રૈયા વિસ્તારના સ્માર્ટ સિટી પાર્કમાં તળાવ ઉંડુ કરશે: આજી નદી અને તમામ વોંકળામાં સફાઈ ઝુંબેશઅને ન્યારી તળાવમાંથી કાંપ કાઢી ઉંડાઈ વધારશે: જળસંચય માટે વ્યાપક જનસંપર્ક થશે

રાજ્ય સરકાર સમગ્ર ગુજરાતમાં જળાશયો-તળાવો ઉંડા કરવા માટે જળસંચય અભિયાન હાથ ધરવામાં આવનાર છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧-મે એટલે કે ગુજરાત સ્થાપના દિનથી જળસંચય અભિયાનનો શુભારંભ કરવામાં આવશે, જેમાં મોટી સંખ્યામાં લોકોનો સહયોગ મેળવવામાં આવશે, તેમ મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જાહેરાત કરી હતી. આજે મહાપાલિકા ખાતે  મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાયના અધ્યક્ષ સ્થાને યોજાયેલ વિવિધ સંસ્થાઓની બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, વોટર વર્કસ કમિટીના ચેરમેન દલસુખભાઈ જાગાણી ઉપરાંત જળક્રાંતિ ટ્રસ્ટ, હેલેબેન ચેરીટેબલ ટ્રસ્ટ, બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ, સરગમ ક્લબ, આત્મીય કોલેજ, બી.એ.પી.એસ., માનવ કલ્યાણ મંડળ, વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, સ્માર્ટ સિટી ટ્રસ્ટ, નવજીવન ટ્રસ્ટ, મનમંદિર એજ્યુકેશન ટ્રસ્ટ, સેલ્ફ ફાઈનાન્સ સ્કુલ, રામક્રૃષ્ણ આશ્રમ, ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ વિગેરે સંસ્થાઓના ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા.

આ બેઠકમાં ઉપસ્થિત સંસ્થાઓને સંબોધતા મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સમગ્ર રાજ્યમાં તળાવો ઊંડા કરવા માટે રાજ્યવ્યાપી જળસંચય અભિયાન હાથ ધરવાની તાજેતરમાં જ જાહેરાત કરી તેમાં સાથ સહકાર આપવા સૌને નગરજનોને અપીલ કરી હતી.

મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ આ બેઠકમાં એમ જણાવ્યું હતું કે, રાજકોટના પૂર્વ ઝોન વિસ્તારમાં તળાવ છે એવી રીતે પશ્ચિમ ઝોનમાં પણ એક તળાવ હોય તેવી લાગણી મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી અને એ અનુસાર નવા રિંગ રોડ પર રેસકોર્સ-૨ એરીયામાં  રૈયા વિસ્તારમાં આશરે ૪૫ એકરમાં પથરાયેલા નેચરલ તળાવને વધુ ઊંડું ઉતારવાનું નક્કી કરવામાં આવેલ છે. સુઝલામ સુફલામ જળસંચય અભિયાન હેઠળ રૈયા વિસ્તારના સ્માર્ટ સીટી પાર્કમાં આવેલ તળાવ ઉંડુ કરી તેની જલસંગ્રહ ક્ષમતામાં વૃધ્ધિ કરવામાં આવશે. આ કાર્ય માટે ૪૦ જેસીબી/એક્સકેવેટર અને ૮૦ ટ્રેક્ટરનો ઉપયોગ થશે. પીપીપી ધોરણે હાથ ધરવામાં આવનાર આ ઝુંબેશમાં તળાવમાંથી કાંપ બહાર કાઢી છ મીટર ઉંડાઈ વધારવામાં આવશે. ૨,૭૦,૦૦૦ ચો.મી.નું ખોદાણ કરી તળાવમાં ૨૫૦ એમએલડી જેટલો જળજથ્થો સંગ્રહી શકશે. દરમિયાન આ તળાવ પાસે બ્યુટીફીકેશન પણ કરવામાં આવશે.

૨૦ દિવસ સુધી સતત ચાલનારા આ જળસંચય અભિયાન દરમિયાન તળાવ અને ન્યારી તળાવમાંથી પણ કાંપ દુર કરાવી તેની જળસંગ્રહ ક્ષમતા વધારવામાં આવશે, તેમજ આ કાંપ કાઢવામાં સહયોગી બનનાર નાગરિકો આ કાંપ મફતમાં લઇ જઈ શકશે. તેમ જણાવી  મેયર અને કમિશનરે આ સમગ્ર મહાઅભિયાનના અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓની પણ છણાવટ કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, શહેરની મધ્યમાંથી પસાર થતી આજી નદી અને શહેરના તમામ ૧૯ વોંકળાઓની ધનિષ્ઠ સફાઈ કરવામાં આવશે. આજી નદીના ૧૦ કી.મી. લાંબા બેલ્ટમાં કુલ ૧૨ વિભાગ બનાવી ત્યાંથી કચરો, પ્લાસ્ટિક, ઝાડ-પાનનો કચરો વગેરે પદાર્થો ઉપાડવી લેવામાં આવશે. આ જ પ્રકારે તમામ વોંકળામાં સાફસફાઈ  અને દબાણો હટાવી જળપ્રવાહ અટકે નહિ તે સુનિશ્ચિત કરવામાં આવશે.

વિશેષમાં, જળસંચય અભિયાનને વ્યાપક સફળતા અને અસરકારકતા પ્રાપ્ત થાય તે માટે શહેરમાં વધુ ને વધુ લોકો ચોમાસામાં જળસંચય કરે તે માટે પ્રચારપ્રસાર અને જનસંપર્ક કાર્ય થકી લોકોને આ અભિયાનમાં જોડવામાં આવશે. ઉપરાંત મહાનગરપાલિકા હસ્તકના પાંચ સંકુલોમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ સુનિશ્ચિત કરવામાં આવશે, જેમાં લક્ષ્મીનગર નાલુ, યાજ્ઞિક રોડ તેમજ એસ્ટ્રોન ચોક વિગેરેનો સમાવેશ થાય છે. સાથોસાથ શહેરના વિવિધ વિસ્તારોનો સર્વે કરી જ્યાં જ્યા જમીનમાં પાણી ઉતરી શકે એમ હોય ત્યાં આવશ્યક વ્યવસ્થા ઉભી કરવામાં આવશે, તેમ પણ મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.