નાગપુર વન–ડેમાં વિકટ પરિસ્થિતિમાં સુકાની વિરાટ કોહલીએ ૧૧૬ રન ફટકારી ભારતની જીતનો પાયો નાખ્યો
વિશ્વનો નંબર વન બેટસમેન ટીમ ઈન્ડિયાનો સુકાની વિરાટ કોહલી જે રીતે હાલ ધરખમ ફોમમાંથી પસાર થઈ રહ્યો છે અને જે રીતે વિરાટનું બેટ રીતસર રનનો વરસાદ કરી રહ્યું છે તે જોતા એવું લાગી રહ્યું છે કે, વિરાટ આગામી ૫ વર્ષમાં ક્રિકેટના તમામ રેકોર્ડ પોતાના નામે કરી લેશે. નાગપુર વન-ડેમાં વિકટ પરિસ્થિતિમાં આકર્ષક સદી ફટકારી ટીમ ઈન્ડિયાની જીતનો પાયો નાખનાર વિરાટ કોહલી હવે વન-ડેમાં સૌથી વધુ સદી ફટકારવાના રેકોર્ડથી માત્ર ૯ કદમ દુર છે. ગઈકાલે તેને પોતાની વન-ડે કારકિર્દીની ૪૦મી સદી ફટકારી હતી હવે તેની આગળ એકમાત્ર માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર છે જેને વન-ડેમાં ૪૯ સદી ફટકારી છે.
ગઈકાલે નાગપુર ખાતે રમાયેલી ઓસ્ટ્રેલિયા સામેની બીજી વન-ડેમાં વિરાટ કોહલીએ ૧૨૦ બોલમાં ૧૦ ચોગ્ગાની મદદથી આકર્ષક ૧૧૬ રન ફટકાર્યા હતા. કોહલીની સદીની મદદથી ભારત ૨૫૦ રનના સમ્માનજનક સ્કોરે પહોંચી શકયું હતું. ૨૨૪મી વનડેમાં વિરાટે પોતાની વન-ડે કારકિર્દીની ૪૦મી સદી પુરી કરી લીધી છે. હવે તે વન-ડેમાં સૌથી વધુ સદી ફટકારવાના સચિન તેંડુલકરના રેકોર્ડથી માત્ર ૯ સતક જ દુર છે. ભારતીય કેપ્ટને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૬૫ સદીઓ ફટકારી ચુકી છે અને ઓલ ઓવર હાઈએસ્ટ સેન્ચ્યુરીમાં કોહલી હવે સચિન તેંડુલકરની ૧૦૦ સદી અને રીકી પોન્ટીંગની ૭૧ સદી પછી ત્રીજા સ્થાને આવી ગયો છે.
ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરે ૪૬૩ વન-ડેમાં ૪૯ સદી ફટકારી હતી જયારે કોહલીએ માત્ર ૨૨૪ વન-ડેમાં જ ૪૦ સદીઓ પુરી કરી લીધી છે જે રીતે કોહલી હાલ ધરખમ ફોમમાંથી પસાર થઈ રહ્યો છે અને તેના બેટમાંથી જે રીતે રનના ઢગલા ખડકાઈ રહ્યા છે તે જોતા એવું લાગી રહ્યું છે કે, કોહલી આગામી બે જ વર્ષમાં સચિન તેંડુલકરના વન-ડેમાં સૌથી વધુ સદી ફટકારવાના રેકોર્ડને તોડી નાખશે. કોહલીની સદીની મદદથી ગઈકાલે ભારત બીજી વન-ડે જીતવામાં સફળ રહ્યું હતું અને પાંચ વન-ડેની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા સામે ૨-૦ની મહત્વપૂર્ણ લીડ હાંસલ કરી લીધી છે.
બીજી વન-ડેમાં ૧૦ ચોગ્ગા ફટકારતાની સાથે જ કોહલીએ પોતાના આંતરરાષ્ટ્રીય વન-ડે ક્રિકેટમાં ૧૦૦૦ ચોગ્ગા ફટકારવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. સચિન તેંડુલકર ૨૦૧૬ ચોગ્ગા ફટકારવા સાથે નંબર વન પર છે. જયારે વિરેન્દ્ર સહેવાગ ૧૧૩૨ ચોગ્ગા સાથે વિશ્વમાં છઠ્ઠા સ્થાને અને સૌરભ ગાંગુલી ૧૧૨૨ ચોગ્ગા સાથે ૭માં સ્થાન પર છે. વિરાટ આગામી એક દસકો ક્રિકેટ રમશે અને ફોમ યથાવત જાળવી રાખશે તો ક્રિકેટ વિશ્વના તમામ રેકોર્ડ પોતાના નામે કરી લેશે તેવું ક્રિકેટ પંડિતો માની રહ્યા છે.