બિલીયાળાના રહેવાસી અને ગોંડલ રામ ટ્રસ્ટના સક્રિય કાર્યકર ઘેલાભાઈ રાદડીયાના પુત્ર વિપુલ રાદડીયાની કંકોતરીને પક્ષીઓના ઘરનું સ્વરૂપ આપ્યું છે. ઘેલાભાઈએ આમંત્રણ ફક્ત 400 પરિવારને આપવાનું છે, પરંતુ તેમની કંકોતરીરૂપી પક્ષીના ઘરની એટલી બધી માંગ નીકળી કે તેમણે બે હજાર કંકોતરી તૈયાર કરાવવી પડી છે.
ઘેલાભાઈના નાના પુત્ર રોનક રાદડિયા ઘણા સમય પહેલાંથી તેના ભાઈના લગ્નપ્રસંગે જીવરક્ષાનો પ્રોજેક્ટ બનાવવો હતો. ભાઈના ચાર મહિના પહેલાં લગ્ન નક્કી થયાં ત્યારે રોનકભાઈ પહેલાં તેમના પરિવારમાં જીવરક્ષા પ્રોજેક્ટની ચર્ચા કરી હતી. રોનકભાઈના પિતાએ જીવરક્ષાના પ્રોજેક્ટની સંમતિ આપી દીધી હતી.
બસ, પરિવારની સંમતિ મળતાં જ રોનકભાઈ પ્રોજેક્ટ પર વર્ક કરવાનું શરૂ કરી દીધું હતું. રોનક રાદડિયાએ કહ્યું હતું કે મારે આ પ્રોજેક્ટ પર્યાવરણપ્રેમી બનીને કરવાનો હતો, એટલે મેં ઇકો-ફ્રેન્ડલી કંકોતરી બનાવવા માટેની ડિઝાઇનો કરવાની તૈયારી કરી હતી. મારા ભાઈનું ઘર બાંધવા જઈ રહ્યા હતા ત્યારે મારે પક્ષીઓ માટે પણ ઘરરૂપી કંકોતરી બનાવવી હતી. એ માટે મેં બે-ચાર ડિઝાઇનો બનાવી.
જેમાં પક્ષીઓને સુવિધારૂપ રહે એવાં બોક્સ તૈયાર કર્યાં. આખરે એક બોક્સ જીવરક્ષા માટે મેં તૈયાર કર્યું અને એ ડિઝાઇન પ્રમાણે મેં એ બોક્સ જેવી કંકોતરી બનાવવા આપી દીધી. આ કંકોતરીમાં રાદડીયા પરિવારે પુત્રના પ્રસંગોની વિગતોની સાથે ચકલીની દર્દભરી અપીલ અને સૂચના પણ લખી છે. આ લખાણમાં તેમણે લખ્યું છે કે ચકલીને લુપ્ત થતી અટકાવવા એના સંરક્ષણ, સંવર્ધન અને માળાનાં સ્થાનોની (ચકલીનો માળો) પૂર્તિ કરવાની તાતી જરૂર છે.
ચકલીને ઝાડ પર માળો બનાવતાં સૂચના આપતાં તેમણે લખ્યું છે કે બાલ્કની કે બારી-દરવાજાની છાજલી નીચે બે અથવા બેથી વધુ સંખ્યામાં રાખવી. બિલાડી ન પહોંચી શકે એવી જગ્યા પસંદ કરવી. પાણી કે વરસાદમાં બગડે નહીં એનું ધ્યાન રાખવું. શિકારી પક્ષીઓનો ભય હોવાથી ખુલ્લા ઝાડ પર, બગીચા કે અગાસીમાં રાખવું નહીં.
ચકલીના માળાની આજુબાજુમાં કે ઝાડ પર પાણીની કૂંડી કે ચણની છાબડી રાખવાથી વધુ સારું પરિણામ અને પુણ્ય મળશે. ઘેલાભાઈ રાદડિયા જ્યારે તેમના પ્રિયજનો અને સ્વજનોને કંકોતરી આપવા નીકળ્યા ત્યારે સૌએ એકથી વધુ કંકોતરીની ડિમાન્ડ કરી. આ સંદર્ભમાં ઘેલાભાઈ રાદડિયાએ કહ્યું હતું કે પ્રિયજનો અને સ્વજનો જ નહીં, તેમના આડોશી પાડોશી કંકોતરી જોઈને જીવરક્ષાના આશયથી કંકોતરીની ડિમાન્ડ કરવા લાગ્યા. આમ હું મારા જીવરક્ષાના ધ્યેયમાં સફળ રહ્યો છું.