શાસ્ત્રીજી મહારાજનાં માર્ગે ૧૭૦ જેટલા ગુરુકુલોમાં હજારો બાળકો સત્સંગનાં શુભ સંસ્કારો મેળવી રહ્યા છે

સદગુરુ શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીએ પ્રથમ ગુરુકુલ પરંપરાની સ્થાપના કરી શિક્ષણ ક્ષેત્રે મોટી ક્રાન્તિ આણી છે. નાનકડા ખોબા જેવા, અમરેલી જિલ્લાના તરવડા ગામમાં આ સંતનું અવતરણ થયું હતું. નાનપણથીજ તેનામાં જન્મજાત પરમહંસના લક્ષણો હતા. ગુણાતીતાનંદ સ્વામીની પરંપરાના મહાન વચનસિદ્ધ સંત હતા. સદ્. બાલમુકુન્દદાસજી સ્વામી દ્વારા એેમની મુમુક્ષુતાનું પોષણ થયું હતું. તેમજ સદ્ગુરુ પુરાણી ગોપીનાથદાસજી સ્વામી અને સદ્ગુરુ સ્વામી નારાયણદાસજી સ્વામી જેવા પવિત્ર સંતોની હૂંફથી એ પરમહંસને પાંખો ફુટી. સમર્થ સંતપુરુષોની શ્રદ્ધા પૂર્વકની સેવાથી એમના ઉપર આશિષોના અમૃત વરસ્યા. પરિણામે એમનું એકાંતિક ધર્મમય સંતજીવન ખીલી ઉઠ્યું અને ધર્મજીવનદાસજી નામ પણ સાર્થક થયું. ગુણાતીત પરંપરાનું સર્વોપરિ જ્ઞાન અને ઉપાસના તો એમની ગળથૂથીમાં હતા. સાથો સાથ વડતાલ સાત વરસ કરેલા શાસ્ત્રોના ગહન અભ્યાસથી એ જ્ઞાન અને ઉપાસનાએ અગાધ સાગરનુ રુપ ધર્યું.

ઇ.સ.૧૯૪૫માં બીજા વિશ્વયુદ્ધના કટોકટીભર્યા સમયમાં જુનાગઢ રાધારમણદેવની સાનિધ્યમાં યોજાયેલ ૨૧ દિવસના યજ્ઞથી સંપ્રદાયમાં એક નવી ચેતના પ્રગટી, યજ્ઞ સમાપ્તિ બાદ પ્રભુએ સર્જેલા સંજોગોમાં હિમાલયની યાત્રા દરમ્યાન ગુરુકુલ કરવાની પ્રેરણાએ સંપ્રદાયને સેવાની નવી ઉંચાઇઓ ઉપર લઇ જવાનો  જાણે રાજમાર્ગ મળ્યો. ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં સમસ્ત વિશ્વના કલ્યાણ માટે મહામંત્ર સમાન આજ્ઞા કરી છે કે પ્રવર્તનીયા સદવિદ્યા ભૂવિ યત્સુકૃત્ મહત્ ભગવાન શ્રી સ્વામિનારાયણની આ મંગળ આજ્ઞા પ્રમાણે સમસ્ત માનવજાતના કલ્યાણ માટે પ્રાચીન ભારતની ભવ્ય ધરોહર સમાન ગુરુકુલની અર્વાચીન પરંપરા સર્જી.  ગુરુકુલની સિદ્ધિઓથી પ્રેરાઇને અનેક ધર્માચાર્યો, સમાજસેવકો અને રાષ્ટ્રિય નેતાઓ આ સેવા કાર્ય તરફ વળ્યા. અને આજે સંપ્રદાયમાં ૧૭૦ ઉપરાંત ગુરુકુલો સ્થપાયા છે અને હજારો બાળકો આધુનિક શિક્ષણની સાથે સંસ્કાર પ્રાપ્ત કરી રહ્યા છે.કોરા વિદ્વાનો કરતા અનુભવી બ્રહ્મનિષ્ઠ સંત શ્રેષ્ઠ છે. અને એવા હજારો બ્રહ્મનિષ્ઠો કરતા અનેક જીવોના હિત માટે કર્મયોગમાં પ્રવર્તે તે શ્રેષ્ઠ છે.

આજથી ૭૦ વર્ષ પૂર્વે જ્યારે એમણે શૂન્યમાંથી સર્જન કરતા હોય તેમ ગુરુકુલના બીજ રોપ્યા ત્યારે કોઇ કલ્પના પણ નહોતી કે આ પ્રયોગ વટ વૃ્ક્ષ બની જશે. ઘણા મહાપુરુષો પોતે જીવનકાળમાં ઘણું મહત્વનું પ્રદાન કરતા હોય છે. પણ મોટા ભાગ્યે તેમના પછી શૂન્યાવકાશ સર્જાતો હોય છે. પરંતુ આ મહાન સંતવર્યે એવું સંસ્કાર ને સેવાપૂર્ણ વાતાવરણ સર્જ્યું, એવો વેગ લગાડી દીધો, જેને લીધે તેમણે વહાવેલો સેવા પ્રવૃતિનો અને ભજન ભકિતનો પ્રવાહ એસજીવીપી ગુરુકુલના શા.માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, રાજકોટ ગુરુકુલના મહંત શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી, ધર્મવલ્લભદાસજી સ્વામી, દેવપ્રસાદદાસજી સ્વામી વગેરે સંતો દ્વારા અવિરત પ્રમાણે તેમના ઉચ્ચ ધ્યેય પ્રમાણે સેવા યજ્ઞ ચાલુ છે

પોતાની હયાતિમાં બ્રહ્મસત્રો, જ્ઞાનસત્રો, સાત સાત સ્પેશ્યલ યાત્રા ટ્રેનો, વિદેશ યાત્રાઓ, મહાન વિષ્ણયાગો, જપયજ્ઞો, મેડીકલ સેવા, દુષ્કાળ-પૂર જેવા પ્રસંગોએ પીડિતો અને ગરીબોની સેવા, વગેરે સમાજ અને સત્સંગ માટેના બહુજન હિતકારી સેવા પ્રકલ્પોના પ્રેરક તરીકે આજે પથદર્શક બની ગયા છે. પ્રસિદ્ધિ અને પ્રશંસાથી પર રહેવું એ પૂ સ્વામીજીના જીવનની આગવી વિશિષ્ટતા હતી. મોટા મોટા મહાત્માઓ ધન અને નારીનો ત્યાગ કરી શકે છે, પણ માન સન્માન અને લોકેષણા છોડી શકતા નથી.ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ સમર્થ સિદ્ધ સંત હોવા છતાં વ્યકિતપૂજાથી સર્વથા પર હતા. શિક્ષણ  અને સેવાની વિવિધ પ્રવૃતિઓ છતાં એમનું અયાચક વ્રત અજોડ અને અખંડ રહ્યું  હતું.  તેઓ કહેતા કે મારે જરુર પડશે તો ભગવાન પાસે માગીશ પણ માણસ પાસે લાંબો હાથ કરીને માંગીશ નહીં. સર્વોપરિ ભગવાનને ખોળે બેસી ભિખારી થાઉં તો મારા ભગવાનને શરમ આવે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.