વિઝા અરજીઓ અને ટેક્નોલોજી સેવાઓનું સંચાલન કરતી વીએફએસ ગ્લોબલે યુકે વિઝા માટે ભારતના નાના શહેરો જેમ કે અલ્હાબાદ, ભુવનેશ્વર, કાલિકટ, દેહરાદૂન અને ઈન્દોરમાં કામચલાઉ વિઝા પ્રક્રિયા કેન્દ્રો ખોલવાની યોજના જાહેર કરી છે.
આ પગલું ભારતીય નાગરિકોમાં યુકેના વિઝાની વધતી જતી માંગના પ્રતિભાવમાં છે, જેઓ જૂન 2023ના અંતે યુકે દ્વારા આપવામાં આવેલા વિઝિટર વિઝામાં સૌથી વધુ હિસ્સો ધરાવે છે.
અલ્હાબાદ, ભુવનેશ્વર, દેહરાદૂન જેવા ટાયર-2 શહેરોમાં વિઝા સેન્ટરની સ્થાપના કરાશે
યુકે સરકારના આંકડા મુજબ ભારતીય નાગરિકોએ 30% મુલાકાતી વિઝા મેળવ્યા હતા, ત્યારબાદ ચીનના નાગરિકોએ 13% અને નાઈજિરિયન અને તુર્કીના નાગરિકોએ 6% વિઝા મેળવ્યા હતા.
વીએફએસ ગ્લોબલ ખાતે દક્ષિણ એશિયા માટેના ચીફ ઓપરેટિંગ ઓફિસર પ્રબુદ્ધ સેને ઉલ્લેખ કર્યો છે કે આ પહેલ પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને બિઝનેસ ટ્રાવેલર્સ સહિત ટિયર ટુ ભારતીય શહેરોમાંથી યુકે જનારા પ્રવાસીઓને સુવિધા પૂરી પાડશે.
નવા કેન્દ્રો ખોલવાનો નિર્ણય વૈશ્વિક સ્તરે વિદેશી યુકે વિઝા અને નાગરિકતા સેવાઓ પ્રદાન કરવા માટે વીએફએસ ગ્લોબલના તાજેતરના કરારનો એક ભાગ છે. આ કરારના ભાગરૂપે વીએફએસ ગ્લોબલ વિવિધ પ્રદેશોમાં 142 દેશોમાં 240 વિઝા અને સિટિઝનશિપ એપ્લિકેશન સર્વિસ કેન્દ્રો સ્થાપશે.
વીએફએસ ગ્લોબલ 2003 થી બ્રિટિશ સરકાર સાથે કામ કરી રહ્યું છે અને લોકપ્રિય હોટેલ્સ અને રિસોર્ટ્સ સાથે ભાગીદારી દ્વારા તેના વધારાના પેઇડ એપ્લિકેશન કેન્દ્રોના નેટવર્કને પણ વિસ્તૃત કરશે.
યુકે સરકારના આંકડા મુજબ જુન 2023 ના રોજ પૂરા થયેલા વર્ષમાં 18,15,342 વિઝા આપવામાં આવ્યા હતા, જે અગાઉના વર્ષની સરખામણીમાં 96% નો વધારો દર્શાવે છે. આમાં ભારતીય નાગરિકોએ સૌથી વધુ સંખ્યામાં વિઝા મેળવ્યા હતા, જેમાં 5,36,983 મંજૂર થયા હતા, જે જૂન 2019 માં 5,03,139 થી વધુ છે.