વાસણ સાફ કરતા યુવકને છરી ઝીંકી દીધી: સામસામે ધોકા, પાઇપ અને તલવાર વડે તૂટી પડ્યા
વિરપુરમાં લગ્ન પ્રસંગમાં બે પરિવાર વચ્ચે બઘડાટી બોલી હતી. જેમાં સામસામે ધોકા, પાઇપ અને તલવાર વડે તૂટી પડતા એક મહિલા સહિત છ લોકો ઘવાતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વિરપુર ભૂલેશ્વરનગરમાં રહેતા સાગર અશોકભાઈ મકવાણા (ઉ.વ.23) નામનો યુવાન પોતાની પિતરાઈ બહેનના લગ્નમાં હતો ત્યારે તેમના મામા પક્ષના લોકોએ નશાની હાલતમાં ખેલ કરતા હતા. જેમને તે બાબતે રોકતા ઉશ્કેરાયેલા કનુ પુંજા સોલંકી, તેના પુત્ર રોહિત, વિકાસ અને જીણીએ વાસણ ધોઈ રહેલા રાજુ નામના યુવાનને છરી ઝીંકી દીધી હતી.ત્યાર બાદ સાગર મકવાણાએ કોર્ટ મેરેજ કર્યા હોય જેથી તેના કાકાની પુત્રીના લગ્ન બાદ પોતે ફેરા ફરતા હતા ત્યારે સામે વાળા કનુ, રોહિત અને વિકાસ સહિતનાઓએ ધોકા વડે હુમલો કરતા સાગર અને તેની બહેન શિતલને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
તો સામાપક્ષે જેતપુર રહેતા ઇલાબેન દેવજીભાઈ સોલંકી (ઉ.વ.40), વિકાસ દેવજીભાઈ સોલંકી (ઉ.વ.22) અને દેવજીભાઈ કાનજીભાઈ સોલંકી (ઉ.વ.43) વિરપુર લગ્ન પ્રસંગમાં હતા ત્યારે સાગર, રોહિત, લાભુ અને રાજુ સહિતના શખ્સોએ લાકડી અને તલવાર વડે હુમલો કરતા ઘવાયેલા દંપતી સહિત ત્રણને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.