વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર સમાજ ભાજપની સાથે જ તેવો સ્પષ્ટ સંદેશ: સરકાર પણ મોટુ મન રાખી “પટેલ” બની તમામ માંગણીઓ સ્વીકારી લેશે
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં જો ભાજપને 140થી વધુ બેઠકો જીતવી હોય તો પાટીદાર સમાજનો સંપૂર્ણ સાથ મળે તોજ આ લક્ષ્યાંક સિધ્ધ થાય તેમ છે. ગઇકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને પાટીદાર સમાજને અલગ-અલગ 20 જેટલી સંસ્થાઓના બનેલા વિશ્ર્વ પાટીદાર સંગઠન વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. ફરી એકવાર “ભૂપેન્દ્ર” બાહુબલી બનાવવા પાટીદારોએ હાથ લંબાવ્યો છે.
રાજ્યમાં સૌથી વધુ વસ્તી ધરાવતા પાટીદાર સમાજના એક-એક શબ્દ અને કાર્યની તમામ રાજકીય પક્ષો નોંધ લેતા હોય છે. ગત વર્ષ ખોડલધામના પ્રમુખ નરેશભાઇ પટેલે એવું નિવેદન આપ્યુ હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી પદે પાટીદાર હોવો જોઇએ તેની ગંભીર નોંધ લેતા ભાજપે બે મહિનાની અંદર ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનનો શંખનાદ કરી ભૂપેન્દ્રભાઇ પટેલને ગુજરાતની ગાદી સોંપી દીધી.
પાટીદાર સમાજનો સામાન્ય રોષ પણ ભાજપને પાલવે તેમ નથી. મુખ્યમંત્રી પદ ઉપરાંત કેન્દ્રમાં બબ્બે કેબિનેટ મંત્રી હોવા છતા પાટીદાર સમાજમાં થોડી-વણી નારાજગી જોવા મળી રહી છે. જેના કારણે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રી અમિતભાઇ શાહે વારંવાર ગુજરાતમાં આવવુ પડે છે. આ રોષને સંપૂર્ણ શાંત પાડી દેવા ઉપરથી જ એક લીટીનો આદેશ આપવામાં આવ્યો છે. જેના કારણે ઉમિયાધામ અને ખોડલધામ સહિતની પાટીદાર સમાજની 20 સંસ્થાઓ દ્વારા વિશ્ર્વ પાટીદાર મહાસંઘની રચના કરી છે.
આ સંસ્થાના આગેવાનોએ ગઇકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. જેમાં વિવિધ મુદ્ાઓ પર વિસ્તૃત ચર્ચાઓ થઇ હતી. સરકાર પણ મોટુ મન રાખી પાટીદાર સમાજની તમામ માંગણીઓ સ્વીકારી લેવા સહમત થઇ છે. વિશ્ર્વ પાટીદાર મહાસંઘે ભૂપેન્દ્ર પટેલનો હાથ વધુ મજબૂત બનાવવા માટે સામેથી હાથ લંબાવ્યો છે.
2015માં અનામત આંદોલન વખતે પાટીદાર સમાજના યુવાનો સામે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા કેસ પરત ખેંચી લેવા, આંદોલન દરમિયાન મોતને ભેટેલા 14 પાટીદાર યુવાનોના પરિવારના સભ્યોને સરકારી નોકરી આપવા, સહિતના પ્રશ્ર્નો રજૂ કરાયા હતા. આ ઉપરાંત બિન અનામત વર્ગોના વિકાસ માટે જે 500 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે તે રૂા.1000 કરોડ કરવા, વિદ્યાર્થીઓને 15 લાખની લોન હાલ આપવામાં આવે છે તે વધારી 25 લાખની કરવાના મુદ્ાઓ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જેનો સરકાર દ્વારા હકારાત્મક પ્રતિભાવ આપવામાં આવ્યો છે.
વિધાનસભાની આગામી ચૂંટણી પહેલા પાટીદાર સમાજની તમામ માંગણીનો રાજ્ય સરકાર દ્વારા સ્વીકાર કરી લેવામાં આવશે અને 140થી વધુ બેઠકો જીતવાના ભાજપના લક્ષ્યાંકને આસાનીથી પુરો હાંસલ કરવા અત્યારથી રૂપરેખા ઘડી કાઢવામાં આવી છે.