14 હજાર બોટલ અને 11 વાહનો મળી કુલ રૂ. 67.45 લાખનો મુદામાલ કબ્જે: ત્રણની ધરપકડ
હરિયાણાથી દારૂનો જંગી જથ્થો ભરીને નિકળેલુ ક્ધટેનર તમામ ચેકપોસ્ટ વટાવીને છે ક ગુજરાતના વિરમગામ સુધી પહોંચી ગયું હતું. વિરમગામ ગ્રામ્ય પોલીસે 648 પેટીમાં ભરેલી 14,812 દારૂની બોટલનો જથ્થો ઝડપી પાડયો હતો. તેની કિંમત 30.22 લાખ થાય છે. આ સાથે પોલીસે એક ટ્રક અને દસ ફોર વ્હીલર સહિત રૂ. 67.45 લાખનો મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડયા હતા.
મળેલી ખાનગી બાતમીના આધારે ભાવડા ગામની સીમ ખાતે સરકારી ખરાબામાં રાત્રીના સમયે પરપ્રાન્તીય વિદેશી દારૂનું કંટીગ વખતે દરોડો પાડયો હતો. ત્યારે વિવિધ દારૂની બોટલ નંગ 14812 કુલ પેટી 648 જેની કિંમત રૂા. 30,22,225નો જથ્થો મળી આવ્યો હતો. તેની સાથે કુલ 11 વાહનો તેમાં 1 ટ્રક, 10 ફોર વ્હીલર સાથે રૂા. 67,45,255નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ રેઈડમાં ફક્ત ત્રણ આરોપી પકડાયા છે. બાકીના આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પકડાયેલા આરોપીમાં મોસીન ઈલીયાસ ગોસી (રહે. ઉત્તરપ્રદેશ), ધવલ ઉર્ફે જીગર સુરેશભાઈ ચૌહાણ (રહે. બાવળા પોલીસ સ્ટેશન પાછળ) અને મુકેશભાઈ કેશાજી પ્રહેલાદજી માળી (રહે. શક્તિ એપાર્ટમેન્ટ, વટવા, અમદાવાદ)નો સમાવેશ થાય છે. ત્યારે દારૂનો જથ્થો મોકલનાર વીકી (રહે. રોહતક હરિયાણા), ગોપાલસિંહ સોલંકી, મુનીમ નરેશ ગોસ્વામી (રહે. દિયોદર), દશરથ ઉર્ફે ડીકે (રહે. દાંતીવાડ) તથા વિદેશી દારૂનો જથ્થો ભરવા આવનાર ફોર વ્હીલરના ડ્રાયવરો તથા મજુર નાસી ગયા હતા. પોલીસે આશરે 15 ઈસમો વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજરાતમાં ફક્ત કહેવાતી દારૂબંધી હોય તેવુ લાગી રહ્યું છે.