શિક્ષણના એક અભિન્ન ભાગ સ્વરૂપે સ્થાનિક પરિસરના વિવિધ સ્થળોની મુલાકાત લેવી અતિઅનીવાર્ય હોય ત્યારે રાજુલા પંથકની ભેરાઈ પે સેન્ટર શાળામાં અભ્યાસ કરતાં ઉત્સાહી બાળકોને શાળાનાં શિક્ષક ઘનશ્યામભાઈ કચીયા દ્વારા રાજુલા પ્રાંત-કચેરીની અને પોલીસ સ્ટેશનની મુલાકાત લેવડાવવામાં આવી હતી. પ્રાંત કચેરીના કોન્ફરન્સ રૂમમાં તમામ બાળકોને વાતાનુકુલિત વાતાવરણમાં પ્રાંત, મામલતદાર અને અધિકારી વર્ગ સાથે બેઠક યોજવામાં આવી હતી. નાયબ મામલતદાર દ્વારા બાળકોને કચેરીની તમામ સગવડોથી અવગત કરાયા હતાં. સાથે સાથે બાળકોને કચેરી અંગે પ્રશ્નોતરી કરવાની પણ છૂટ મળતાં બાળકોએ મુક્તમને અધિકારી સાથે પ્રશ્નોતરી કરી હતી.
પોલીસ સ્ટેશનની મુલાકાત દરમ્યાન બાળકોને નવું જાણવા મળ્યું. આ અગાઉ પણ બાળકો આરોગ્ય કેન્દ્ર મુલાકાત લઈ ચુક્યા છે. રાજુલા પહોચી બાળકોએ ગરમીની શરૂઆતના દિવસોમાં ઠંડા શેરડીના રસની ઉજાણી કરી હતી. તુવર દ્વારા બાળકોને પોલીસ સ્ટેશનના કાર્યો અંગે પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી. કેસ સ્ટડી રૂમ, લોક અપ રૂમ અને પાસપોર્ટ એપ્લાઇ રૂમની મુલાકાત લેવડાવવામાં આવી હતી. સાથે સાથે બાળકોનાં વિવિધ પ્રશ્નોના જવાબ સરળ ભાષામાં આપ્યાં હતાં. ઉદારદિલના ઇન્સ્પેક્ટર દ્વારા શાળાનાં પિતા વિહોણાં બાળકો માટે શાળા દાનપેટીને રૂ.૨૦૦૦નું દાન અપાયું હતું.