પાણી, ઊર્જા, પરિવહન, અવકાશ, આરોગ્ય અને ખાદ્ય સુરક્ષામાં સંયુક્ત રોકાણને પ્રોત્સાહિત કરવા મહત્વપૂર્ણ ચર્ચા
ઇન્ડિયા, ઇઝરાયલ, યૂએઇ અને યુએસએ આ ચાર દેશોના બનેલા નવા આઈટુયુટુ જૂથની રચના એ મહત્વપૂર્ણ બની રહેવાની છે. જેમાં ભારત સાથે યુએસની ભાગીદારી ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આ વાત ઇઝરાયેલના પૂર્વ એનએસએ મેજર જનરલ યાકોવ અમિડોરે ફોરમની પ્રથમ ઉચ્ચ સ્તરીય બેઠક પહેલા કહી હતી. આ જૂથની બેઠક આજે યોજાનાર છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બેઠકમાં વર્ચ્યુઅલ રીતે હાજરી આપશે.પ્રથમ આઈટુયુટુ નેતાઓની વર્ચ્યુઅલ સમિટની જાહેરાત કરતા, ભારત સરકારે મંગળવારે જણાવ્યું હતું કે આ જૂથ છ પરસ્પર માન્યતા પ્રાપ્ત ક્ષેત્રો જેમ કે પાણી, ઊર્જા, પરિવહન, અવકાશ, આરોગ્ય અને ખાદ્ય સુરક્ષામાં સંયુક્ત રોકાણને પ્રોત્સાહિત કરવા માટે કામ કરશે. પીએમ મોદી ઈઝરાયેલના વડાપ્રધાન યાયર લેપિડ, યુએઈના પ્રમુખ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન અને યુએસ પ્રમુખ જો બિડેન સાથે સમિટમાં ભાગ લેશે. આઈટુયુટુ ની પ્રથમ લીડર્સ સમિટ વર્ચ્યુઅલ રીતે આજે જુલાઈ 14, 2022 ના રોજ યોજાશે.
આઈટુયુટુ ગ્રુપમાં ભારત, ઈઝરાયેલ, યુએઇ અને યુએસ સામેલ છે. તેની સ્થાપના ઓક્ટોબર 2021 માં ચાર દેશોના વિદેશ પ્રધાનોની પહેલને પગલે વિદેશ પ્રધાન એસ જયશંકરની ઇઝરાયેલની મુલાકાતના ભાગ રૂપે કરવામાં આવી હતી. વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં, ચાર દેશોના વિદેશ પ્રધાનોએ ઓવરલેપિંગ હિતોને સંબોધવા માટે પૂરક ક્ષમતાઓનો ઉપયોગ કરવા સંમત થયા હતા અને ક્વાડ ભાગીદારો વચ્ચે સહકારને મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
ઇઝરાયલના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અમિડોરે જણાવ્યું હતું કે ઇઝરાયેલ બુધવારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનના ત્રણ દિવસીય કાર્યક્રમનું સ્વાગત કરવાની તૈયારી કરી રહ્યું છે. આ દરમિયાન આઈટુયુટુ ફોરમની ઉચ્ચ સ્તરીય બેઠક થશે જેમાં પીએમ મોદી પણ વર્ચ્યુઅલ રીતે ભાગ લેશે.
ભારત ઈઝરાયેલ અને યુરોપ વચ્ચેનો સેતુઈઝરાયલના ભૂતપૂર્વ એનએસએએ કહ્યું કે, ભારત નવા દેશો લાવવા અબ્રાહમ કરારના વ્યાપને વિસ્તારવામાં મદદ કરી શકે છે. તેમણે કહ્યું કે, આઈટુયુટુ વિશ્વના હિતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. તે ઇઝરાયેલ અને યુએઈ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરે તેવી અપેક્ષા છે. તેમણે કહ્યું કે, ભારતની ભૂમિકા યુરોપ અને ઈઝરાયેલ સાથે એક પુલની છે અને સમગ્ર સંદર્ભમાં ભારત એક મુખ્ય વેપારી ભાગીદાર છે.