટડીયા પાસેથી લેવામાં આવેલ મિક્સ દૂધ (લુઝ)નો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં ફોરેન ફેટની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયો છે.

ફૂડ શાખા દ્વારા ચેકીંગ દરમિયાન મવડી બાયપાસ, હરિદર્શન સ્કૂલ સામે, શિવમ કચ્છી દાબેલીની તપાસ કરતાં પેઢીમાં સંગ્રહ કરેલ 5 કિ.ગ્રા વાસી દાબેલીનો મસાલો અખાદ્ય જણાતા સ્થળ પર નાશ કરાયો હતો. હનુમાન મઢી પાસે બિગબાઇટ કિચનની તપાસ કરતા પેઢીમાં સંગ્રહ કરેલ 4 કિ.ગ્રા.વાસી બેકરી પ્રોડક્ટસનો જથ્થો અખાદ્ય જણાતા સ્થળ પર નાશ કરી હાઇજેનીક કન્ડિશન જાળવવા માટે નોટિસ આપવામાં આવી હતી.

નાના મવા રોડ પર મેંગો ચીલી રેસ્ટોરેન્ટની તપાસ કરતા પેઢીમાં સંગ્રહ કરેલ 6 કિ.ગ્રા. વાસી પ્રિપેડ ફૂડ અખાદ્ય જણાતા સ્થળ પર નાશ કરી નોટિસ આપવામાં આવી હતી. બોલબાલા માર્ગ પર શ્રી રામ કૃપા ગોલાવાલાની તપાસ કરતાં પેઢીમાં સંગ્રહ કરેલ ખાદ્ય પદાર્થોનું યોગ્ય સ્ટોરેજ કરવા બાબતે તથા સ્થળ પર હાઇજેનિક કન્ડિશન જાળવવા માટે નોટિસ આપવામાં આવી હતી. પેડક રોડ પર રણછોડનગર-11, રાજકોટ બેકરીની તપાસ કરતાં પેઢીમાં સંગ્રહ કરેલ ખાદ્ય પદાર્થોનું યોગ્ય સ્ટોરેજ કરવા બાબતે, સ્થળ પર હાઇજેનિક કન્ડિશન જાળવવા તથા કામદારોના પર્સનલ હાઇજિન અને કામદારોના મેડિકલ સર્ટિ. રજૂ કરવા બાબતે નોટિસ આપવામાં આવી હતી.

અંબિકા ટાઉનશીપ, નાનામવા વિસ્તારમાં શિવ ડેરી, શિવ ફૂડ ઝોન, જય જલારામ ગાંઠિયાને તથા પટ્ટણી બિલ્ડીંગ, એમ.જી.રોડ, રાજકોટ મુકામે આવેલ ધ આઇસ બોક્સ ગોલાની તપાસ કરતાં પેઢી ફૂડનો પરવાનો મેળવેલ ન હોય લાઇસન્સ લેવા બાબતે નોટિસ આપવામાં આવી હતી.

આઇસ ગોલા વાળાને ત્યાં ચેકિંગ: સિરપના નમૂના લેવાયા

પેડક રોડ પર આઝાદ આઇસ ગોલામાંથી માવા મલાઇ ફ્લેવર બરફ ગોલાનું સીરપ 150 ફૂટ રિંગ રોડ પર રાજગોલામાંથી કાલાખટ્ટા ફ્લેવર, આઇસ ગોલાનું સીરપ, ભવાની મસાલા ભંડારમાંથી લૂઝ રાઇ ખોડીયાર મસાલા માર્કેટમાં મેઇન રોડ પર શ્રી શક્તિ ગાત્રાળ ડ્રાયફ્રૂટ ગોલામાંથી ઓરેન્જ ફ્લેવર બરફ ગોલાનું સીરપનો નમૂનો લેવાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.