રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે આયોજિત પરિસંવાદ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રે રોકાણ કરવા માટે નિષ્ણાંતો દ્વારા અપાયું માર્ગદર્શન
આઝાદી કા અમૃત મહોત્સવ અને આઝાદી સે અંત્યોદય તક ચાલી રહેલી વિવિધ કાર્યક્રમો અંતર્ગત બજારમાં મુડી રોકાણ અને ઉદ્યોગો વિશે વધુ માહિતી આપવા અંગે દીપમ ( ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ) દ્વારા ભારતના નાણાં અને કોર્પોરેટ બાબતોના કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામન અને મિનિસ્ટર ઓફ સ્ટેટ ડો.ભાગવત કિશન રાવના અધ્યક્ષસ્થાને સમગ્ર ભારતના કુલ 75 શહેરોમાં ‘બજાર દ્વારા સંપત્તિનું સર્જન’ વિષય પર પરિસંવાદ યોજાયો હતો.
રાજકોટ ખાતે હેમુ ગઢવી હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મંત્રી સીતારામન વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી “દીપમ” વિશે તથા એટોમિક વિભાગ, અવકાશ વિભાગ જેવા વિવિધ વિભાગોમાં ખાનગી રોકાણ વધારવા તથા હાલ કાર્યરત ખાનગી એકમો અને કોરોના બાદ બજારમાં સ્થગિત થયેલો નાણાંકીય પ્રવાહ ફરી વહેતો કરવા વિવિધ ઉપયોગી સૂચનો આપ્યા હતા.
આ તકે ઈન્ક્મટેક્સ કમિશ્નર બી.એલ.મીના એ વિવિધ ઉદ્યોગોમાં રોકાણ કરવા માટેનું ઉપસ્થિતોને માર્ગદર્શન પૂરું પાડયુ હતું. સાથોસાથ વિષય નિષ્ણાંતો નિશાંત બાલી, કાર્તિક બાવીશી, ધવલ દવે, ઈશાન સરીન, ભાવેશ ચૌહાણ અને અરુણ ચોબે દ્વારા ઇન્વેસ્ટર ગ્રાવિઆન્સ રિડ્રેસસેલ મિકેનિઝમ જેવા વિષયો પર કયા ક્ષેત્રમાં, કઈ રીતે, કયા મુદ્દાઓને ધ્યાન રાખીને અને સરકારી તેમજ ખાનગી ક્ષેત્રે કઈ રીતે રોકાણ કરવું જોઈએ તથા સરકાર દ્વારા ચલાવવામાં આવતી ટોલ ફ્રી નંબરની સેવાનો લાભ લઈ રોકાણ કરવા માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમમાં ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, પ્રાંત અધિકારી સંદીપકુમાર વર્મા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કિશોર મોરી તેમજ રોકાણકારો, વિવિધ એસોસીયેશનના પ્રતિનિધિઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.