પાણી વહેંચવા બાબતે બે ફેરિયા વચ્ચે થયેલી માથાકૂટમાં લોખંડની પ્લેટ ફટકારી ઢીમ ઢાળી દીધું: સીસીટીવી ફૂટેજમાં આધારે પોલીસે આરોપીની કરી ધરપકડ

વીરપુર પાસેના પીઠડિયા ટોલ પ્લાઝા પાસે પાણી વેચવા જેવી સામાન્ય બાબતે બે ફેરિયા વચ્ચે માથાકૂટ થઈ હતી. જેમાં એક ફેરિયાએ બીજા ફેરિયા પર લોખંડની પ્લેટ વડે ઘાતકી હુમલો કરી માથાના ભાગે જીવલેણ ઇજા પહોંચાડી હતી. જેમાં આજરોજ વહેલી સવારે યુવાને સારવારમાં દમ તોડયો હતો. જેથી બનાવ હત્યામાં પલટાયો છે. બે ફેરિયા વચ્ચે પાણી વેચવા બાબતે થયેલી માથાકૂટમાં એકની લોથ ઢડતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, વીરપુરમાં પીઠડિયા ટોલ પ્લાઝા પર ટોલ ભરવા માટે વાહનો ઊભાં રહે છે એ દરમિયાન મુસાફરોને પાણી, વેફર્સ વગેરેનું દસથી બાર ફેરિયાઓ દ્વારા વેચાણ કરવામાં આવે છે, જેમાં પપ્પુભાઈ થાવરિયા બારૈયા નામના ફેરિયાને એકાદ મહિના પૂર્વે ગૌરીબેન ભરતભાઇ કોળી નામની મહિલા સાથે પાણીની બોટલ વેચવા બાબતે માથાકૂટ થઈ હતી. ત્યાર બાદ બંને આ માથાકૂટને ભૂલી ટોલ પ્લાઝાએ પોતાનો વ્યવસાય કરવા લાગ્યાં હતાં.

પરંતુ ગત 28મી જૂનના રોજ પપ્પુભાઈ ટોલ પ્લાઝાએ ફેરી કરતા હતા ત્યારે ગૌરીબેનનો પુત્ર અર્જુન ત્યાં આવીને પોતાની પાસે રહેલી લોખંડની વજનદાર પ્લેટ માથામાં મારતાં પપ્પુભાઈને ગંભીર ઇજા પહોંચી હતી અને તેઓ જમીન પર ઢળી પડ્યા હતા. તેમ છતાં અર્જુને હુમલો ચાલુ જ રાખતાં પપ્પુભાઈને ગંભીર ઇજા પહોંચી હતી અને માથાના ભાગેથી લોહી વહી રહ્યું હતું. આ નિહાળી ટોલ પ્લાઝાએ અન્ય ફેરિયાઓ દોડીને આવ્યા ત્યારે અર્જુન ત્યાંથી નાસી ગયો હતો. આ બાજુ ગંભીર હાલતમાં પપ્પુભાઈને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડતાં ત્યાં પ્રાથમિક સારવાર આપી માથામાં હેમરેજ થઇ ગયું હોવાથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા.

આ સમગ્ર બનાવ ટોલ પ્લાઝાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો અને આ ફૂટેજનો વીડિયો વાઇરલ થતાં વીરપુર પોલીસે આરોપી અર્જુનને ગણતરીની કલાકોમાં દબોચી લીધો હતો. છેલ્લા દસ દિવસથી સારવારમાં રહેલા પપ્પુભાઈએ આજ રોજ વહેલી સવારે સારવારમાં જ દમ તોડતા બનાવ હત્યામાં પલટાયો હતો. રાજકોટ સિવિલ પોલીસ ચોકીથી વીરપુર પોલીસને જાણ કરતા હત્યાની કલમનો ઉમેરો કરી આગળની કાર્વાહી હાથધરી છે.

મૃતક પપ્પુભાઈ બારૈયા બે ભાઈ અને બે બહેનમાં ત્રીજા નંબરના હતા. તેમની હત્યાના પગલે સાત પુત્રી અને એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.