વ્યાજની પઠાણી ઉઘરાણી ધાક ધમકી દીધી અને કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ કર્યાની પોલીસમાં રાવ
જેતપુર તાલુકાના વિરપુરના યુવાને પિતાની અંતિમ ક્રિયા માટે રુા.20 હજાર વ્યાજે લીધા બાદ રુા.5 લાખ વ્યાજ ચુકવ્યું છતાં વ્યાજના ધંધાર્થીએ વ્યાજની પઠાણી ઉઘરાણી કરવા ધાક ધમકી દીધાની અને ચેક રિટર્ન કરાવી કોર્ટમાં ફરિયાદ કર્યા અંગેની વિરપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વિરપુરની જલારામ સોસાયટીમાં રહેતા યાસીનભાઇ બશીરભાઇ પઠાણ નામના 35 વર્ષના યુવાને તેના જ ગામના કિશન જયંતી ડાભી પાસેથી રુા.20 હજાર વ્યાજે લીધા હતા તેનું દરરોજ બે હજાર મુજબ વ્યાજ ચુકવવાનું હતું થોેડા સમય વ્યાજ ચુકવ્યા બાદ વ્યાજ આપી ન શકતા વ્યાજની રકમ ક્રમશ ડબલ કરી રુા.5 લાખ વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા તેને રુા.4,50,000 અને ત્યાર બાદ રુા.50 હજાર એમ કુલ રુા.5 લાખ ચુકવી દીધા હોવા છતાં ધાક ધમકી દેતો હોવાની અને બેન્કમાં ચેક રિટર્ન કરાવી વકીલની નોટિસ મોકલ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
યાસીનભાઇ પઠાણના પિતા બસીરભાઇનું અવસાન થતા તેમની અંતિમ વિધી માટે પૈસાની જરુર પડતા રુા.20 હજાર કિશન જયંતી ડાભી પાસેથી વ્યાજે લીધા હતા. રુા.20 હજારના રુા.5 લાખ ચુકવી દીધા તેમ છતાં વધુ વ્યાજ વસુલ કરવા ધાક ધમકી દીધાનું ફરિયાદમાં જણાવ્યું છે. વિરપુર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ ગોહિલ સહિતના સ્ટાફે કિશન ડાભી સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.