સતત ત્રીજા દિવસે જોરદાર ઝાકળવર્ષા: હવાઇ સેવા ખોરવાઇ, દિવસે પણ વાહનોની હેડલાઇટ ચાલુ રાખવી પડી
રાજકોટનું લઘુતમ તાપમાન 17.2 ડીગ્રી નોંધાયું, હવામાં ભેજનું પ્રમાણ 98 ટકા: દક્ષિણ ગુજરાતમાં બે દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં છેલ્લા બે દિવસથી ગાઢ ધુમ્મસનો આહલાદાયક નજારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે વહેલી સવારે રાજકોટમાં ગાઢ ધુમ્મસને કારણે વિઝીબીલીટી 200 મીટર સુધી રહેવા પામી હતી. સવારનાં 8 વાગ્યા સુધી 200 મીટર સુધી ન દેખાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી હતી. ત્યારે હાઈવે પર મોટાભાગનાં વાહન ચાલકોએ વાહનો થોભી દેવા પડયા હતા ત્યારે બીજી બાજુ રાજયભરમાં આગામી બે દિવસ વાદળછાયુ વાતાવરણ રહેવાની પણ સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દક્ષીણ ગુજરાતમાં માવઠાની પણ આગાહી કરવામાં આવી છે. બે દિવસમાં લઘુતમ તાપમાનમાં પણ ફેરફાર થઈ શકે તેમ છે.
ઉલ્લેખનીય છે કે, આજે વહેલી સવારે રાજકોટનું લઘુતમ તાપમાન 17.2 ડીગ્રી રહેવા પામ્યું હતુ જયારે હવામાં ભેજનું પ્રમાણ 98 ટકા જેટલુ નોંધાયું હતુ. આજે વહેલી સવારથી જ ધુમ્મસ છવાયું હતુ. આથી ખેડુતોમાં ચિંતાની લાગણી જોવા મળી હતી જીરાના પાકને નુકશાનીની ભીતિ પણ સેવાઈ રહી છે. ગાઢ ધુમ્મસને કારણે વાહન ચાલકોની સ્પીડ પર પણ બ્રેક લાગી હતી. ગાડી ધીમી તો કયાંક સાવ થોભી દેવામાં આવી હતી અને વાઈબ્રેટ લાઈટો ચાલુ રાખીને વાહન ચલાવવું પડયું હતુ ગાઢ ધુમ્મસને કારણે લોકોએ ઠંડીનો પણ અનુભવ કર્યો હતો.
રાજકોટ સહિત ગોંડલ, ધોરાજી, જેતપૂર, વિરપૂર, શાપર સહિતના પંથકમાં અતિ ગાઢ ધુમ્મસનું વાતાવરણ સવારે 8.30 વાગ્યા સુધી જોવા મળ્યું હતુ.
ભારે ધુમ્મસની સાથોસાથ શિયાળાની વિદાયની ઘડીઓ ગણાય રહી છે. ત્યારે જ વાતાવરણમાં પલટા અને કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના મને અરબી સમુદ્ર તરફ ભેજવાળા પવન ફૂંકાતા ખાસ કરી દક્ષિણ ગુજરાતનાં તાપીમાં 19 ફેબ્રૂઆરીએ હળવો વરસાદ વરસી શકે છે. રાજયનાં આ સિવાયના મોટાભાગનાં વિસ્તારોમાં સુકુ વાતાવરણ રહેશે. આગામી બે દિવસ લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના છે. જોકે ત્યારબાદ ત્રણ દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં 2 થી 3 ડીગ્રીનો વધારો થઈ શકે તેમ છે. 20મી ફેબ્રુઆરી બાદ ગુજરાતમાં તાપમાનમાં વધારો જોવા મળશે.