લોખંડી પુરુષને સ્મરણાંજલિ અર્પણ કરતા પૂ.ગુરુદેવ રાકેશભાઈ
ભારતની અખંડિતતા જાળવી રાખવામાં પોતાનો અમુલ્ય ફાળો આપનાર ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ પ્રત્યેનો આદરભાવ વ્યકત કરવા શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજય ગુરુદેવ રાકેશભાઈ વડોદરામાં આવેલ સરદાર પટેલના વિશ્વના સૌથી ઉંચા સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પધાર્યા હતા. ઈતિહાસની ગહન જાણકારી ધરાવતા પૂજય ગુરુદેવનો રાષ્ટ્રપ્રેમ તેઓના સત્સંગમાં અને કાર્યોમાં અવાર નવાર ઝળકે છે. તેઓએ એક સત્સંગમાં સરદાર પટેલ માટે કહ્યું હતું કે, જયારે તેમના પત્ની કેન્સરની શસ્ત્રક્રિયા માટે હોસ્પિટલમાં હતા, સફળ શસ્ત્રક્રિયા છતાં તેઓ હોસ્પિટલમાં જ મરણ પામ્યા ત્યારે સરદાર પટેલ કોર્ટમાં કેસ લડી રહ્યા હતા ત્યાં તેમને કોઈએ ચિઠ્ઠી આપી જેમાં તેમની પત્નીના મૃત્યુના સમાચાર હતા. તેમણે ચિઠ્ઠી વાંચી પણ તેઓની લડતમાં કોઈ ફેર પડયો નહીં. કેસ પુરો થયા બાદ જ તેમણે આ સમાચાર જાહેર કર્યા.કાર્ય પ્રત્યેની અનન્ય નિષ્ઠા અને સમર્પણ સરદાર પટેલ જેવા મહાપુરુષોને બાહ્ય ઘટનાઓથી ચલિત થવા દેતી નથી એ સમજાવી તેઓએ રાષ્ટ્રના આ મહાન નેતાને સ્મરણાંજલિ અર્પણ કરી હતી.
ગુરુદેવના માર્ગદર્શન હેઠળ ધરમપુર અને તેની આસપાસના વિસ્તારોમાં સમજકલ્યાણની વિવિધ સેવા પ્રવૃતિઓ કાર્યરત છે જેમ કે શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ, શ્રીમદ રાજચંદ્ર મહિલા ગૃહધોગ, શ્રીમદ રાજચંદ્ર જીવમૈત્રીધામ, શ્રીમદ રાજચંદ્ર ગુરુકુળ, શ્રીમદ રાજચંદ્ર વિદ્યાપીઠ વગેરે. આ બધા વિભાગોમાં કામ કરતા સર્વે સેવાર્પિત સભ્યો માટે વડોદરામાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલના વિશ્વના સૌથી ઉંચા સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસનું આયોજન થયું હતું. તે સૌના હર્ષોલ્લાસમાં વૃદ્ધિ કરવા પૂજય ગુરુદેવ પણ તે સૌની સાથે જોડાયા હતા. અહીં તેઓએ સરદાર સરોવર બંધ, વેલી ઓફ ફલાવર્સ, મ્યુઝિયમ અને સ્મારક જોયું હતું અને રાત્રીના લાઈટ શો માણ્યો હતો. તેઓએ ખુબ ઉત્સાહથી પૂજય ગુરુદેવ સમક્ષ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજુ કર્યા હતા. આમ આ પ્રવાસ રાષ્ટ્રપ્રેમ, મનોરંજન અને પ્રેરણાનું સુંદર સંયોજન‚પ બની રહ્યો હતો.