Abtak Media Google News

ગરનારની લીલી પરિક્રમામાં ગઈકાલે સાંજે સુધીમાં 11.45 લાખ ભાવિકો નોંધાઈ ચૂક્યા છે. તે સાથે ગત મોડી રાત્રેથી આજે વહેલી સવાર સુધી પણ ભાવિકો ગિરનારની લીલી પરિક્રમા કરવા માટે જુનાગઢ અને ભવનાથ તરફ આવી રહ્યા હોય ત્યારે આ વખતે કદાચ લીલી પરિક્રમામાં રેકર્ડ બ્રેક પરિક્રમાથીઓ નોંધાશે. આ સાથે ગઈકાલે ભાવિકોનો ઘસારો વધતા 50 હજાર જેટલા યાત્રિકોને વન વિભાગે અટકાવી બાદમાં ધીમી ગતિએ યાત્રાળુઓને આગળ જવા દેવામાં આવ્યા હતા. તો જુનાગઢ શહેરના રાજમાર્ગો ઉપર કીડીની કતારની જેમ વાહનો નજરે પડી રહ્યા છે. અને શહેરના બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને અન્ય જિલ્લામાં જતા મુખ્ય માર્ગો ઉપર માનવ મહેરામણ કલાકો સુધી વાહનની રાહ જોઈ બેસી રહ્યા હોય તે રીતે નજરે પડી રહ્યા છે.

જય ગિરનારી, હર હર મહાદેવના નારા સાથે ભાવિકોની આગેકુચ

parikram photos 6

આ વખતે ગિરનારની લીલી પરિક્રમા નિયત સમય કરતા 36 કલાક પૂર્વે શરૂ કરી દેવામાં આવી હતી અને દિવસેને દિવસે પરિક્રમાર્થી ઓનો માનવ મહાસાગર જૂનાગઢના ભવનાથ ક્ષેત્ર અને પરિક્રમા રૂટ ઉપર ઉમટી પડ્યો હતો. જોત જોતામાં ગિરનાર પરિક્રમામાં ગત સાંજના 7 વાગ્યા સુધીમાં 11.45 લાખ ભાવીકો નોંધાઈ ચૂક્યા હતા. અને ત્યારબાદ ગતરાત્રિથી આજે વહેલી સવાર સુધીમાં પણ હજારોની સંખ્યામાં ભાવિકો જૂનાગઢના ભવનાથ ભણી જઈ રહ્યા હતા અને તેમણે પણ પરિક્રમા આદરી દેતા આ વર્ષની પરિક્રમામાં રેકર્ડ બ્રેક પરિક્રમારથીઓ નોંધાશે તેવું જણાઈ રહ્યું છે.

આ સાથે ભવનાથ ક્ષેત્ર અને પરિક્રમા રૂટ ઉપર અન્નક્ષેત્રો અને ઉતારા મંડળ તેમજ સેવાભાવી સંસ્થાઓ દ્વારા પરીક્રમારથીઓ માટે ભાત ભાતના ભોજન પ્રસાદ અને આરામ કરવા માટેની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. જેના કારણે ગિરનારના પરિક્રમા રૂટ ઉપર ભજન, ભોજન અને ભક્તિનો ખુબ સુંદર માહોલ સર્જાયો છે. ગિરનારની પર્વતમાળા જય જય ગિરનારના નાદ સાથે ગુંજી રહી છે. અને ભાવિકો શ્રદ્ધા ભક્તિ સાથે પરિક્રમાને અંતિમમાં પડાવ તરફ લઈ જઈ રહ્યા છે.

દરમિયાન વન વિભાગ માંથી પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે રાતના 7 વાગ્યા સુધીમાં ગિરનાર પરિક્રમામાં કુલ 11.45 લાખ ભાવિકો ઉમટી પડ્યા હોવાનું નોંધાયું છે. તે સાથે ગઈકાલે બપોર પછી નળ પાણી ઘોડીએ પરિક્રમ આરસીઓનો ઘસારો ખૂબ વધી જતા અને રસ્તો સાંકડો હોવાથી તંત્રએ 50 હજાર જેટલા ભાવિકોને અટકાવી દીધા હતા અને બાદમાં ધીરે ધીરે પરિક્રમા રૂટ ઉપર આગળ જવા દેવાયા હતા, જેમાંથી 9 લાખ કરતા વધુ ભાવિકો એ ગઈકાલે નળ પાણીની ઘોડી વટાવી દીધી હતી.આ જોતાં 6.50 લાખ ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરી વતન ભરી પ્રયાણ કર્યા હોવાનું મનાઈ રહ્યું છે, આ સાથે ગત રાત્રીથી આજે સવાર સુધી પણ ભવનાથ તરફ જતા વાહનો અને યાત્રાળુઓ મોટા પ્રમાણમાં નજરે પડી રહ્યા છે. તો આજે શનિ અને આવતીકાલે રવિવાર રજાનો દિવસ હોવાથી હજુ મોટી પ્રમાણમાં યાત્રાળુઓ લીલી પરિક્રમા કરવા આવે તેવી સંભાવના તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

દરમિયાન ગઈકાલે બપોર બાદ ભવનાથ ક્ષેત્ર તરફથી જુનાગઢ તરફ ભાવીકો પરત આવી રહ્યા છે અને પોતાના વતન જવા માટે એસટી અને રેલ્વે સ્ટેશન પહોંચતા બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન પ્રવાસીઓથી ઉભરાયા છે. તે સાથે અન્ય જિલ્લામાં જતા માર્ગો ઉપર પણ ભાવિકો પોતાના વતન જવા માટે વાહનોની રાહમાં કલાકો સુધી મોટી સંખ્યામાં બેસેલા નજરે પડી રહ્યા છે. તો જુનાગઢ શહેરના ભવનાથ તરફથી આવતા માર્ગો ઉપર વાહનોની ભારે ભીડ જોવા મળી રહી છે અને શહેર પ્રવાસીઓથી ઉભરાઈ રહ્યું છે.

