બજાણા રેલ્વે ફાટક નજીક બાઇક પર જતા આધેડની ધારીયા અને લોખંડની ટામી વડે ઘાતકી હત્યાકરી આરોપીઓએ વિડીયો બનાવી વાયરલ કર્યો હતો. જેથી DSP અને DYSPની આગેવાનીમાં જીલ્લા પોલિસ, એસઓજી અને બજાણા પોલિસની જુદી જુદી ટીમો બનાવી આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રોગતિમાન કરાયા છે.
પાટડી તાલુકાના બજાણા ગામે અગાઉના પ્રેમલગ્નનું મનદુખ રાખીને બાઇક પર પોતાની પત્નિ સાથે જતા આધેડ હબીબખાન સાહેબખાન મલિકની પાંચથી છ શખ્સોએ લાકડી, ધારીયા અને લોખંડની પાઇપ વડે હત્યા કરી હતી. તેમજ આરોપીઓએ આ હત્યાનો વિડીયો ઉતારી સોશીયલ મીડીયામાં વાયરલ કર્યો હતો.
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી જિલ્લા પોલિસ વડા મનિન્દરસિંહ પવાર અને ડીવાયએસપી એમ.આર.શર્માએ જિલ્લા પોલીસ, એસઓજી અને બજાણા પોલીસની અલગ-અલગ ટીમો બનાવી તમામ આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે બજાણા પીએસઆઇ વી.બી.કલોતરાએ જણાવ્યું કે હત્યા કેસના આરોપીઓ જુદા જુદા નાસતા ફરતા હોવાની શંકાના આધારે પોલિસની જુદી-જુદી ટીમો ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.