રવિવારે અમૃત ઘાયલ હોલ ખાતે 2700થી વધુ રક્તદાતાઓ રક્તદાન કરશે
ગુજરાતના જાણીતા સમાજ શ્રેષ્ઠી, સૌરાષ્ટ્રના ભામાશા અને રાજકોટ શહેરના તેમજ સૌરાષ્ટ્રના પાટીદાર સમાજના મોભી, બાન લેબ્સ લિ.ના ચેરમેન અને અનેક શૈક્ષણિક, સામાજિક, સાંસ્કૃતિક, અને ધાર્મિક સંસ્થાઓના પ્રહરી એવા મૌલેશભાઈ ઉકાણી આગામી તા.14 ઓકટોબરના રોજ 60મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે તેમની ષષ્ટીપૂર્તિ કાર્યક્રમ નિમિત્તે રાજકોટ શહેરમાં “વિશ્ર્વબંધુ રક્તદાન મહોત્સવ” આયોજન કરવામાં આવેલું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિશ્ર્વ બંધુત્વના સંદેશનું અનુસરણ ગુજરાતમાં અને સંભવત: ભારતમાં પ્રથમવાર રાજકોટથી શરૂ કરાશે. જે અંતર્ગત રાજકોટના વિવિધ ક્ષેત્રો, ધર્મ અને જ્ઞાતી સાથે સંકળાયેલા સામાજીક આગેવાનો દ્વારા રાજકોટ સર્વધર્મ સમભાવ કોર કમિટીની રચના કરી પ્રથમ કાર્યક્રમ આ વિશ્ર્વબંધુ રક્તદાન મહોત્સવના આયોજન સાથે શરુ કરવામાં આવનાર છે.
રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ, દીકરાનું ઘર વૃદ્ધાશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી અને રક્તદાન પ્રવૃત્તિ સાથે ત્રણ દાયકા કરતા વધુ સમયથી સંકળાય મુકેશભાઈ દોશી જણાવે છે કે, મૌલેશભાઇ ઉકાણીએ સમાજ માટે વિશિષ્ટ યોગદાન આપેલ છે. હંમેશા કોઈપણ સામાજિક, સેવાકીય, ધાર્મિક, સાંસ્કૃતિક, પર્યાવરણની પ્રવૃત્તિમાં મૌલેશભાઈ ઉકાણીનું યોગદાન અમૂલ્ય હોય છે. ત્યારે મૌલેશભાઇ ઉકાણીની ષષ્ટીપૂર્તી નિમિત્તે રાજકોટની જનતા સમગ્ર સમાજને એક વિશ્ર્વ બંધુત્વનો સંદેશો જાય એ ઉદ્દેશ્યથી આ મહારક્તદાન શિબિરનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. આ રક્તદાન કેમ્પમાં 2700 થી વધુ રક્તદાતાઓ રાજકોટના યુનિવર્સીટી રોડ પર એસ.એન.કે સ્કૂલની બાજુમાં આવેલ અમૃત ઘાયલ હોલ ખાતે તા.15મી ઓકટોબર રવિવારના રોજ સવારે 7:30 થી 1:30 કલાક દરમ્યાન રકતદાન માટે એકત્રીત થશે.
આ કાર્યક્રમ અંગે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ અને જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂશનના ચેરમેન તેમજ રક્તદાન પ્રવૃત્તિ સાથે ત્રણેક દાયકાથી જોડાયેલા અને ફિલ્ડ માર્શલ બ્લડ બેંકના મેનેજિંગ ટ્રસ્ટી ડી. વી. મહેતા જણાવે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાના જન્મદિવસ નિમિત્તે વિશ્ર્વ બંધુત્વ, વસુધૈવ કુટુંબકમ, વિશ્વ કલ્યાણનો સંદેશો સમગ્ર દેશમાં અને વિશ્ર્વમાં આપેલો છે. ત્યારે આ અપીલને અનુસરીને રાજકોટના તમામ સમાજના, તમામ વર્ગના, તમામ ધર્મના, અને તમામ જ્ઞાતિના લોકો દ્વારા વિશ્ર્વ બંધુત્વની ભાવનાને સાકાર કરવા મહારક્તદાન શિબિરનું આયોજન થશે. સંભવત: રાજકોટ શહેરએ પ્રધાનમંત્રીના સંદેશને પ્રતિભાવ આપવા અંગે સમગ્ર રાજ્ય અને ભારતભરમાં પ્રથમ હશે. આ રક્તદાન કેમ્પ કોઈ જ્ઞાતિ કે જાતિ દ્વારા આયોજીત થવાનો નથી પરંતુ સમાજના તમામ ધર્મો, તમામ જ્ઞાતિઓ દ્વારા આ રક્તદાન કેમ્પનું આયોજન થવા જઈ રહ્યું છે, તેથી જ આ રક્તદાન કેમ્પને વિશ્ર્વબંધુ રક્તદાન મહોત્સવ એવું નામ આપવામાં આવ્યું છે. આ રક્તદાન કેમ્પમાં રાજકોટની તમામ બ્લડ બેન્કો જેવી કે રાજકોટ વોલિયન્ટરી બ્લડ બેન્ક, રાજકોટ સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્ક, ફિલ્ડમાર્શલ બ્લડ બેન્ક, નાથાણી બ્લડ બેન્ક, સૌરાષ્ટ્ર વોલિયન્ટરી બ્લડ બેન્ક અને રેડક્રોસ બ્લડ બેન્ક વગેરે જોડાશે.
આ રક્તદાન કેમ્પ બાદ ષષ્ટીપૂર્તીના કાર્યક્રમના ભાગરૂપે મૌલેશભાઈ ઉકાણીની રક્તતુલા પણ કરવામાં આવનાર છે. આ ઉપરાંત રક્તદાનની સાથે સાથે પ્રધાનમંત્રીની અપીલને ધ્યાનમાં રાખી અંગદાન, દેહદાન, ચક્ષુદાન વગેરે અંગેની પણ જાગૃતિ તેમજ 5000 થી વધારે સંકલ્પ પત્રો ભરવામાં આવશે. આ ઉપરાંત પર્યાવરણ અંગેની જાગૃતિ લાવવા તમામ રક્તદાતાઓ તેમજ મુલાકાતીઓને એક તુલસીના છોડની ભેટ આપવામાં આવશે. સાથે જ વ્યસન મુક્તિ અંગેનું માર્ગદર્શન અને તે અંગેની જાગૃતિ કેળવવાના કાર્યક્રમો પણ કરવામાં આવશે.આ વિશાળ આયોજનને સફળ બનાવવા માટે રાજકોટ સર્વધર્મ સમભાવ કોર કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં રાજકોટ શહેરના તમામ ધર્મ, જ્ઞાતિઓ અને ક્ષેત્રના સામાજીક આગેવાનોને જોડવામાં આવ્યા છે. જેમાં મુકેશભાઈ દોશી, ડી.વી. મહેતા, મનીષભાઈ માદેકા, મુકેશભાઈ શેઠ, પરાક્રમસિંહ જાડેજા, ડો. ગીરીશભાઇ ભીમાણી, જગદીશભાઈ કોટડીયા, ભરતભાઈ ગજીપરા, જયેશભાઈ પટેલ, જીતુભાઈ ચંદારાણા, ગુણવંતભાઇ ડેલાવાળા, હરીશભાઈ લાખાણી શામેલ છે.