ધોની ૧૫૦ ટકાના વધારા સાથે એ ગ્રેડમાં સામેલ
બોર્ડે ખેલાડીઓના કરારની રકમ ત્રણ ગણી વધારી
બીસીસીઆઈ દ્વારા ક્રિકેટરોના નવા ભાવ બાંધણાની જાહેરાત કરવામાં આવી છે. નવા ફેરફાર અનુસાર ભારતીય ટીમના ધુંઆધાર બેટસમેન શિખર ધવનની ફીમાં ૧૪૦૦ ટકાનો વધારો થયો છે. ધવનને સી ગ્રેડમાંથી હટાવીને નવા જાહેર થયેલા એ+ ગ્રેડમાં મુકવામાં આવ્યો છે. જયારે પૂર્વ શુકાની મહેન્દ્રસિંહ ધોનીના ગ્રેડ ઘટાડવામાં આવ્યા છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ૨૦૧૭-૧૮ માટે ક્રિકેટરોની કોન્ટ્રાકટર યાદી જાહેર કરી છે. બોર્ડે પુરુષ ક્રિકેટરો માટે નવો ગ્રેડ એ+ નો સમાવેશ કર્યો છે. જેમાં પાંચ ખેલાડીઓને સ્થાન અપાયું છે. આ ખેલાડીઓને ૭ કરોડ રૂપિયા મળશે. જેમાં એ+ ગ્રેડમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, જસ્પ્રીત બુમરાહ અને ભુવનેશ્ર્વર કુમારનો સમાવેશ થયો છે.
બોર્ડે ખેલાડીઓના કરારની રકમ ત્રણ ગણી વધારી દીધી છે. નવા કરાર પ્રમાણે ગ્રેડ એના ખેલાડીઓને ૫ કરોડ, બી ગ્રેડ માટે ૩ કરોડ અને સી ગ્રેડ માટે ૧ કરોડ રૂપિયા નકકી કરવામાં આવ્યા છે. ગત કોન્ટ્રાકટમાં ગ્રેડ-એ માટે ૨ કરોડ, બી માટે ૧ કરોડ અને સી ગ્રેડ માટે ૫૦ લાખ રૂપિયા હતા.
બોર્ડના નવા કોન્ટ્રાકટ લિસ્ટથી એ સ્પષ્ટ થાય છે કે તેમાં ટેસ્ટ ક્રિકેટરના બદલે વન-ડે ક્રિકેટ સ્પેશિયાલિસ્ટ ખેલાડીઓને મહત્વ આપવામાં આવ્યું છે. સૌથી વધારે પૈસા મેળવનાર ગ્રેડ-એ પ્લસમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, ભુવનેશ્ર્વર કુમાર અને જસપ્રીત બુમરાહ સામેલ છે. જેમાં રોહિત શર્માને વન-ડે સ્પેશિયાલિસ્ટ માનવામાં આવે છે. તે ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવા સંઘર્ષ કરી રહ્યો છે. ધવનનું સી ગ્રેડમાંથી એ પ્લસ ગ્રેડમાં પ્રમોશન થયું છે.
બીસીસીઆઈએ ૧૯ મહિલા ક્રિકેટરો સાથે ૩ કેટેગરીમાં કોન્ટ્રાકટ કર્યો છે. ગ્રેડ-એમાં મિતાલી રાજ, ઝુલન ગોસ્વામી, હરમનપ્રીત કૌર અને સ્મૃતિ મંધાના સામેલ છે. જેમને વાર્ષિક ૫૦ લાખ રૂપિયા મળશે. બી ગ્રેડમાં સામેલ ખેલાડીઓને વાર્ષિક ૩૦ લાખ અને સી ગ્રેડમાં સામેલ ખેલાડીઓને વાર્ષિક ૨૦ લાખ રૂપિયા મળશે.