અગાઉ પ્રાંત અધિકારીએ ચુકાદો આપી દીધા બાદ હાઇકોર્ટે યથાવત
સ્થિતિ જાળવી રાખી પ્રાંતને ફરીથી સુનાવણી કરી નિર્ણય લેવાનો આદેશ કર્યો હતો : હવે બેથી ત્રણ દિવસમાં ફરી ચુકાદો જાહેર થવાની શકયતા
વિરાણી હાઇસ્કુલની જમીનના કેસ મામલે સિટી-1 પ્રાંત કચેરીમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં બન્ને પક્ષોએ ધારદાર દલીલો રજૂ કરી હતી. પ્રાંત અધિકારી હવે બેથી ત્રણ દિવસમાં ફરી ચુકાદો આપે તેવી શકયતા છે.
વિરાણી હાઇસ્કુલની જમીનની માલિકીના વિવાદાસ્પદ પ્રકરણમાં રાજકોટ સિટી-1 પ્રાંત અધિકારી કે.જી. ચૌધરી દ્વારા અપાયેલો નિર્ણય હાઇકોર્ટે રદ કરી આ સમગ્ર પ્રકરણમાં સંસ્થાના ટ્રસ્ટીઓને પૂરેપૂરા સાંભળવા આદેશ કર્યો હતો.શામજી વેલજી વિરાણી ટ્રસ્ટ તરફથી આ કેસમાં ટ્રસ્ટી પ્રવિણાબેન પાંચાભા ચોવટીયાએ પ્રાંત અધિકારીના હુકમને રદ કરવા હાઇકોર્ટમાં રીટ કરી હતી. આ રીટમાં જણાવ્યું હતું કે પ્રાંત અધિકારીએ કાયદાના જ્ઞાન વગર અને હુકુમત વગર હુકમ આપ્યો છે. આ મામલે શરૂઆતથી જ કરવામાં આવેલી કાર્યવાહી કાયદાની જાણ મર્યાદા બહાર હેતુ પાર પાડવા માટે કરવામાં આવી હોવાથી અસ્પષ્ટ કાર્યવાહી માન્ય રાખી શકાય નહીં.
પ્રવિણાબેને પોતાની રિટમાં જણાવ્યું હતું કે આ પ્રકારની મેટર ચેરીટી કમિશનરના તાબા હેઠળ હોય છે. ત્રીજા પક્ષોની જમીન સાથે કાંઇ લાગતું વળગતું ન હોવા છતાં એવી પ્રક્રિયા અપનાવવાની વાત અરજદારોના મિલકત અંગેના કાયદેસરના હક્ક પ્રત્યે અન્યાયકર્તા છે. અને તેથી દાવાના આખરી નિકાલ સુધી પ્રાંત અધિકારીના હુકમના અમલીકરણ અને અમલ માટે સ્ટે કરવા અમારી માગણી છે. આ કેસમાં વરિષ્ઠ કાઉન્સિલર વિમલ પુરોહિત અને મિહિર જોશી હાજર રહ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે હાલના કેસમાં રજૂઆત અને દલીલો પહેલા થઇ હતી ત્યારે અધિકારી અલગ હતા અને અસ્પષ્ટ હુકમ એ અધિકારીએ આપ્યો હતો કે જેમણે દલીલ કે રજૂઆત સાંભળી ન હતી.
અસ્પષ્ટ હુકમમાં હકીકતોનું ખોટું અર્થઘટન છે અને તેથી વર્તમાન હુકમ રદ કરવો જોઈએ. અમલવારી બાજુ પર રાખી અરજદારોને નવેસરથી સાંભળવામાં આવે તેવું હાઇકોર્ટે જણાવ્યું હતું. આમ અગાઉ પ્રાંત અધિકારીએ ચુકાદો આપી દીધા બાદ હાઇકોર્ટે યથાવત સ્થિતિ જાળવી રાખી પ્રાંતને ફરીથી સુનાવણી કરી નિર્ણય લેવાનો આદેશ કર્યો હતો. જેને પગલે આજે પ્રાંત અધિકારીએ સુનાવણી હાથ ધરી બન્ને પક્ષોને સાંભળ્યા હતા. હવે બેથી ત્રણ દિવસમાં ચુકાદો આવે તેવી શકયતા છે.