સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયા અને વરસાદી માહોલના પગલે મચ્છરોનો ઉપદ્રવ વધતા ડેંગ્યુ અને ચીકનગુનીયા સહિતનો રોગચાળો ફેલાવાની દહેશત વ્યકત થઈ રહી છે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા એક અઠવાડીયામાં જિલ્લામાં ડેંગ્યુના આઠ અને વાયરલ તાવના 150 કેસો સામે આવેલ હોવાનુ જાણવા મળે છે વાયરલ તાવના કેસમાં આવેલ ઉછાળો ચિંતાજનક છે.નગરપાલીકાતંત્ર દ્વારા હજુ સુધી ફોગીંગ કે જંતુનાશક દવાનો છંટકાવ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ નથી તેથી આમજનતામાંં રોષ ની લાગણી જોવા મળે છે.

સુરેન્દ્રનગર જિલ્લાના શહેરી-ગ્રામ્ય વિસ્તારોમાં ઠેરઠેર વરસાદી પાણીના ખાબોચીયા ભરેલા છે ખુલ્લા પ્લોટોમાં વરસાદી પાણી ભરાઈ રહ્યા છે આ પાણીમાં રોગજન્ય મચ્છરોના પોરા જોવા મળી રહ્યા છે ડેંગ્યુ અને ચીકનગુનીયાના વાયરસ ધરાવતા મચ્છરોના ઉપદ્રવથી રોગચાળો વકરવાની દહેશત વ્યકત થઈ રહી છે. હાલ સરકારી અને ખાનગી દવાખાનાઓમાં ડેંગ્યુ-ચીકનગુનીયાના કેસો આવી રહ્યા હોવાનું જાણવા મળે છે ઝેરી મેલેરીયા,ટાઈફોઈડ, કમળાના કેસો પણ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. વૃધ્ધો અને નાના બાળકોમાં રોગપ્રતિકારક શકિત ઓછી હોવાથી તેઓ ઝડપથી આ રોગચાળાનો શિકાર બની રહે છે.

ઝાલાવાડમાં રોગચાળો વકરે નહિ તે માટે નગરપાલીકાઓ અને ગ્રામ પંચાયતો દ્વારા જંતુનાશક દવાનો છંટકાવ અને ફોગીંગ વહેલી તકે શરૂ થવા જોઈએ તેમજ પાણી ભરેલા ખાબોચીયાઓમાં બળેલા ઓઈલનો છંટકાવ કરવો જોઈએ ખુલ્લા પ્લોટોમાંથી વરસાદી પાણીનો નિકાલ ન થાય ત્યાં સુધી પોરાભક્ષક માછલીઓ છોડીને મચ્છરોના ઉપદ્રવને અટકાવવો જોઈએ. તેમજ ખુલ્લા પ્લોટના માલિકોને નોટીસો ફટકારીને ગંદાપાણીના નિકાલ માટે કડક સુચના આપવી જોઈએ વિકલ્પે આકરી દંડાત્મક કાર્યવાહી કરવી જોઈએ તેવી લાગણી અને માંગણી છે.

ફુટપાથો ઉપરથી છાણના ઢગલાઓ વહેલીતકે ઉપડાવી લેવા જોઈએ આ અંગે શહેરીજનો પણ સતર્ક અને સજાગ રહે.. ઘરની આજુબાજુ પાણીના ખાબોચીયા ભરાય નહિ તેનુ ધ્યાન રાખે અને પાણીની ટાંકી તથા કુંડાઓમાં મચ્છરના પોરા ન થાય તે માટે જાગૃત રહે તે જરૂરી મનાઈ રહ્યુ છે.

સુરેન્દ્રનગરના જાણીતા બાળરોગોના નિષ્ણાંત તબીબએ આ અંગે  જણાવ્યુંં છે કે, છેલ્લા એક અઠવાડીયામાં વાયરલ તાવના કેસો ચિંતાજનક રીતે વધ્યાં છે. તેમાં બાળકો આ બિમારીનો સૌથી વધુ શિકાર બન્યા છે. બાળકોને આ રોગથી બચાવવા માટે ઘરમાં ઉકાળેલા પાણીનો પીવા માટે ઉપયોગ કરવો જોઈએ. તેમજ બાળકોને લઈને ભીડભાડવાળી જગ્યામા જવાનું ટાળવુ જોઈએ તાવના લક્ષણો જણાય તો તુરત જ ડોકટરનો સંપર્ક કરીને સલાહ લેવી જોઈએ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.