માનવતા મરી પરવારી હોય તેમ ગુનેગારો બેફામ બની રહ્યા છે. એમાં પણ જનેતાની વાત આવે…. જનનીની વાત એક ગુનેગાર તરીકે થાય તો…. જનની જ એક હત્યારી બની જાય તો… કળિયુગી દુનિયાનો આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વિરમપુરના જાલમપુર ગામે 6 વર્ષના છોકરાના અપહરણનો ભેદ અઢી વર્ષ પછી ઉકેલાયો છે. જેમાં ચોંકાવનાર ખુલાસો થયો છે.
6 વર્ષના હાર્દિક નામના માસૂમ બાળકની અપહરણ બાદ ઘાતકી હત્યા અન્ય કોઇએ નહીં પરંતુ તેની જ માતા અને કાકાએ પોતાનું પાપ છુપાવવા કરી હોવાનું હૃદય કંપાવનારું સત્ય સામે આવ્યું છે. હત્યા બાદ બાળકના મૃતદેહને સગેવગે કરી અપહરણ થયું હોવાનું અને પોતે જાણે કાંઇ નથી કર્યું તેમ અઢી વર્ષથી ફરી રહ્યાં હતા.
શું છે સમગ્ર મામલો ?
વિરમગામ તાલુકાના જાલમપુર ગામમાં રહેતા નવઘણભાઈ પટેલનો 6 વર્ષીય પૌત્ર હાર્દિક સપ્ટેમ્બર વર્ષ 2018માં અચાનક ઘરની બહારથી જ ગુમ થઈ ગયો હતો. શોધખોળ કરવા છતાં હાર્દિકનો પતો ન લાગતા પરિવારે વિરમગામ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અને અંતે અઢી વર્ષ બાદ આ બનાવમાં માતા અને કાકા જ હત્યારા તરીકે સામને આવ્યા છે.
પોતાના કાળા કાંડ છુપાવવા માસુમનો જીવ લઈ લીધો
નવઘણભાઈના પત્ની પાર્વતી બહેન તેમનો મોટો પરિણિત પુત્ર જગદીશ અને નાનો પુત્ર અપરિણીત રમેશ ઉર્ફે કટો. જગદીશભાઇના પત્ની જોસના અને તેમના બે સંતાનો હાર્દિક અને ત્રણ વર્ષીય પુત્રી શ્રદ્ધા. પોલીસની તપાસમાં અનેક ચોંકાવનારી હકીકતો સામે આવી છે. હાર્દિકની માતા જોસના અને દિયર રમેશને આડા સંબંધો હતા. હાર્દિક માતા અને કાકાને એક સાથેની હાલતમાં જોઈ ગયો હતો. જેથી જો હાર્દિક પરિવાર કે ગામમાં કોઇને કહી દેશે તો તેમના આ સંબંધની જાણ બધાને થઇ જશે. આ ડરનાં કારણે બંનેએ ભેગા થઇને હાર્દિકનું અપરહરણ કરી મારી નાખવાનું ષડ્યંત્ર રચ્યું.
માસુમનો જીવ લીધા બાદ સળગાવી દીધો હોવાનું પણ ખુલ્યું
આરોપીઓ 28 સપ્ટેમ્બર, 2018ના રોજ હાર્દિકને ખેતરમાં ઉઠાવી ગયાં હતાં. કાકા રમેશે હાર્દિકનું ગળું દબાવી તેનું મૃત્યું નીપજાવ્યું હતુ. જે બાદ બાજુના ખરાબાની બાવળવાળી જગ્યામાં હાર્દિકનો મૃતદેહ સળગાવી દીધો હતો. મૃતદેહને માટી અને રાખ સાથે કોથળામાં ભરી રેતીના ઢગલામાં દાટી દીધા હોવાનું પણ ખુલ્યું છે. ત્યાર બાદ રમેશ નોકરીએ અને જોસના ઘરે જતી રહી હતી. બીજા દિવસે રમેશે કોથળો કાઢીને બાજુમાં આવેલી ગટરમાં નાખી પુરાવાનો નાશ કરી દીધો હોવાનું જાણવા મળેલ છે. પોલીસે બંનેને ઝડપી રિમાન્ડ પર લઈ IPC કલમ 302, 201, 120 (બી), 114 મજુબ કલમ વધારો કરવા કાર્યવાહી કરવામા આવેલ છે.