ભારે વરસાદથી થયેલ નુકશાન બાદ વીજ પૂરવઠાના પુન: સ્થાપનની કામગીરીની સમીક્ષા કરી: સ્થાનીકોના પ્રશ્નો સાંભળ્યા
પીજીવીસીએલના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર પ્રીતિ શર્મા અને અધિક મુખ્ય ઈજનેર (ટેક) વી.એલ.ડોબરિયા દ્વારા જૂનાગઢ વર્તુળ કચેરી હેઠળના વરસાદથી અસરગ્રસ્ત વિસ્તાર કે જ્યાં છેલ્લા બે દિવસમાં 16 ઈંચથી વધુ વરસાદ પડેલ હોય તેવા મેંદરડા, તાલાલા તેમજ સૂત્રપાડા પેટા વિભાગીય કચેરીઓ હેઠળના વિસ્તાર તેમજ અંતરિયાળ ખેતીવાડી વિસ્તારોની મુલાકાત લીધેલ. જે દરમિયાન જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર દ્વારા આ વિસ્તારમાં થયેલ છેલ્લા અઠવાડિયાના વીજફોલ્ટની સમિક્ષા કરેલ, જેમાં મહદઅંશે દરેક વીજફોલ્ટનું નિવારણ થઈ ગયેલ. આ ઉપરાંત ડિપાર્ટમેન્ટલ અને કોન્ટ્રાકટરની ટીમો કે જે પાવર રીસ્ટોરેશન માટે તહેનાત કરેલ છે તેમની તેમજ જરૂરી મટિરિયલની સમિક્ષા કરેલ. તથા જ્યાં વીજલાઈનો પડી ગયેલ હોય/નુકસાન પામેલ હોય ત્યાં નજીકના વીજપોલથી લાઈનો રૂટ કરીને ખેતીવાડી તેમજ અન્ય કેટેગરીના પાવર સપ્લાય બંધ ન રહે તે રીતે પાવર સપ્લાય ટૂંકાગાળામાં રિસ્ટોર કરેલ છે. આ ઉપરાંત આ વિસ્તારમાં સૌથી વધારે વરસાદથી અસરગ્રસ્ત સૂત્રપાડામાં પણ હાલના સમયે દરેક જગ્યાએ પાવર રિસ્ટોર કરવામાં આવેલ છે. આ ઉપરાંત જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટરની સ્થળ મુલાકાત અને અંતરિયાળ વિસ્તારના અસરગ્રસ્ત ખેડૂતોની મુલાકાત દરમિયાન એવી પણ રજૂઆત મળેલ કે તેમના પાકને નુકસાન ન થાય તે માટે થોડો તડકો (ઉઘાડ) નીકળ્યા બાદ પાવર રિસ્ટોર કરવો તેવી રજૂઆત જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર દ્વારા ધ્યાને લઈ જરૂરી સૂચના અધિક્ષક ઈજનેર જૂનાગઢને આપવામાં આવેલ.