રોયલ ચેલેન્જર્સ બેન્ગલોરે શનિવારે દિલ્હી ડેરડેવિલ્સને પાંચ વિકેટના માર્જિનથી હરાવીને પ્લે-ઑફ માટેની આશા ફરી જીવંત રાખી હતી. જોકે, આજે બેન્ગલોરે પ્લે-ઑફ માટેનો દાવો મજબૂત કરવા અહીં રાત્રે ૮ વાગ્યે શરૂ થનારી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબને હરાવવું જ પડશે. રવિચન્દ્રન અશ્વીનના નેતૃત્વમાં પંજાબની ટીમ શરૂઆતમાં એક પછી એક મેચ જીતી હતી, પરંતુ છેલ્લા થોડા દિવસથી ખૂબ હારી છે એટલે આજે વિરાટ ઍન્ડ કંપનીએ એના આક્રોશથી ચેતવું પડશે.

શનિવારે બેન્ગલોરે વિજય હાંસલ કર્યો હોવા છતાં પોઇન્ટ્સ-ટેબલમાં એ છેક સાતમા નંબર પર હતું. દિલ્હીએ ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૧૮૧ રન બનાવ્યા હતા જેમાં જબરદસ્ત ફોર્મ ધરાવતા રિષભ પંત (૬૧ રન, ૩૪ બોલ, ચાર સિક્સર, પાંચ ફોર)નું સૌથી મોટું યોગદાન હતું. જોકે, આઇપીએલમાં આ વખતે પહેલી જ વખત રમેલા ૧૭ વર્ષના અભિષેક શર્મા (૪૬ અણનમ, ૧૯ બોલ, ચાર સિક્સર, ત્રણ ફોર)ની ફટકાબાજીએ પણ રંગ રાખ્યો હતો. બેન્ગલોર વતી યુઝવેન્દ્ર ચહલે બે તથા મોઇન અલી અને મોહંમદ સિરાજે એક-એક વિકેટ લીધી હતી.

બેન્ગલોરે ૧૯ ઓવરમાં પાંચ વિકેટે ૧૮૭ રન બનાવીને રોમાંચક વિજય મેળવીને બહુમૂલ્ય બે પોઇન્ટ મેળવ્યા હતા. કેપ્ટન વિરાટ કોહલી (૭૦ રન, ૪૦ બોલ, ત્રણ સિક્સર, સાત ફોર) તથા એ.બી. ડીવિલિયર્સ (અણનમ ૭૨, ૩૭ બોલ, છ સિક્સર, ચાર ફોર) વચ્ચે માત્ર ૬૪ બોલમાં ત્રીજી વિકેટ માટે ૧૧૮ રનની ભાગીદારી થઈ હતી. બેન્ગલોરે ત્રીજી જ ઓવરમાં ૧૮ રનમાં બે વિકેટ ગુમાવ્યા પછી પણ આ વિજય મેળવીને પોતાની તાકાતનો પરચો રહી-રહીને બતાવી દીધો હતો. બેન્ગલોરનો ૧૧ મેચમાં આ ફક્ત ચોથો વિજય હતો. બીજી તરફ, દિલ્હીની ૧૨ મેચમાં આ નવમી હાર હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.