વિરાણી હાઈસ્કુલના વિદ્યાર્થીઓએ એક અલગ અલગ અંદાજમાં ૩૧ ડિસેમ્બરની માનવીય અભિગમ સાથે ઉજવણી કરી હતી. જેમાં સેવાની હૂંફ અંતર્ગત સ્કુલના ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓએ પોતાના ઘરેથી તેમજ આસપાસના વિસ્તારમાંથી સારા, પહેરવાલાયક વસ્ત્રો એકઠા કર્યા હતા અને કુલ ૬૦,૧૨૮ વસ્ત્રો શાળામાં અર્પણ કર્યા હતા. જેમાં સ્વેટર, જેકેટ, ટોપી, મફલર, સાલ જેવા ગરમ વસ્ત્રો તથા અન્ય વસ્ત્રો જેવા કે પેન્ટ, શર્ટ, સાડી, ડ્રેસનો સમાવેશ થાય છે. આ વસ્ત્રો વિવિધ સંસ્થાના સહયોગથી રાજકોટ શહેરની ઝુપડપટ્ટી જેવી કે લક્ષ્મીનગર, રૈયાધાર, લોહાનગર, આજીડેમ, જંકશન, માધાપર, માકેટિંગ યાર્ડ, ૮૦ ફુટ રોડ, મોરબી રોડ, વગેરેમાં જરીયાતમંદ લોકોને અર્પણ કરવામાં આવશે. આજે યુવાધન પશ્ર્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી ડાન્સ, ડાઈન અને વાઈન પાછળ મબલખ ખર્ચ કરે છે ત્યારે વિરાણી હાઈસ્કુલના વિદ્યાર્થીઓનું સામાજિક સેવાનું આ કાર્ય તેમના માટે પ્રેરણાપ છે.
આજે માનવી જ્યારે સ્વાર્થી, સ્વચ્છંદી, સ્વકેન્દ્રી બની રહ્યો છે ત્યારે ૧૩ થી ૧૭ વર્ષના આ વિદ્યાર્થીઓએ સમાજ માટે પોતાનું યોગદાન પૂરું પાડી પાર્ટીમાં બેફામ ખર્ચ કરતા નબીરાઓ તથા અન્ય માટે અનુકરણીય ઉદાહરણ પૂરું પાડયું છે. આ પ્રસંગે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી આર. એસ. ઉપાધ્યાય, જીનીયસ સ્કૂલના ટ્રસ્ટી ડી. વી. મહેતા સાહેબ, શાળાના પ્રમુખ જયંતભાઈ દેસાઈ, દાતા ટ્રસ્ટી રમેશભાઈ વિરાણી, ચિરાગભાઈ ધામેચા (સી.જે.ગ્રૂપ), આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયા તેમજ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં સહકાર આપી ૩૧ ડિસેમ્બરની ઉજવણી કરી હતી. શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ નવા વર્ષમાં સાચું બોલવું, વાંચન, પર્યાવરણ બચાવો, પક્ષી બચાવો, ટ્રાફીકના નિયમોનું પાલન, નિયમિત કસરત, યોગા, વ્યસ્ન મુક્તિ અંગેના સંકલ્પો લીધા હતા.