કાયદાકીય લપડાક પડે તે પૂર્વે ટ્રસ્ટે કિંમતી જમીનની વેચાણ કાર્યવાહી પડતી મૂકતા થૂંકેલું ચાટયા જેવો ઘાટ
વિરાણી ટ્રસ્ટે ફંડની જરૂરીયાત જણાવીને જમીન વેચાણ કાઢી હોવાના પ્રકરણમાં નવો ફણગો ફૂટયો છે. કાયદાકીય લપડાક લાગે તે પૂર્વે જ ટ્રસ્ટે જમીન વેચાણની અરજી પરત ખેંચી લીધી હોવાનું જાણવા મળ્યું છે. ટ્રસ્ટે જમીન વેચાણની કાર્યવાહી જોરજોરથી શરૂ કર્યા બાદ તેને પડતી મૂકી દેતા થૂંકેલું ચાટયા જેવો ઘાટ ઘડાયો છે.
શામજી વેલજી વિરાણી ટ્રસ્ટે વિરાણી હાઈસ્કુલના કેમ્પસની ૪૩ હજાર ચો.મી. જમીન પૈકી ૫૭૦૦ ચો.મી. જમીના વેચાણ અર્થે મૂકી હતી. આ જમીનના લઘુતમ ભાવ રૂા.૫૧.૫૧ કરોડ રાખીને બિલ્ડરો પાસેથી ભાવ મંગાવવામા આવ્યા હતા. શરૂઆતમાં આ જમીનની રૂા.૧૦૦ કરોડથી વધુની રકમ ઉપજે તેવી પ્રબળ સંભાવનાઓ જોવા મળી રહી હતી પરંતુ વિરાણી હાઈસ્કુલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ જમીન વેચાણ સામે વિરોધ નોંધાવતા વિવાદ સર્જાયો હતો. આ વિવાદના કારણે જમીન માટે માત્ર રૂા.૫૨.૨૦ કરોડના ભાવે એક જ ઓફર આવી હતી જેનાં માટે રૂા. ૧૩ કરોડની સીકયોરીટી ડિપોઝીટ પણ લેવામાં આવી હતી.
આ દરમિયાન પ્રથમ સુનાવણીમાં પક્ષકાર તરીકે જોડાયેલી જીલ્લા કલેકટર કચેરીએ મજબુત પૂરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા સીટી સર્વે કચેરી દ્વારા પણ માલીકીનાં દાવા અંગેની સ્પષ્ટતા રજૂ કરવામાં આવી હતી. આ વેળાએ અન્ય દાવેદાર ડો. પુરૂષોતમ પીપળીયાએ પણ જમીનની માલીકી સરકારની હોવાના અને તેના વેચાણથી શરતભંગ થતો હોવાની દલીલો કરી હતી ગત સુનાવણીમાં બંને વાંધાઓ માન્ય રાખીને ગઈકાલે સુનાવણી રાખવામાં આવી હતી અને તેમા કલેકટર કચેરી દ્વારા જમીન અંગે જરૂરી પૂરાવાઓ તથા સનદો રજૂ કરીને જમીનની માલીકી સરકારની હોવાનું જણાવાયું હતુ સરકારી કચેરીનો દાવો આવતા સીટી સર્વે દ્વારા આપવામાં આવેલ માલીકી હકકનાં કાગળનો કોઈ અર્થ રહેતો ન હોવાનું સ્પષ્ટ થતા સંયુકત ચેરીટી કમિશ્નર સમક્ષ જ વીરાણી ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ જમીન વેચાણ માટે કરેલી અરજી પાછી ખેંચી લીધી હતી આમ આ વિવાદમાં કાયદાકીય લપડાક લાગે તે પૂર્વે જ ટ્રસ્ટે પાછીપાની કરી લેવાનું હિતાવહ સમજયું હતુ. હવે આગામી તા.૨૦ના રોજ ચેરીટી કમિશ્નર દ્વારા ચૂકાદો આપવામાં આવનાર છે.
જમીન ખરીદનારે વાંધો લેવા મુદ્દત માંગતા ૨૦મીએ આગામી સુનાવણી
શામજી વેલજી વિરાણી ટ્રસ્ટે જમીનના વેચાણની અરજી પાછી ખેંચી લીધી છે. જોકે ટ્રસ્ટના આ નિર્ણય સામે જમીન ખરીદનારે વાંધો લીધો છે. જેથી તેણે મુદ્દમ માંગતા ૨૦મીએ આગામી સુનાવણી જોઈન્ટ ચેરિટી કમિશનરે હાથ ધરવાનું જાહેર કર્યું છે.
જમીન ખરીદનારે ટ્રસ્ટના જમીન વેચાણ અરજી પરત ખેંચવાના નિર્ણય સામે વાંધો લેતા હવે નવો કાનુની જંગ શરૂ થાય તેવા અણસાર જણાય રહ્યા છે.