વિશ્ર્વ ક્રિકેટની બે દિગ્ગજ ટીમો વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે: ત્રણ અને પાંચ વન-ડે રમાશે
ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે આવતીકાલથી વન-ડે ક્રિકેટ શ્રેણી શરૂ થવા જઈ રહી છે. ઓસ્ટ્રેલીયા સામેની ગત શ્રેણીમાં રનોનો વરસાદ થયો હતો. આવતીકાલથી શરૂ થનારી શ્રેણીમાં પણ બન્ને ટીમો ચોગ્ગા-છગ્ગા લગાવી મનોરંજન પીરસશે તેવી અપેક્ષા સેવવામાં આવી રહી છે. કાંગારૂ ઓને ભરી પીવા વિરાટ સેના સજ્જ છે. બન્ને ટીમો કાંડાના કસબી ઉપર વધુ ભરોસો રાખી રહી છે.
ઓસ્ટ્રેલીયન ટીમના કેપ્ટન સ્ટીવ સ્મીથ અગાઉ જ તેમના લેગ સ્પીંનર એડમ ચમ્પાને અંતિમ ઈલેવનમાં સ્થાન આપી ચૂકયો છે. બીજી તરફ ભારત પાસે ચાઈનામેન કુલદિપ યાદવ અને લેગ સ્પીંનર યુજવેન્દ્ર ચહલ સ્પીંનર તરીકે જવાબદારી નિભાવશે. ઓસ્ટ્રેલીયાને સૌથી વધુ ચિંતા ચાઈનામેન કુલદિપ યાદવની છે. આ સમસ્યાના ઉકેલ તરીકે ટીમ ઓસ્ટ્રેલીયા ભારતના જ વધુ એક ચાઈનામેન બોલર કે.કે.જીયસની મદદ લીધી છે. ડેર ડેવિલ્સના આ બોલરે કેપ્ટન સ્મીથ સહિત અન્ય ખેલાડીઓને પ્રેકટીસ કરાવી છે.
ઓસ્ટ્રેલીયાના લેફર્ટ આર્મ સ્પીંનર એસ્ટન અગરે પણ આ સીરીઝ સ્પીનર બોલરો ઉપર કેન્દ્રીત હોવાનું કહ્યું છે. બીજી તરફ ગલેન મેકસવેલ અને ફોકનર સહિતના ઓસ્ટ્રેલીયન બેટ્સમેન પણ ભારતીય બોલરો સામે પોતાનું કૌવત દાખવવા તૈયાર છે. જો કે, ડેવીડ વોર્નર અને ફિન્ચ જેવા ધુરંધરોની ઉણપ ટીમ ઓસ્ટ્રેલીયાને શ્રેણીમાં અનુભવાશે.
બીજી તરફ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા, અંજીકય રહાણે, લોકેશ રાહુલ સહિતના ખેલાડીઓ ઉપર ટીમ ઈન્ડિયાનો દારોમદાર છે. છેલ્લા સાત વર્ષથી ભારત ઘર આંગણે ઓસ્ટ્રેલીયા સામે એક પણ વખત હાર્યું નથી. ગત શ્રેણીમાં પણ બેટીંગ અને બોલીંગના જોરથી ટીમ ઈન્ડિયાએ કાંગારૂ ઓને પરાજયનો સ્વાદ ચખાડયો હતો.
આવતીકાલથી ઓસ્ટ્રેલીયા સામેની વન-ડે સીરીઝ શરૂ થવાની છે. પ્રથમ મેચ ચેન્નઈ ખાતે રમાશે. ઓસ્ટ્રેલીયા સામે ૩ અને પાંચ વન-ડે મેચ રમાવાની છે