અમૃતસર સુવર્ણમંદિર, વાઘાબોર્ડર-અટારી, લશ્કરી પરેડ બધિર બાળકો માટે અવિસ્મરણીય કાયમી સંભારણુ બની
રાજકોટ શહેરમાં આવેલી બહેરા મૂંગા બાળકોને શિક્ષણ અને વ્યવસાયિક તાલીમ આપતી સંસ્થા શ્રી છ.શા.વિરાણી બહેરા મૂંગા શાળામાં ૨૬૦ દિવ્યાંગ (મૂક બધિર) બાળકો અભ્યાસ કરે છે. પરમકૃપાળુ પરમાત્માની પ્રેરણાથી, ટ્રસ્ટીઓના માર્ગદર્શન, દાતાઓના આર્થિક સહયોગથી તથા વાલીઓના સાથ સહકારથી અને રાજય સરકારની પૂર્વ મંજુરી મેળવી આ ૨૬૦ પૈકી ૧૦૦ મોટા બાળકોને શાળા દ્વારા તા.૨૮ જાન્યુઆરીથી તા.૧૦ ફેબ્રુઆરી સુધી ૧૩ દિવસનો શૈક્ષણિક પ્રવાસ રાજકોટથી ઉંઝા-ઉમિયામાતા મંદિર, જોધપુર-કિલ્લો, રામદેવરા-રામદેવજી મહારાજ સમાધિ સ્થળ, પોખરણગઢ-કિલ્લો, અમૃતસર-સુવર્ણમંદિર, વાઘાબોર્ડર-અટારી, લશ્કરી પરેડ, જમ્મુ-રઘુનાથજી મંદિર, કટરા-વૈશ્નોદેવી, કુરુક્ષેત્ર-કૌરવ પાંડવ ભુમિ, દિલ્લી દર્શન, સંસદ ભવનની મુલાકાત, રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત, જયપુર-મેવાડ કિલ્લો, નાથદ્વારા-શ્રીનાથજી દર્શન, એકલિંગજી મહાદેવ દર્શન, ઉદયપુર-રાજમહેલ તેમજ અન્ય જોવાલાયક સ્થળોનો એક અવિસ્મરણીય, રોમાચિંત અને સાહસિક શૈક્ષણિક પ્રવાસ બે સ્લીપર લકઝરી બસ દ્વારા સુખરૂપ પૂર્ણ કરાવવામાં આવ્યો.
સંસ્થાના ઈતિહાસમાં આટલો લાંબો પ્રવાસ બે સ્લીપર લકઝરી બસ દ્વારા દિવ્યાંગ બધિર બાળકોને કોઈ જ મુશ્કેલી ન પડે તે માટે સ્ટાફના બધા ભાઈ-બહેનોએ સંસ્થાના પ્રમુખ રજનીભાઈ બાવીશી, માનદમંત્રી હસુભાઈ જોષી તથા સર્વે ટ્રસ્ટી મંડળના માર્ગદર્શન હેઠળ નાનામાં નાની જરૂરીયાતની વસ્તુઓની કાળજી લઈ લીસ્ટ બનાવી બાળકોને આપી, આઈકાર્ડ બનાવી, આઈડેન્ટીટી માટે રેડ કલરની કેપ બનાવી, વાલીની સંમતિ મેળવી, સરકારની મંજુરી મેળવી આ પ્રવાસનું આયોજન કર્યું હતું. સમગ્ર પ્રવાસ દરમ્યાન ભારતની પ્રાચીન અને ઐતિહાસિક સંસ્કૃતિના અદભુત દર્શન કરાવી આ દિવ્યાંગ બાળકોના જીવનમાં અલૌકિક, રોમાંચિત અને અવિસ્મરણીય અને સાહસિક પ્રવાસનો અનુભવ કરાવ્યો હતો. આ પ્રવાસ શાળાના આચાર્ય કશ્યપભાઈ ડી.પંચોલીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો.