આપણે શરીરના દરેક સ્નાયુને એક્સરસાઇઝ આપવાનું વિચારીએ છીએ, પરંતુ આંખ વિશે વિચારતા નથી. આંખ પણ સ્નાયુઓથી બનેલું શરીરનું એક એવું અંગ છે જેને એક્સરસાઇઝની જરૂર છે. આંખની એક્સરસાઇઝ દ્વારા આંખ હેલ્ધી રહે છે એટલું જ નહીં; માઇનસ કે પ્લસ નંબર, સિલિન્ડ્રિકલ નંબર, ફાંગી આંખ, મેક્યુલર ડીજનરેશન, ઑપ્ટિક નર્વની તકલીફ, રેટિનાને લગતા પ્રોબ્લેમ, મોતિયો, લેઝર ઑપરેશનને લીધે થતા પ્રોબ્લેમ્સ, સૂકી આંખ, આંખમાં બળતરા વગેરે જેવા અનેક પ્રોબ્લેમ્સ પણ દૂર કરી શકાય છે

 કેસ-૧ : ૬૯ વર્ષની ઉંમરે ચાર્ટર્ડ અકાઉન્ટટને આંખ સૂકી થઈ જતી હતી અને તેમની આંખમાં પ્રેશર ખૂબ વધતું હતું. આ આંખમાં વધતું પ્રેશર અંધાપા પાછળનાં ઘણાં કારણોમાંનું એક મહત્વનું કારણ છે. તેમને ડોક્ટરે ડ્રોપ્સ આપેલાં એ ડ્રોપ્સની સાથે-સાથે તેમણે આંખ માટે જરૂરી એક્સરસાઇઝ શરૂ કરી. આ એક્સરસાઇઈઝથી તેમને એટલો ફાયદો થયો કે તેમના ડોક્ટરે જ સામેથી કહ્યું કે તમે આ ડ્રોપ્સ હવે છોડી શકો છો, તમને એની જરૂર નથી.

 કેસ-૨ : પુણેમાં રહેતા ડેન્ટિસ્ટ રજત કુમાતને પોતાના પ્રોફેશનમાં પહેરવા પડતા મેગ્નિફિકેશન માટેનાં ગિઅર પહેરવામાં ખૂબ તકલીફ થતી, કારણ કે તેમને ચશ્માં હતાં. ચશ્માંની ઉપર એ ગિઅર પહેરી શકાય એમ નહોતાં. તેમણે જરૂરી એક્સરસાઇઝ કરી પોતાના વિઝનને એટલું ડેવલપ કર્યું કે હવે તેમને ચશ્માં પહેરવાની જરૂર જ પડતી નથી અને તે તેમનું કામ ખૂબ સારી રીતે કરી શકે છે.

 કેસ-૩ :કેલિફોર્નિયામાં રહેતા ૪૨ વર્ષના જિગર શાહને માઇનસ ૪ નંબરનાં ચશ્માં હતાં, જેને લીધે તેમની પાસે જે ડ્રાઇવિંગ લાઇસન્સ હતું એ રિસ્ટ્રિક્ટેડ લાઇસન્સ હતું. તેઓ ભારત આવ્યા ત્યારે તેમણે તેમને સૂચવવામાં આવેલી આંખની એક્સરસાઇઝની પ્રેક્ટિસ કરી અને તેમને ચશ્માં પહેરવાની જરૂર જ ખતમ થઈ ગઈ. નંબર સાવ જતો રહ્યો એટલે તેમનું લાઇસન્સ પણ અનરિસ્ટ્રિક્ટેડ લાઇસન્સમાં બદલાઈ ગયું.

 કેસ-૪ :વડોદરામાં રહેતી વિધિ પટેલને નાનપણથી પાઇલટ બનવાની ઇચ્છા હતી, પરંતુ એક રૂટીન આઇ-ચેકઅપમાં તેને ખબર પડી કે તેને ચશ્માંના નંબર છે. જે વ્યક્તિને ચશ્માં હોય કે આંખની કોઈ પણ તકલીફ હોય તે પાઇલટ ન બની શકે. વિધિએ હિંમત ન હારી અને એનો ઉપાય વિચાર્યો. તેને ખબર પડી કે મુંબઈમાં આંખની એક્સરસાઇઝ શીખવે છે એટલે તે અહીં આવી અને પૂરો કોર્સ કર્યા પછી તેના નંબર પૂરા જતા રહ્યા. હવે તે પાઇલટ બનવાની તૈયારીઓ કરી રહી છે.

