નવી જૂથ પાણી પૂરવઠા યોજના મંજૂર થતા વિરપૂર વાસીઓમાં હરખની હેલી
અબતક, રાજકોટ
જગવિખ્યાત વીરપુર જલારામ યાત્રાધામના પ્રજાજનો અને દેશ-વિદેશથી આવતા ભાવિકોની પાણીની જરૂરિયાતને ધ્યાને લઈને રૂપિયા 6.79 કરોડની નવી પાણી પૂરવઠા યોજના મંજૂર કરાઈ છે. જેનું ખાતમુહૂર્ત આજે ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું.
હાલમાં વીરપુર ગામને 2.08 એમ.એલ.ડી. પીવાના પાણીની જરૂરિયાત છે, તેની વ્યવસ્થાને પહોંચી વળવા રાજ્ય સરકારના પાણી પૂરવઠા વિભાગ દ્વારા ભાદર-1 ડેમથી નવી વીરપુર જૂથ પાણી પૂરવઠા યોજના રૂપિયા 6.79 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવી છે. આ યોજનાથી વીરપુર ઉપરાંત અન્ય આસપાસના ત્રણ ગામોને પણ પીવાનું પાણી પણ પૂરું પાડવામાં આવશે. લોક જરૂરિયાતને સંતોષ આપતી જૂથપાણી પુરવઠા યોજનામાં 10.50 કિ .મી લંબાઈની 300 એમ.એમ.વ્યાસ અને 250 એમ.એમ. વ્યાસની ડી.આઈ.કે.7ની રાઈઝીંગ મેઈન પાઇપ લાઇન, 90 મી.મી.વ્યાસની 6 કે. જી.ની 3.60 કિલોમીટર લંબાઈની પી.વી.સી. પાઇપ લાઇન ભાદર ડેમ પાસે બે લાખ લિટર ક્ષમતાનો રો વોટર સંપ અને ક્લિયર વોટર સંપ ઉપરાંત ડેમ પાસે પંપ હાઉસ, પાંચ એમ.એલ.ડી. ક્ષમતાનો પ્રેશર ફિલ્ટર પ્લાન્ટ અને પમ્પિંગ મશીનરી કલોરીનેશન પ્લાન્ટ અને આનુસાંગિક સાધનોનો સમાવેશ કરી આધુનિક સજ્જતા સાથેની જૂથ પાણી પૂરવઠા યોજના સાકાર થવા જઈ રહી છે.
આ યોજનાનું ખાતમુહૂર્ત કરતા આ વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વમંત્રી જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે, વીરપુરમાં દેશ-વિદેશના યાત્રિકો આવે છે. આ યાત્રાધામમાં પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે નવી જૂથ પાણી પુરવઠા યોજનાની લોકલાગણી હતી તે સરકાર દ્વારા મંજૂર થઈ છે. જેથી અહીં પૂરતા પ્રમાણમાં આગામી દિવસોમાં પીવાનું પાણી મળતું થશે અને ભવિષ્યમાં પણ પાણીની કોઈ મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા સાથેની આ યોજના આકાર પામી રહી છે. પાણી પૂરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી ડી. જે. ચૌહાણે જણાવ્યું હતું કે, એક વર્ષમાં આ યોજના પરિપૂર્ણ કરવામાં આવશે.