પરિક્રમામાં 12000થી વધુ લોકોએ રૂટ પર પ્રાથમિક સારવાર લીધી

ગિરનારની લીલી પરિક્રમામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 36 કિમી ના રૂટ પર વિવિધ સ્થળોએ ભાવિકો માટે સારવારની વ્યવસ્થા તબીબી સ્ટાફ અને દવાના જથ્થા સાથે રાખવામાં આવી છે. ત્યારે 18ને વીંછીદંશ, એક ને સર્પ દંશ સાથે અત્યાર સુધીમાં કુલ 12,000થી વધુ પરિક્રમાથીઓએ સારવારનો લાભ લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે.જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા પરીક્રમાર્થીઓની પ્રાથમિક સારવાર માટે હંગામી દવાખાના ભવનાથ, જીણાબાવાની મઢી, સુરજકુંડ પાસે તેમજ માળવેલા આ ઉપરાંત બોરદેવી અને અંબાજી ખાતે તેમજ સિવિલ હોસ્પિટલ દ્વારા ભવનાથમાં વધારે સારવારની જરૂરિયાત ઊભી થાય તો આઈ. સી. યુ. અને ઓક્સિજન સાથે વ્યવસ્થા કરવામાં આવી છે.

પંચાયતના  વિવિધ કામચલાઉ આરોગ્ય કેન્દ્ર ખાતે રૂટ પર 12,000થી વધુ પરિક્રમાથીઓએ સારવારનો લાભ લીધો હતો. જેમાં 452ને તાવ, 127 લોકોને ઝાડા, 96ને ઉલટી, 18ને વીંછીદંશ, 6792એ  શરીરમાં દુખાવાની ફરિયાદ કરતા તબીબી સ્ટાફ દ્રારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જ્યારે સિવિલ હોસ્પિટલના ભવનાથ ખાતેના નાકોડા સેન્ટરમાં એકને સર્પદંશ તેમજ દુ:ખાવાની અને તાવ શરદી સહિતના દર્દીઓ સહિત આજે કુલ 27 વ્યક્તિઓને સારવાર આપવામાં આવી હતી.

પરીક્રમામા 108ની કામગીરી ‘સરસ’

જૂનાગઢની લીલી પરિક્રમા દરમિયાન 108 ની સેવા અવિરત રહેવા પામી છે. પરિક્રમાના રુટ પર 8 એમ્બ્યુલન્સ સહિત જિલ્લાની કુલ 15 જેટલી 108 એમ્બ્યુલન્સ સતત દોડતી રહી છે અને 108 દ્વારા પરિક્રમા રૂટ પર 43 અને રોજિંદા બનતા આકસ્મિક બનાવો 79 મળી કુલ 122 દર્દીઓને સેવા આપવામાં આવી હતી.108 એમ્બ્યુલન્સના જિલ્લા અધિકારીના જણાવ્યા મુજબ, પરિક્રમા શરૂ થવાની સાથે જ પરિક્રમા રૂટ ઉપર કુલ 8 જેટલી 108 એમ્બ્યુલન્સ મૂકવામાં આવી હતી.

જેમાં ભવનાથ પોલીસ સ્ટેશન, મેંદપરા, બિલખા રામનાથ મંદિર, ભવનાથ એન્ટ્રી ગેટ, કાળવા ચોક, ખડીયા, રેલ્વે સ્ટેશન, ગિરનાર પર્વત પાસે તેમજ બાયપાસ હાઈવે પર એમ્બ્યુલન્સ રાખવામાં આવી છે. જે દરમિયાન  પરિક્રમાને લગતા 43 દર્દીને તાત્કાલિક સારવાર આપી નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે 79 જેટલા રોજિંદા બનતા અકસ્માતો અને બિમારી સબબના દર્દીઓ મળી કુલ 122 દર્દીઓને નજીકની હોસ્પિટલ ખાતે તાત્કાલિક સારવાર આપી રિફર કરવામાં આવ્યા હતા.

108 એમ્બ્યુલન્સ દ્વારા હૃદય રોગને લગતા 3, ટ્રોમા ને લગતા 7, પ્રેગ્નન્સી ને લગતા 1, મેડિકલ ઈમરજન્સી 32 ના દર્દીઓ સામે આવતા સિવિલ હોસ્પિટલ ખાતે 39, ભેસાણ સીએચસી ખાતે 3, અને મેંદરડા પિયેચસી ખાતે એક દર્દીને રીફર કરાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.