કસરત ઉપયોગી

કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ આંખના રોગોમાં મદદરૂપ થઈ શકે છે? આ પ્રશ્નનો જવાબ આપતાં છેલ્લાં ૧૮ વર્ષથી ૨૫,૦૦૦થી વધુ લોકોને આંખની એક્સરસાઇઝ દ્વારા તેમનું વિઝન સારું કરનારા વિઝન યોગા, વિલે પાર્લે અને ઘાટકોપરના વિરામ અગ્રવાલ કહે છે, જે રીતે આપણે હાર્ટની હેલ્થ માટે કાર્ડિયો એક્સરસાઇઝ કરીએ છીએ, મગજની હેલ્થ માટે પઝલ્સ રમીએ છીએ, હાથ-પગ અને હાડકાંની હેલ્થ માટે સ્પોર્ટ્સ રમીએ છીએ કે સ્નાયુઓ હેલ્ધી રહે એ માટે સ્ટ્રેન્ગ્થનિંગ એક્સરસાઇઝ કરીએ છીએ એમ આંખને હેલ્ધી રાખવા એનું વિઝન ઇમ્પ્રૂવ કરવા માટે પણ એક્સરસાઇઝ જરૂરી છે. આંખ ભલે નાની દેખાતી, પરંતુ એની અંદર ઘણા જુદા-જુદા સ્નાયુઓ રહેલા હોય છે. આ સ્નાયુઓની કાર્યક્ષમતા આપણે વધારીએ, એક્સરસાઇઝ દ્વારા એને સશક્ત કરીએ તો વ્યક્તિનું વિઝન વધે છે. આ વિઝન વધારવાની પ્રોસેસમાં બીમારીઓ દૂર થઈ જાય છે. તકલીફો ઘટી જાય છે.

 રીતે ઉપયોગી

આ એક સાયન્સ છે. ભારતમાં ચક્ષુશોપનિષદ અને નેત્રાદ્વયમ નામના બે પૌરાણિક ગ્રંથ લખાયા છે, જેમના પર સ્ટડી કરીને દિલ્હીના ડોક્ટરે આંખની એક્સરસાઇઝ શોધી. આ સિવાય અમેરિકાની નેવાર્ક મેડિકલ કોલેજના વિલિયમ બેટ્સે પણ આ વિષય પર ઘણાં પુસ્તકો લખ્યાં છે. એનો અર્થ એ થયો કે આંખ માટે એક્સરસાઇઝ ઘણી જ ઉપયોગી સાબિત થઈ શકે છે આ એક જૂનું સ્વીકારેલું અને સાબિત થયેલું તથ્ય છે. આંખની એક્સરસાઇઝ કરવાથી શું થાય છે એ વિશે સમજાવતાં વિરામ અગ્રવાલ કહે છે, આંખની એક્સરસાઇઝ કરવાથી આંખના સ્નાયુઓ હેલ્ધી બને છે. ફક્ત એક્સરસાઇઝ દ્વારા માઇનસ કે પ્લસ નંબર, સિલિન્ડ્રિકલ નંબર, ફાંગી આંખ, મેક્યુલર ડીજનરેશન, ઑપ્ટિક નવર્ની તકલીફ, રેટિનાને લગતા પ્રોબ્લેમ, મોતિયો, લેઝર ઑપરેશનને લીધે થતા પ્રોબ્લેમ્સ, સૂકી આંખ, આંખમાં બળતરા વગેરે જેવા અનેક પ્રોબ્લેમ્સ સોલ્વ કરી શકાય છે. કોઈ પણ જાતની દવા વગર ફક્ત એક્સરસાઇઝ ઘણી કમાલ કરી બતાવે છે.

 રિઝલ્ટ જુદું

વિઝન યોગમાં જે રીતની તકલીફ હોય એટલા સમયનો કોર્સ વ્યક્તિએ લેવાનો હોય છે અને એક વખત વ્યવસ્થિત એક્સરસાઇઝ આવડી જાય પછી ઘરે પણ સતત એ ચાલુ રાખવાની હોય છે. પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય પછી પણ એ કરતા રહેવું વધુ યોગ્ય છે. પરંતુ એવી કોઈ ગેરન્ટી આપી શકાય કે વ્યક્તિને આ એક્સરસાઇઝથી કેટલો ફરક પડશે? આ પ્રશ્નનો જવાબ આપતાં ડોક્ટર કહે છે, તમને શરદી થાય અને ડોક્ટર પાસે જાઓ તો ડોક્ટર જે દવા આપે એની કોઈ ગેરન્ટી હોય છે કે એ દવાથી તમારી શરદી જતી જ રહેશે? અમે જે શીખવીએ છીએ એ છે આંખની એક્સરસાઇઝ. જેમ સૂર્યનમસ્કાર કરવાથી દરેક વ્યક્તિને ફાયદો થાય છે; પરંતુ કોને, કેટલો અને કેટલી જલદી ફાયદો થશે એ કહી શકાતું નથી. એ જ રીતે આંખની એક્સરસાઇઝથી ઘણા લોકોના સંપૂર્ણ નંબર ઊતરી ગયા છે તો ઘણાના નંબર ઓછા થયા છે તો અમુક લોકો એવા પણ છે જેમના નંબર ઊતર્યા નથી. દરેક દરદી પર એક્સરસાઇઝનું રિઝલ્ટ જુદું હોય છે, પરંતુ મોટા ભાગના પર એ અકસીર નીવડે છે.

 આંખની કેટલીક ઉપયોગી કસરતો

આંખની અમુક એક્સરસાઇઝ એવી છે જે અમુક વ્યક્તિઓ કરે તો જ લાભ થાય. ખોટી રીતે કરે તો નુકસાન પણ થાય. પરંતુ અમુક કસરતો એવી છે જે કોઈ પણ વ્યક્તિ કરી શકે છે અને એના દ્વારા પોતાના વિઝનને વધારી શકે છે. જાણીએ એવી કેટલીક સરળ અને અસરકારક કસરતો ડોક્ટર પાસેથી.

૧. કોઈ પણ પ્રકારના પ્રકાશ (સૂર્યપ્રકાશ કે ટ્યુબલાઇટ કોઈ પણ) સામે આંખ બંધ કરી ઊભા રહો અને તમારી અપર બોડી જમણીથી ડાબી બાજુ અને ડાબીથી જમણી એમ કમરેથી ઝુલાવો. આ કસરતને કારણે સમગ્ર આઇબોલને મસાજ મળે છે.

૨. જેમ આપણે શરીરને સ્નાન કરાવીએ છીએ એમ આંખને પણ સ્નાન કરાવવું જરૂરી છે. એ માટે આઈ-કપ કે વાટકી લો. એમાં નળનું પાણી ભરો. ૯૦ ડિગ્રી આગળ તરફ ઝૂકો. આંખને કપની અંદર નાખી ૧૦ વાર પાંપણ ઝપકાવો. હવે એ પાણી ફેંકી દો. બીજું ભરો અને બીજી આંખમાં પણ આમ જ કરો. દિવસમાં વધુમાં વધુ આ રીતે ચાર વાર આંખ ધોઈ શકાય છે. આંખને ધોવાને કારણે એ ફ્રેશ થાય છે અને એના સ્નાયુઓ ટોન થાય છે.

૩. જેમને આંખ દુખતી હોય કે બળતી હોય તેમણે પહેલી ત્રણ આંગળીઓ વડે આઇબ્રો અને ગાલનાં હાડકાંને બધી બાજુથી હળવેથી ૩-૩ વાર દબાવવાં, જેને કારણે આ સ્નાયુઓનો સ્ટ્રેન ઓછો થઈ જશે અને બળતરા ઘટી જશે.

૪. આપણે આપણા આઇબોલને રેસ્ટ આપતા જ નથી. ઊંઘમાં પણ એવો સમય હોય છે જ્યારે ડોળાઓ સતત હાલતા રહે છે. એને રેસ્ટ આપવા માટે પામિંગ બેસ્ટ એક્સરસાઇઝ છે. ખુરશી પર બેસી જાઓ. આંખ બંધ કરો અને બન્ને હાથની હથેળીના વચ્ચેના ભાગને આંખની ઉપર વગર પ્રેશરે ગોઠવી દો. આ રીતે બે મિનિટથી લઈને વીસ મિનીટ સુધી બેસી શકાય છે. પામિંગનાં ઘણાં ચમત્કારિક પરિણામો જોવા મળે છે.

૫. જ્યારે તમે વાંચતા હો કે કમ્પ્યુટર પર કામ કરતા હો ત્યારે વચ્ચે-વચ્ચે બ્રેક લેવો. બારી પાસે ઊભા રહેવું અને નાકથી એક ફુટ દૂર તમારો અંગૂઠો ગોઠવવો. એ અંગૂઠાને ૩૦ સેક્ધડ નીરખો અને પછી બારીમાં દેખાતી એકદમ દૂરની કોઈ વસ્તુને ૩૦ સેક્ધડ નીરખો. ફરી અંગૂઠો અને ફરી દૂરની વસ્તુ એમ ૧૦ મિનિટ કરતા રહો. વિઝન ઇમ્પ્રૂવ કરવા આ બેસ્ટ એક્સરસાઇઝ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.