અબતક, દર્શન જોષી, જૂનાગઢ
વિસાવદરના કુટીયા વિસ્તારમાં બહારથી આવેલા બે સિંહોએ પોતાનું વર્ચસ્વ સ્થાપવા માટે એક સિંહ બાળની હત્યા કરી હતી અને બચ્ચાને છોડાવવા વચ્ચે પડેલી માતા સિંહણને પણ સિંહોએ ઈજાગ્રસ્ત કરી હોવાના દિલ ધડક સમાચારો મળી રહ્યાં છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગીર જંગલ નજીકના વિસાવદર પાસે આવેલ કુટીયા વનવિસ્તારમાં ગઈકાલે સિંહની ત્રાડ વન વિભાગનાં કર્મીઓએ સાંભળતા, તાત્કાલીક જે વિસ્તારમાં સિંહની ગર્જના સંભળાઈ હતી તે તરફ સ્ટાફ દોડી ગયો હતો અને ત્યાં જતાં જ ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતાં. જેમાં એક સિંહ સિંહબાળને મોંમાં લઈ ઉભો હતો. જે વનકર્મીઓને જોતા ત્યાંથી નાઠયો હતો. જ્યારે એક સિંહણ લોહીલુહાણ હાલતમાં હતી. આથી વનકર્મીઓએ તાત્કાલીક અધિકારીઓને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જો કે, આ ઘટના અંગે વન વિભાગના અનુમાન પ્રમાણે વિસાવદરના કુટીયા વિસ્તારમાં બહારના વિસ્તારનાં બે સિંહો આવી ચડયા હતા અને આ વિસ્તારમાં પોતાનું આધિપત્ય સ્થાપવા માટે સિંહણની હાજરીમાં તેના સિંહબાળની હત્યા કરવામાં આવી હતી અને આ દરમિયાન પોતાના સિંહબાળને બચાવવા સિંહણ વચ્ચે પડી હશે ત્યારે બંને સિંહોએ તેમના પર હુમલો કર્યો હશે અને તેમાં સિંહણનો પનો ટૂંકો પડતાં બંને સિંહોએ સિંહબાળની હત્યા કરી હશે. વિસાવદરના કુટીયા વિસ્તારમાં બહારથી આવી ચડેલા બે સિંહોના આધિપત્ય સ્થાપવા માટેના આ જંગ બાદ વન વિભાગ સતર્ક થયું છે અને બહારથી આવી ચડેલા સિંહને શોધવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. બીજી બાજુ મૃત થયેલા સિંહબાળના મૃતદેહને વન વિભાગે પીએમ માટે કોલી અપાયો છે, જ્યારે ઈજાગ્રસ્ત થયેલ સિંહણને સારવાર માટેની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે.