દશ હજાર સ્વંયસેવકો ખડેપગે: મહિલા સ્વંયસેવકોનું પણ વિશેષ યોગદાન: મહંતસ્વામી મહારાજના સ્વયંસેવકોને આશિર્વાદ
તીર્થધામ સારંગપુરમા બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના આધ્યાત્મિક વડા પ.પૂ.મહંતસ્વામી મહારાજની નિશ્રામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. ભવ્ય ફૂલદોલ ઉત્સવમાં પ.પૂ.મહંતસ્વામી મહારાજ ફૂલોકી હોલીનો લાભ આપવા પધારશે. આ ઉત્સવને સફળ બનાવવા ૧૦૦૦૦ જેટલા સ્વયંસેવકો માટે ગઈ કાલે સાંજે વિરાટ સ્વયંસેવક સભા અને પુષ્પદોલોત્સવનું આયોજન થયું હતું. જેમાં સેવાના આદર્શ-સત્પુરુષએ વિષય ઉપર રજૂઆત થઈ હતી.
તેઓના જીવનપ્રસંગો ઉપર સંસ્થાનાં વિદ્વાન સંત પૂ.આદર્શજીવન સ્વામી, પૂ.ઘનશ્યામચરણ સ્વામી, પૂ.વિવેકસાગર સ્વામી, પૂ.ત્યાગવલ્લભ સ્વામી, પૂ.ડોક્ટર સ્વામીએ પુષ્ટિ આપી હતી. સભામાં ઉપસ્થિત સર્વે સ્વયંસેવકો આ રજૂઆતથી ભાવવિભોર બન્યા હતા. આ રજૂવાતથી સર્વ સ્વયંસેવકોને પોતાના જીવનમાં સેવાનો વિશિષ્ટ મહિમા દૃઢ થયો હતો.
કાર્યક્રમના અંત ભાગમાં પ.પૂ.મહંતસ્વામી મહારાજ સ્વયંસેવકોની સેવા બદલ આભાર માન્યો હતો અને સર્વેને આશીર્વાદ આપી લાભાન્વિત કર્યા હતા. તેઓએ ફૂલોકી હોલી દ્વારા પ્રથમ ઠાકોરજી પર પુષ્પ વૃષ્ટિ કરી હતી ત્યારબાદ સર્વ સ્વયંસેવકો પર પુષ્પ અને ગુલાલની વૃષ્ટિ દ્વારા પુષ્પદોલોત્સવનું અને સમીપ દર્શનનું સુખ આપ્યું હતું.
બી.એ.પી.એસ. સંસ્થા પાસે આવા ૫૦ હજાર સ્વંયસેવકોનો વિશાળ વૃંદ છે. જે પ.પૂ.મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી હરહમેશ સંસ્થા તેમજ સમાજના હિતકાર્યો માટે સદા તત્પર રહે છે. તેમાંથી હાલ આ ઉત્સવમાં વિવિધ સેવાઓ આપવા માટે ૧૦ હજારથી વધુ સ્વંયસેવકો પધાર્યા છે. આ સ્વંયસેવકોમાં અમેરીકા, ઈંગ્લેન્ડ, આફ્રિકા, ઓસ્ટ્રેલીયા વગેરે દેશોમાંથી પણ આવેલ છે.
આમાંથી ઘણા બધા તો અત્યંત ઉચ્ચ આર્થિક અને સામાજિક પરિસ્થિતિ ધરાવતા હોવા છતાં અહીં સામાન્ય સેવા કરી રહ્યાં છે. આવતી કાલે પ્રમુખસ્વામી વિદ્યામંદિરની બાજુમાં આવેલા વિશાળ મેદાનમાં ફૂલદોલ ઉત્સવની મુખ્ય સભા થશે જેમાં પ.પૂ.મહંતસ્વામી મહારાજ પધારી આવનારા હજારો સંતો ભક્તોને પુષ્પદોલોત્સવથી લાભાન્વિત કરશે.