રોયલ ચેલેન્જર્સ બેંગલોર ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના પ્લે-ઑફ્સમાં સ્થાન પામવા માટે દિલ્હી ડેરડેવિલ્સની ટીમ સામે શનિવારે રમશે.
દિલ્હીની ટીમ આ સ્પર્ધામાંથી બહાર નીકળી ગઇ છે, જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ અત્યાર સુધીની પોતાની ૧૦ મેચમાંથી માત્ર ત્રણ જ જીતી છે અને તેણે પ્લે-ઑફ્સમાં સ્થાન પામવા માટે બાકીની ચારે મેચ જીતવી જરૂરી છે.
આઇપીએલની અત્યાર સુધીની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમનો દેખાવ બહુ સારો નથી રહ્યો અને તે ખાસ મોટો જુમલો પણ કરી નથી શકી.સુકાની વિરાટ કોહલીએ સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની પોતાની છેલ્લી મેચ બાદ જાહેરમાં કબૂલ કર્યું હતું કે મારી ટીમ બહુ સારું નથી રમતી.
ટીમમાં સૌથી વધુ રન બનાવનારા કોહલીએ ૪૯.૫૦ની સરેરાશથી ૩૯૬ રન કર્યા છે. કોહલી પોતાની ટીમ હરીફના ૧૪૭ રનના નાના જુમલાને પણ આંબી નહિ શકતા નારાજ થઇ ગયો હતો. તેની ટીમ અગાઉની મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સ સામે માત્ર ૧૨૭ રન કરી શકી હતી.
રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ સુકાની કોહલી અને એબી ડી વિલર્સ પર ઘણો આધાર રાખે છે, પરંતુ હવે ટીમના અન્ય સભ્યો – મનદીપ સિંહ, ક્વિન્ટન ડી કોક અને બ્રેન્ડન મેકક્યુલમે પણ સારું રમી દેખાડવું પડશે.
ઑલ-રાઉન્ડર વોશિંગ્ટન સુંદરની બોલિંગ અત્યાર સુધી નબળી રહી હતી. તેણે સાત મેચમાં ૯.૬ રનના દરે રન આપીને અત્યાર સુધીમાં માત્ર ચાર વિકેટ ઝડપી હતી. તે બેટિંગમાં પણ સારો દેખાવ કરી નથી શક્યો.દિલ્હીની ટીમ ગુરુવારે સનરાઇઝર્સ સામે હાર્યા બાદ સ્પર્ધામાંથી બહાર ફેંકાઇ ગઇ છે. ઋષભ પંતની સારી બેટિંગ પણ આ ટીમને જિતાડી નહોતી શકી.
દિલ્હીની ટીમનું મેનેજમેન્ટ નેપાળના સ્પિનર સંદીપ લમિછાને અને દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર જુનિયર ડેલાને શનિવારની ટીમમાં લે એવી શક્યતા છે. આ બન્ને હજી સુધી એકપણ મેચ નથી રમ્યા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com