- બુટલેગર આરીફ સોલંકીએ જથ્થો મંગાવ્યાનો ખુલાસો : શોધખોળ
વિસાવદર પોલીસે મોટા કોટડા ગામની એક ઓરડીમાંથી વિદેશી દારૂની 2865 બોટલ ઝડપી પાડી છે. બુટલેગર આરીફ સોલંકીની માલિકીની જમીનમાં આવેલી ઓરડીમાં સંગ્રહ કરાયેલા દારૂના જથ્થા પર પોલીસે દરોડો પાડ્યો છે. સ્થળ પરથી બુટલેગર આરીફ સોલંકી નહિ મળી આવતા શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસે જાહેર કરેલી વિગત અનુસાર વિસાવદર પોલીસ મથકના પીઆઈ આર એસ પટેલ અને કોન્સ્ટેબલ રાકેશભાઈ ડોબરીયાને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, આરીફ ઇન્દ્રિશભાઈ સોલંકી રહે. મોટા કોટડાવાળાએ તેના કબ્જાની પડતર જમીનમાં આવેલી ઓરડીમાં ગેરકાયદે વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરી રાખવામાં આવેલો છે. બાતમી મળતાની સાથે જ પીઆઈ પટેલના માર્ગદર્શનમાં પીએસઆઈ આર એસ ડામોર, કોન્સ્ટેબલ રાકેશભાઈ ડોબરીયા, દિનેશભાઇ કાછેલા, અજિતસિંહ ભાટી, હિંમતભાઈ મોરી અને રાજુભાઈ પરમારની ટીમે મોટા કોટડા ગામે દરોડો પાડ્યો હતો.
વિસાવદર પોલીસના દરોડામાં બુટલેગર આરીફ સોલંકીની માલિકીની જમીનમાં આવેલી ઓરડીમાંથી બેગપાયપર વ્હીસ્કી 180 એમએલની 2494 બોટલ, રોયલ ચેલેન્જ વ્હીસ્કી 180 એમએલની 335 બોટલ તેમજ રોયલ ચેલેન્જ વ્હીસ્કી 750 એમએલની 36 બોટલ એમ કુલ અલગ અલગ બ્રાન્ડની કુલ 2865 બોટલ જેની કિંમત રૂ. 3,01,620નો દારૂનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે. પોલીસના દરોડા દરમિયાન હાજર નહિ મળી આવેલ બુટલેગર આરીફ સોલંકીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
ગઢકા ગામ નજીકથી સ્વિફ્ટ કારમાંથી 156 બોટલ દારૂ સાથે બે શખ્સોની ધરપકડ કરતી રાજકોટ પીસીબી
રાજકોટ શહેર પીસીબી પોલીસે ગઢકા ગામ નજીકથી સ્વીફ્ટ કારમાંથી દારૂની 156 બોટલ સાથે બેની ધરપકડ કરી છે. પ્રાપ્ત વિગત અનુસાર પીઆઈ એમ આર ગોંડલીયાના માર્ગદર્શનમાં પીસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતા ત્યારે કોન્સ્ટેબલ વિજયભાઈ મેતા, કુલદીપસિંહ અને યુવરાજસિંહને સંયુક્ત રીતે દારૂ અંગેની બાતમી મળતા ટીમ ગઢકા ગામ તરફ દોડી ગઈ હતી. જ્યાંથી જીજે-27-ઈબી-8802 નંબરની સ્વીફ્ટ કારમાંથી દારૂની 156 બોટલ સાથે કુલદીપ ભાભલુભાઈ ખાચર (ઉ.વ.27 રહે સાયલા, સુરેન્દ્રનગર) અને નિમેષ ઉર્ફે અભુ પ્રવીણભાઈ મેસવાણીયા (ઉ.વ.21 રહે. વિછિયા)વાળાની ધરપકડ કરી છે. જયારે દારૂનો જથ્થો મોકલનાર ક્રિપાલસિંહ જયદેવસિંહ ગોહિલ રહે. ગઢડા, બોટાદવાળાની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
રાજસ્થાનથી દારૂની 336 બોટલ લઈને આવતી ક્રેટા કારને અમદાવાદ હાઇવે પરથી ઝડપી લેતી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ
રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે અમદાવાદ હાઇવે પરથી દારૂ ભરેલી કાર કબ્જે કરી રાજસ્થાની ડ્રાયવરની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે જાહેર કરેલી વિગત અનુસાર પીઆઈ એમ આર ગોંડલીયાના માર્ગદર્શનમાં પીએસઆઈ એ એસ ગરચરની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ સોનારા, કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજા અને ધર્મરાજસિંહ રાણાને રાજસ્થાનથી દારૂ ભરીને આવતી કાર અંગે બાતમી મળી હતી. જે બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ક્રિષ્ના વોટરપાર્ક નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન જીજે-09-બીએમ-2446 નંબરની ક્રેટા કાર પસાર થતાં તેને અટકાવી ચાલક નરેશ ઓમપ્રકાશ બિશ્નોઈ(ઉ.વ.21 રહે. બારમેર, રાજસ્થાન)વાળાને નીચે ઉતારી કારમાં તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની કુલ 336 દારૂની બોટલ મળી આવી હતી. ક્રાઇમ બ્રાન્ચે રૂ. 8.68 લાખના મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ કરી છે.