અવાર-નવાર પરેશાન કરી સંબંધ રાખવા દબાણ કરતા ના પાડતા છરી વડે હુમલો કરી હત્યા કરી
રાજ્યમાં તાપમાનનો પારો ઉંચકાતાની સાથે ક્રાઇમ રેટનો ગ્રાફમાં વધારો જોવા મળ્યો છે. જેમાં નજીવી બાબતે મારામારીના બનાવો હત્યામાં પ્રવર્તે છે. જેતપુર તાલુકા વિરપુરમાં એક તરફી પ્રેમમાં પાગલ શખ્સે પરિણીતાને અવાર-નવાર હેરાન-પરેશાન કરી તાબે ન થતા છરી વડે હુમલોકરી મોતને ઘાટ ઉતાર્યાની ગણતરીના કલાકોમાં વિરપુર પોલીસે હત્યાનો ભેદ ઉકેલી જેતપુરના શખ્સને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.
વિગતો મુજબ વીરપુરમાં રહેતી કંચનબેન વાઘેલા નામની પરિણીત જેતપુર સ્થિત એક કારખાનામાંથી મજૂરી કામ પૂર્ણ કરી નિત્યક્રમ મુજબ સાંજના સમયે પોતાના ઘરે જલારામનગર વિસ્તારમાં પરત આવતી હતી, ત્યારે રસ્તામાં અવાવરૂ જગ્યામાં તેણીની કોઈ અજાણ્યા શખ્સ છરીના ઘા મારી હત્યા નિપજાવીને નાસી ગયો હતો.
પોલીસે બાતમી મળતા આરોપી બસ સ્ટેન્ડ પાસે વાહનમાં બેસી ભાગી જવાની ફિરાકમાં હતો ત્યારે તેને પોલીસે દબોચી લીધો હતો
જેની પૂછપરછ કરતા પોતાનું નામ નારણભાઈ કેશુભાઈ ડાલીયા (ઉ.વ.40) અને જેતપુરના દેરડી ધાર પાસે રહેતો હોવાનું તથા છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવતો હોવાનું જણાવ્યું હતું. હત્યાના કારણ વિશે પોલીસે પૂછતાં જણાવેલું કે, જેતપુરમાં સામાંકાંઠા સ્થિત તેના મકાનમાં પંદરેક વર્ષ પૂર્વે મૃતક કંચનબેન તેણીના પતિ સાથે ભાડે રહેતી હતી ત્યારે પ્રેમ સંબંધ બંધાયેલ હતો. ત્યારબાદ છએક વર્ષ પૂર્વે મૃતક તેણીના પતિ ગોવિંદભાઈ વાઘેલા સાથે વીરપુર રહેવા આવી ગઈ હતી. સંપર્ક ઓછો થઈ ગયો, પરંતુ કેશુ પીછો છોડતો ન હતો.
આજે કંચનબેન મજૂરી કામ પતાવી પોતાના ઘરે પરત ફરતી હતી ત્યારે તેણીનો પીછો કરી છરી વડે હુમલો કર્યો હતો. કંચનબેને છરીના ઘાથી બચવા હાથ આડા રાખતા છરીના ઘા લાગેલા હતા. જેથી કેશુએ છરી વડે ગળું રહેંસી નાંખતા તેણીનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. પરિણામે આ મામલે વીરપુર પીએસઆઈ એમ.જે. પરમારે વધુ તપાસ હાથ ધરી છે.