એક તરફ ખેડૂતો ટેકાના ભાવે ડુંગળીની ખરીદીની માંગ કરી રહ્યાં છે ત્યારે બીજી તરફ તંત્રએ સંગ્રહ પરનો પ્રતિબંધ ત્રણ મહિના લંબાવતા સ્થિતિ વણસે તેવી દહેશત
તંત્રની બેદરકારીના કારણે દેશના ખેડૂતો આઝાદીકાળથી અત્યાર સુધી પરેશાન થતા આવ્યા છે. આડેધડ નિર્ણયોના કારણે લાખો ખેડૂત પરિવારો બેહાલ થયા છે. ત્યારે વિઝનલેસ તંત્રની વધુ એક મુર્ખામીનો દાખલો સામે આવ્યો છે. એક તરફ ખેડૂતો ડુંગળીના પોષણક્ષમ ભાવની માંગ કરી રહ્યાં છે તો બીજી તરફ ડુંગળીના સંગ્રહ ઉપરનો પ્રતિબંધ વધુ ત્રણ મહિના લંબાવવાનો અણધડ નિર્ણય તંત્રએ લીધો છે.
ડુંગળીની અછત હોય તેવી રીતે તંત્રના પગલા જણાય રહ્યાં છે. ડુંગળી ખેડૂતોને રોવડાવે છે. ડિસેમ્બર મહિનામાં ઉત્પાદન આવી ગયુું છે. ત્યારે વેપારીઓ ડુંગળીનો સ્ટોક નહીં કરી શકે તો માર્કેટમાં ઓવર સપ્લાય થઈ જશે. બ્યુરોક્રેટ તંત્રની મનમાનીથી સરકારને ભોગવવું પડશે. આવુ સરકાર ગુજરાત ચૂંટણીમાં પણ ભોગવી ચૂકી છે. અધિકારીઓના અણધડ નિર્ણયના કારણે ખેડૂતો પરેશાન થયા હતા અને રોષ ચૂંટણીમાં સરકાર વિરુધ્ધ મતદાન કરીને ઠાલવ્યો હતો.
ડુંગળીના સંગ્રહ ઉપરનો પ્રતિબંધ ત્રણ મહિના લંબાવવાનો નિર્ણય તંત્રએ ખુબજ વહેલો લઈ લીધો છે. આ નિર્ણય માર્ચ મહિના બાદ લેવાની જ‚ર હતી. હાલ ડુંગળીની આવક શ‚ છે ત્યારે જો સંગ્રહ નહીં થઈ શકે તો માર્ચમાં ડુંગળી તમામને રડાવી જશે. ડુંગળીના ભાવમાં ભયંકર વધારો-ઘટાડો નોંધાશે જે સામાન્ય માણસ અને ખેડૂતને પરવડશે નહીં. માત્ર ડુંગળી જ નહીં તંત્ર અન્ય ખેત ઉત્પાદનના સંગ્રહના નિયમોમાં અણધડ ફેરફાર કરી ખેડૂતો માટે મુશ્કેલી સર્જે છે. પરિણામે ભાવમાં કૃત્રિમ વધારો થઈ જાય છે અને તેના રોષનો ભોગ સરકારને બનવું પડે છે.
આગામી બજેટમાં ખેડૂતો માટે મસમોટા પ્રોત્સાહનો સરકાર આપે તેવી અપેક્ષા સેવાઈ રહી છે. ઈન્ફ્રાસ્ટ્રચરનો વિકાસ કરીને ખેત ઉત્પાદનોનો બગાડ અટકાવવાનો ટાર્ગેટ સરકાર રાખી શકે છે. કોલ્ડ સ્ટોરેજ અને વેર હાઉસ બનાવવા માટે સરકાર મોટુ ફન્ડીંગ ફાળવી શકે છે. તંત્રએ હાલ ડુંગળીના ભાવ કાબુમાં લેવાનું બહાનું આગળ ધરી સંગ્રહ ઉપરનો પ્રતિબંધ ત્રણ મહિના લંબાવવાનો નિર્ણય લીધો છે જે ખેડૂતોને મરણતોલ ફટકો આપી શકે છે.
તંત્રના ફતવાના કારણે હવે વધુ ત્રણ મહિના સુધી ડુંગળીનો સંગ્રહ થઈ શકશે નહીં પરિણામે બજારમાં ભરપુર માત્રામાં આવી રહેલી ડુંગળીના વેંચાણમાં ખેડૂતોને નુકસાન જશે. ખેડૂતો ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી માંગણી સરકાર સમક્ષ કરી રહ્યાં છે. ત્યારે બીજી તરફ તંત્રનો આ નિર્ણય વધુ મુશ્કેલી સર્જી શકે છે.