વિસાવદરના કદવાડી ગામે એક 15 વર્ષીય કિશોર પર સિંહે હુમલો કર્યા બાદ 7 દિવસ પછી એક સિંહણે તેના પિતા પર હુમલો કરી દિધો હતો, જો કે, માલધારી યુવાનને તેની ભેંસો એ બચાવી લેતા યુવાનનો જીવ બચી ગયો હતો, પરંતુ યુવક લોહીલુહાણ થઈ જતા જુનાગઢ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવેલ હતો.
વિસાવદરના કદવાડી નેસ વિસ્તારમાં સાત દિવસ પહેલા એક માલધારી પરીવારના 15 વર્ષીય કિશોર વિક્રમ ઉપર સિંહે હુમલો કરીને ઇજા કરી દીધી હતી, બાદમાં આ જ કિશોરના પિતા ઉપર એક કારણ કરેલી સિંહણએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, માલધારી યુવાન જેતાભાઈ તારાભાઈ ચાવડા વિસાવદરના કદવાડી નેસ વિસ્તારમાં રહે છે અને સાંજના સમયે ભેસો ચરાવી રહ્યા હતા, ત્યારે અચાનક મારણ કરેલ સિંહણ એ દોડી જઇને જેતાભાઈ ઉપર હુમલો દબોચી દઈ, ન્હોર ભરાવી શરીરે ઇજાઓ કરી દીધી હતી, જો કે, આ સમયે તેમની ભેસોએ સિંહણ પર ઘસી જઈ જેતાભાઈને બચાવી લેતા, યુવકનો જીવ બચી જવા પામ્યો હતો. અને બાદમાં લોહીલુહાણ થયેલા જેતાભાઈને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં લાવવામાં આવ્યા હતા.
આમ વિસાવદરના કદવાડી નેસ વિસ્તારમાં સાતેક દિવસ પહેલા જ પુત્ર વિક્રમ ઉપર સિંહે અને બાદમાં તેના પિતા પર સિંહણે હુમલો કરી ઈજાગ્રસ્ત કરી દેતા કદવાડી તથા આસપાસના નેસ વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે.